Ganesh Visarjan 2022 : 10 દિવસનું આતિથ્ય માણનાર દુંદાળા દેવને ભક્તોએ વિદાય આપી, કૃત્રિમ કુંડમાં કરાશે પ્રતિમાઓનું વિસર્જન
અંકલેશ્વર નગર પાલિકા ખાતે શુક્રવારના રોજ ગણેશ વિસર્જન નિમિતે તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.

Ganesh Visarjan 2022 : સમગ્ર ભારતમાં અનંત ચતુર્દશી ઉજવણી કરવામાં આવી છે. હિંદુ કેલેન્ડર અનુસાર અનંત ચતુર્દશી ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. અનંત ચતુર્દશીને અનંત ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણેશ(Ganesh) વિસર્જન અનંત ચૌદસના દિવસે કરવામાં આવે છે. એટલે કે દસ દિવસ સુધી ચાલતો ગણેશોત્સવ અનંત ચતુર્દશીના રોજ સમાપ્ત થાય છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત સહીત ભરૂચ , નવસારી , તાપી , ડાંગ અને વલસાડ જિલ્લામાં ગણેશ પ્રતિઓમાંનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ૧૦ દિવસનું આતિથ્ય માનનાર દુંદાળા દેવને ભક્તોએ આવતા વર્ષે જલ્દી પધારવાની પ્રાર્થના સાથે વિદાય આપી હતી.
ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશજીને ભવ્યરીતે શણગારવામાં આવે છે અને ૧૦ દિવસ તેમની પૂજા કરવામાં આવે છે. છેલ્લા દિવસે ઢોલ-નગારાં સાથે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળે છે અને પ્રતિમાઓને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. હિન્દુ પૂજા પ્રણાલીનો નિયમ છે કે તમામ દેવી-દેવતાઓમાં પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પૂજા સિવાય તમામ શુભ કાર્યો પહેલા લંબોદરનું સ્મરણ કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. ગણપતિ મહારાજ ભગવાન શિવ, દેવતાઓના દેવ અને માતા ગૌરી પાર્વતીના પુત્ર છે.
ભરૂચમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
શુક્રવારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર પોલીસ વડાની આગેવાનીમાં કટિબદ્ધ બન્યું છે. આંનદ, ઉલ્લાસની છોળો વચ્ચે આસ્થા તેમજ શ્રદ્ધાભેર ભરૂચમાં શ્રીજીનું વિસર્જન સંપન્ન થાય તે માટે ભરૂચમાં 1398 પોલીસકર્મીઓનો કાફલો ખડકી દેવાયો છે. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે માહિતી આપી હતી કે વિસર્જનમાં 2 એસ.આર.પી. કંપની, ડ્રોન, બોડી વૉન કેમેરા, 30 સ્થળોએ વિડીયો ગ્રાફી સાથે બંદોબસ્ત કાયદો-વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે.ભરૂચમાં 4 નાયબ અને અધિક પોલીસ અધિક્ષક, 27 પી.આઈ., 38 પોસઇ, 978 પોલીસ જવાનો, 1128 હોમગાર્ડ, 750 જીઆરડી અને બે એસ.આર.પી. કંપનીનો બંદોબસ્ત ફાળવાયો છે.
નદી કિનારે પોલીસ બંદોબસ્ત રહેશે
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને એન.જી.ટી. ના આદેશનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદી કિનારે વિસર્જન ન કરાય તે માટે પણ પોલીસ તહેનાત રહેશે. વિવિધ મંડળોની વિસર્જન યાત્રા સુપેરે પાર પડે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કટિબદ્ધ બની છે.
અંકલેશ્વર નગર પાલિકા ખાતે શુક્રવારના રોજ ગણેશ વિસર્જન નિમિતે તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી. નક્કી કરાયેલ ચાર સ્થળે કરેલ વિસર્જનની વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી હતી. ગણેશ વિસર્જન નિમિતે પોલીસ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ સહીત એસઆરપી સહીત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
ગણેશ મંડળો સાથે વિસર્જનની બેઠક યોજાઈ
અંકલેશ્વરમાંશુક્રવારના રોજ ગણેશ વિસર્જન નિમિતે ઇન્ચાર્જ મામલતદાર હાર્દિક બેલડીયા,ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને પાલિકાના પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતા હેઠળ પાલિકાના સભાખંડ ખાતે ગણેશ વિસર્જન માટે ગણેશ આયોજક મંડળો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાનમાં અંકલેશ્વરમાં કમલમ તળાવ પાસે કુત્રિમ તળાવ, જળકુંડ, સુરવાડી ગામ નજીકના કૃત્રિમ તળાવ અને જીઆઇડીસી વિસ્તારમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા અંગેની વ્યવસ્થાની માહિતી આપવામાં આવી હતી.
બીલીમોરામાં લેઝીમ રમતા બાપ્પાની શોભાયાત્રા કાઢવામાં આવે છે
10 દિવસ ચાલતા આ આસ્થાના પર્વ સમા આ ગણેશોત્સવ બાદ અનંત ચૌદશના દિને બાપ્પાની શણગારેલા રથમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે અને વાજતે ગાજતે લેઝીમ ગાતા નાચતાં ઝૂમતા શાંતિપૂર્ણ માહોલમાં બાપ્પાની અશ્રુભીની વિસર્જન વિદાય કરવામાં આવે છે. બાપ્પાની વિસર્જન યાત્રામાં કોઈ પણ પ્રકારના શોરબકોર કે ડીજે વગાડવામાં આવતું નથી. માત્ર પરંપરાગત લેઝીમ ઢોલ સાથે લેઝીમ રમતા બાપ્પાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે.