Gujarat Result Analysis 2022 : ગઢ ગુમાવ્યા બાદ આદિવાસી નેતા છોટુભાઇ વસાવાએ EVM મશીન પર હારનું ઠીકરૂં ફોડ્યું
એક નિવેદનમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે SC, ST, OBC, માઈનોરિટી આ દેશના 85 ટકા લોકો છે. જેઓ આ ઇવીએમ નો વિરોધ કરી બેલેટ પેપરથી ચૂંટણી થાય તો જ કંઈક આ દેશના લોકોની પ્રગતિ થશે.

ભરૂચ જિલ્લાની આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર પહેલીવાર ભગવો લહેરાયો છે. ત્રણ દશક ઉપરાંતથી વિજય મેળવનાર પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પહેલીવાર પરાજય બાદ પ્રતિક્રિયા આપી છે. મજબૂત ગઢ ગુમાવ્યા બાદ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ EVM મશીન પર હારનું ઠીકરું ફોડયું છે. ગુજરાતમાં આવેલા ચૂંટણીના પરિણામ પહેલેથી જ નક્કી હોવાના તેમણે આક્ષેપ કર્યા છે. વસાવા એ ઉમેર્યું છે કે, હું તો અગાઉથીજ કહ્યા જ કરતો આવ્યો છું કે EVM માં સેટિંગ કરીને હરાવશે. લોકોએ હવે સમજી લેવા જેવું ઇવીએમનો વિરોધ કરવો જોઈએ. તો જ આ દેશ બચવાનો છે.
એક નિવેદનમાં છોટુ વસાવાએ કહ્યું હતું કે SC, ST, OBC, માઈનોરિટી આ દેશના 85 ટકા લોકો છે. જેઓ આ ઇવીએમ નો વિરોધ કરી બેલેટ પેપરથી ચૂંટણી થાય તો જ કંઈક આ દેશના લોકોની પ્રગતિ થશે. ફરીએકવાર જાતિવાદનું રાજકારણ ખેલતા વસાવાએ ઉમેર્યું કે આજે 15 ટકા લોકો શેઠજી ભટ્ટજી છે. રાજ કરવા માટે જ ઇવીએમનો પ્રયોગ થતો હોવાની વાત કરી હતી.લોકશાહી જેવો દેશ હોય તો ડરી શાનાથી રહ્યા છે. બેલેટ પેપરથી ચૂંટણી કેમ નથી કરાવતા તેઓ પણ સવાલ કર્યો છે.
છોટુ વસાવા પક્ષ ઉપર નિર્ભર રહ્યા ન હતા
ઝઘડિયા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત છે. આ વિધાનસભા બેઠક પર ભાજપ હજુ સુધી ખાતુ ખોલાવી શકી ન હતી. આ બેઠક પર સતત 7 ટર્મથીછોટુ વસાવા જીતતા આવ્યા હતા. છોટુ વસાવા વ્યક્તિગત પસંગીના આધારે ચૂંટણી જીતતા આવ્યા હતા. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ઉમેદવાર તરીકે તેમણે ભાજપ ઉમેદવાર રવજીભાઈ વસાવાને હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં છોટુભાઈ વસાવા જનતા દળ (JD) પાર્ટીમાંથી ચૂંટણી લડયા હતા જેમણે કોંગ્રેસ ઉમેદવાર બાલુભાઈ વસાવાને પરાજય આપ્યો હતો. વર્ષ 2022માં તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા પણ ભાજપના રિતેશ વસાવાની જીત થઈ હતી.
7 ટર્મના ધારાસભ્ય છોટુ વસાવાની પુત્રએ ટિકિટ કાપી હતી
સતત 7 ટર્મના ધારાસભ્ય છોટુ વસાવા ગત ટર્મમાં તેમના પરિવારે ઉભી કરેલી પાર્ટી BTP ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી . છોટુભાઈની તેમના મોટા પુત્ર મહેશ વસાવાએ ટિકિટ કાપી જાતે BTP ના બેનર હેઠળ ઝઘડિયા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી . BTP ના અધ્યક્ષ મહેશ વસાવાના આ નિર્ણય બાદ પારિવારિક તકરાર સપાટી ઉપર આવી હતી. મહેશ વસાવા સામે તેમના પિતા અને માજી ધારાસભ્ય છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી તો પાછળ છોટુભાઈના નાના પુત્ર દિલીપ વસાવાએ પણ ટેકેદાર મારફતે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જંપલાવી દીધું હતું જોકે ફોર્મ ખેંચવાના એક દિવસ પહેલા દીલીપે ઉમેદવારી પરત ખેંચી પારિવારિક તકરાર સમાધાન તરફ આગળ વધી રહી હોવાના સંકેત આપ્યા હતા બાદમાં મહેશ વસાવાએ પણ ફોર્મ ખેંચી પિતાને ટેકો આપી દીધો હતો.