ભરૂચ કોંગ્રેસમાં મેન્ડેટ માટે હાઈવોલ્ટેજ ડ્રામા: જો મારું ફોર્મ રદ થશે તો આખી પેનલ બેસી જશે – કોંગી ઉમેદવાર કુતુબુદ્દીન પટેલ
આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ્યારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચેના મેન્ડેટ વિવાદે ભારે ચર્ચા જગાવી છે.

ભરૂચ: ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભરૂચમાં રાજકીય ગરમાવો તેની ટોચ પર પહોંચ્યો છે. આજે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ્યારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચેના મેન્ડેટ વિવાદે ભારે ચર્ચા જગાવી છે.
વોર્ડ-2 માં પેચ ફસાયો
ભરૂચ નગરપાલિકાનો વોર્ડ નંબર 2 અત્યારે આખા જિલ્લામાં હોટ ફેવરિટ બની ગયો છે. અહીં કોંગ્રેસની સામાન્ય બેઠક પરથી કુતુબુદ્દીન પટેલ અને શમશાદ અલી સૈયદ બંનેએ પક્ષના સત્તાવાર મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી છે. એક જ બેઠક પર એક જ પક્ષના બે દાવેદારો હોવાથી વહીવટી તંત્ર માટે પણ કાયદાકીય ગૂંચવણ ઊભી થઈ છે, જેમાં કોઈ પણ એકનું ફોર્મ રદ થવું હવે નિશ્ચિત મનાઈ રહ્યું છે.
“કોંગ્રેસે મેન્ડેટ વેચ્યા છે”: કુતુબુદ્દીન પટેલ
ઉમેદવાર કુતુબુદ્દીન પટેલે મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવતા કોંગ્રેસના પ્રદેશ મોવડી મંડળ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પક્ષ લઘુમતી સમુદાયના નેતાઓને અંદરોઅંદર લડાવી રહ્યો છે અને મેન્ડેટની વહેંચણીમાં ગેરરીતિ થઈ હોવાનો દાવો કર્યો હતો.
આખી પેનલ બેસાડી દેવાની ચીમકી
સ્થિતિ વધુ વણસી છે કારણ કે કુતુબુદ્દીન પટેલે પક્ષને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, “જો વહીવટી પ્રક્રિયામાં મારું ફોર્મ રદ કરવામાં આવશે, તો વોર્ડ નંબર 2 ની આખેઆખી કોંગ્રેસની પેનલ (તમામ 4 ઉમેદવારો) પોતાના ફોર્મ પરત ખેંચી લેશે.”
ફરી ચકાસણી થશે
આ વિવાદને પગલે ચૂંટણી અધિકારીઓએ વોર્ડ નંબર 2 ની ફોર્મ ચકાસણી હાલ મુલતવી રાખી છે. ફરીથી થનારી ચકાસણીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જો કુતુબુદ્દીન પટેલની ચીમકી મુજબ પેનલ ફોર્મ ખેંચશે, તો કોંગ્રેસ માટે ભરૂચમાં મોટી રાજકીય ખોટ જવાની શક્યતા છે.
નિયમ મુજબ કોઈપણ એક ઉમેદવારનું ફોર્મ રદ થવું નિશ્ચિત જણાતા કુતુબુદ્દીન પટેલે પક્ષ સામે બગાવતી સૂર છેડ્યો છે આટલું જ નહીં, તેમણે એવી આક્રમક ચીમકી પણ આપી છે કે જો તેમનું ફોર્મ રદ કરવામાં આવશે તો તેઓ વોર્ડની આખેઆખી પેનલના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લેશે. બપોરે 3 વાગ્યે થનારી ફરી ચકાસણી પર હવે સૌની મીટ મંડાઈ છે કારણ કે આ નિર્ણય ભરૂચ કોંગ્રેસના ભાવિ સમીકરણો નક્કી કરશે
