Bharuch: અધિકારીઓને ધમકાવવાનો વિવાદ, મામલતદારો કાળી પટ્ટી પહેરી આંદોલન કરતાં મનસુખ વસાવાએ CMને પત્ર લખ્યો
પત્રમાં આક્ષેપ કરાયો છે કે રેતી માફિયાઓ અને તેમના સમર્થક રાજકારણીઓ દ્વારા પોતાને દબાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે આમાં રેતી માફિયા અને જમીન માફિયાઓ પડદા પાછળ કામ કરી રહ્યા છે.
કરજણ (Karajan) તાલુકામાં રેતી ભરેલાં ડમ્પરની ટક્કરથી ૩ લોકોનાં ઘટના સ્થળે જ મોતની ઘટના બાદ સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) ત્યાં પહોંચ્યા હતા અને તેમણે મામલતદાર સહિતના અધિકારીઓને ધમકાવ્યા હતા. આ વિવાદ (Controversy) ને પગલે રાજ્યભરના મામલતદાર અને રેવન્યુ કર્મચારીઓએ વિરોધ (protests) શરૂ કર્યો છે. કાળી પટ્ટી બાંધીને મનસુખ વસાવા માફી માગે તેનું આંદોલન ચલાવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં મામલતદારોએ હડતાળની ચીમકી પણ આપી હતી.
મામલતદારોના આ વિરોધ છતાં મનસુખ વચાવા પોતાની વાત પર અડગ છે. ગઈ કાલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી અને આજે ફરી પોતાનો મત રજૂ કરવા મુખ્યમંત્રી (CM) ને એક પત્ર લખ્યો છે જેમાં આક્ષેપ કરાયો છે કે રેતી માફિયાઓ અને તેમના સમર્થક રાજકારણીઓ દ્વારા પોતાને દબાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે આમાં રેતી માફિયા અને જમીન માફિયાઓ પડદા પાછળ કામ કરી રહ્યા છે.
મનસુખ વસાવાએ મુખ્મંત્રીને એક પત્ર લખ્યો છે તેમાં જણાવ્યું છે કે તેમના ઉપર માફી માંગવા દબાણ કરાઈ રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે હું નર્મદા નદીમાંથી થઈ રહેલા ગેરકાયદે રેતી ખનન સામે વર્ષોથી લડાઈ લડી રહ્યો છું, પણ કેટલાક લોકો રેતી માફિયાઓ અને જમીન માફિયાઓને બચાવવા મેદાને પડ્યો છે. તેમણે મુખ્યમંત્રીને એમ પણ જણાવ્યું છે કે તમે રાજ્યના વડા છો, આપની પાસેથી ન્યાયની આશા રાખું છું.
જોકે મનસુખ વસાવા પોતાની વાતમાંથી પાછા હટવા માગતા નથી. તેમણે ગઈ કાલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તે દિવસે અકસ્માત સ્થળ પર હાજર મામલતદારની ટિમ, જવાબદાર અધિકારી અને સ્થાનિક આગેવાનો ઉપર મેં રોષ વ્યકત કર્યો હતો, જેમાં મામલતદારોએ બંધ બેસતી પાઘડી પહેરી લેવાની જરૂર નથી. મને જે સજા કરાવી હોઈ તે કરાવજો, પણ હું પૂરી તાકાતથી ભૂ માફિયાઓ, રેત માફિયાઓ, ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર સામે લડી લઈશ.