Pahalgam Attack : Keychain ના અક્ષરમાં એક ભૂલ અને પહલગામ હુમલામાં ચમત્કારિક રીતે બચ્યો આ ગુજરાતી પરિવાર
ભરૂચના દવે પરિવાર, કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાંથી ચમત્કારિક રીતે બચી ગયો. બૈસરનમાં સેલ્ફી પોઈન્ટ પર રોકાણ અને કી-ચેઇન ખરીદવાના વિલંબને કારણે તેમનો જીવ બચ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે બનેલા ભયાનક આતંકી હુમલામાં, જ્યાં 26 નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા, ત્યાં ભરૂચનો દવે પરિવાર એક દુર્ઘટનાથી અમૂલ્ય રીતે બચી ગયો.
ભરૂચના સંધ્યા દવે, તેમના પતિ ઋષિ દવે અને એનઆરઆઈ બહેન-બનેવી એક પેકેજ ટૂર દ્વારા કાશ્મીર પ્રવાસે ગયા હતા. 22મી તારીખે બપોરે 12:30 વાગ્યે બૈસરનના મીની સ્વિટ્ઝર્લેન્ડ પોઈન્ટ પર પહોંચવાનું તેમના શેડ્યૂલમાં હતું, એ સ્થળ છે જ્યાં થોડીવાર પછી આતંકી હુમલો થયો હતો.
પરંતુ, ત્યાં પહોંચતા પહેલા એક સેલ્ફી પોઇન્ટ પર રોકાઈ, અને પછી આગળ વધતા, સંધ્યાબેનની નજર એક સ્થાનિક કારીગર તરફ ગઈ, જે દેવદારના લાકડામાંથી Keychain બનાવતો હતો. પરિવાર માટે યાદગાર Keychain લેવા રોકાતા, અને તેમાં સ્પેલિંગની ભૂલો સુધારાવતા તેમને ઘણો સમય લાગી ગયો.
આ દરમ્યાન, અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો અને દહેશત ફેલાઈ ગઈ. ટુર ઓપરેટરના ડ્રાઇવરે પણ તરત તેમને પરત ફરવાની સલાહ આપી. અવ્યવસ્થામાં એક ટોળું દોડતું આવ્યું અને આતંકી હુમલાની ખાતરી આપતા, દવે પરિવાર પણ અન્ય પર્યટકો સાથે જીવ બચાવવા માટે હોટલ તરફ દોડી ગયો.
Keychainની પાછળ લાગેલા થોડી મિનિટોના વિલંબે તેમનો જીવ બચાવ્યો
સંધ્યા દવે જણાવે છે કે તેમનો કાશ્મીર પ્રવાસ 10 દિવસનો હતો અને બૈસરન તેમના પ્રવાસનું અંતિમ સ્થાન હતું. તેમણે આક્ષેપ કર્યો કે, ભલે આખો વિસ્તાર સંવેદનશીલ છે, તોય સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ રહી હતી.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચાડ્યો છે. આ હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના મોત બાદ, ભારતે ગુનેગારો અને તેમના સમર્થકો સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. રવિવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 121 મા એપિસોડમાં કહ્યું હતું કે આ હુમલાના ગુનેગારો જ્યાં પણ છુપાયેલા હશે ત્યાં શોધી કાઢવામાં આવશે અને તેમને સજા કરવામાં આવશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત આતંકવાદને સહન કરશે નહીં અને આ વખતે દેશ કોઈપણ મોટા પગલાથી પાછળ હટશે નહીં.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

