અંકલેશ્વરમાંથી એકજ પરિવારના 4 બાળકો લાપતા બન્યા બાદ સુરતથી મળી આવ્યા, જાણો 4 ભાઈ બહેનોનો લાપતા બનવાથી સલામત મળી આવવાની કહાની
ચોક્કસ માહિતી સાંપડતા આજે અંકલેશ્વર પોલીસે સુરતને ધમરોળી નાખ્યું હતું જ્યાં ચારેય બાળકો એક ઝાડ નીચે બેઠેલા નજરે પડતા પોલીસે રાહતનો દમ લીધો હતો. બાળકો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા? તેમને કોઈ લઈ ગયું હતું કે કેમ? આ સહિતના પ્રશ્નોના જવાબ માટે બાળકોના અંકલેશ્વર પહોંચવાનો ઇંતેજાર કરવામાં આવી રહ્યો છે.
અંકલેશ્વર(Ankleshwar)માં વાલિયા ચોકડી બ્રિજ નજીક રહેતા ગરીબ પરિવારના ચાર બાળકો અચાનક લાપતા ફરિયાદ સાથે માતા -પિતા પોલીસ પાસે પહોંચતા ભરૂચ જિલ્લા પોલીસતંત્ર(Bharuch Police) દોડતું થઇ ગયું હતું. 18 એપ્રિલે એકસાથે એકજ પરિવારના ૪ બાળકો લાપતા બન્યા હતા. મામલો ઘટનાના સપ્તાહ બાદ પોલીસ પાસે પહોંચતા પોલીસતંત્ર માટે ચિંતાજનક સાથે પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું હતું. આખરે ફરિયાદના ૨૪ કલાકમાં અંકલેશ્વર શહેર પોલીસે ચારેય બાળકોને સુરતથી શોધી કાઢ્યા છે. આ બાળકો સોનગઢ થઇ સુરત સુધી કઈ રીતે પહોંચ્યા? તે સહિતના પ્રશ્નોના જવાબ માટે બાળકોના અંકલેશ્વર આવવાનો ઇંતેજાર કરવામાં આવી રહ્યો છે.૭ થી ૧૦ વર્ષની વયના જ્યા, રેખા , ભગો અને રાકેશ નામના બાળકો ગત ૧૮ તારીખે વાલિયા ચોકડી અંકલેશ્વર નજીક આવેલા તેમના પડાવમાંથી રહસ્યમય સંજોગોમાં લાપતા બન્યા હતા.
પરિવારે સપ્તાહ સુધી પોતાના સંપર્ક અને આસપાસના વિસ્તારોમાં બાળકોની ભાળ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. ૭ દિવસ સુધી બાળકોનો કોઈ પત્તો ન મળતા આખરે પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. પોલીસ અધિકારીઓને એક બે નહિ પરંતુ પરિવારના ચાર – ચાર બાળકોના ગમ થવાથી જાણ કરતા અધિકારીઓ પણ ચોકી ઉઠ્યાં હતા. મામલાની જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ વડા સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવતા મામલાને પ્રાથમિકતા સાથે ગંભીરતાથી લેવા સૂચના મળી હતી.
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી એન રબારીએ મામલાની તપાસ શરૂ કરી હતી. PI રબારીએ અલગ – અલગ ચાર ટુકડીઓ બનાવી શોધખોળ શરૂ કરી હતી. એક ટીમે બાળકોના પરિવાર અને અન્ય લોકો સાથે પૂછપરછ તો બીજી ટીમોને વિસ્તારના આધારે શોધખોળ અને પ્રચાર માટેનબી કામગીરી સોંપાઈ હતી. એક ટીમને વાલિયા ચોકડી વિસ્તારમાં રમતા નાના બાળકો મારફતે માહિતી મળી કે બાળકો ફરવા જવા માટે ખુબ ઉત્સાહિત હતા અને વારંવાર ફરવા જવાના હોવાનું કહેતા રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.
બાળકો કઈ દિશામાં અને ક્યાં શહેરમાં ગયા હશે તેની કોઈ માહિતી પોલીસ પાસે ન હતી. બાળકોનું પરિવાર મૂર્તિઓ અને કટલરીનો વ્યવસાય કરે છે. પરિવારે છેલ્લે ક્યાં ક્યાં વિસ્તારમાં પડાવ નાખ્યો હતો અને ક્યાં બાળકોને વધુ મજા પડી હતી તેની માહિઓટી એકત્રિત કરી ટીમ તે સ્થળોએ રવાના કરાઈ હતી. બે દિવસ અગાઉ સુરતના કામરેજ વિસ્તારમાં બાળકો નજરે પડ્યા હોવાની પોલીસને પહેલી સફળતા અહીં મળી હતી. આ બાદ દક્ષિણ ગુરાતની પોલીસ અને સંપર્કોનો ઉપયોગ કરી તપાસ કરવામાં આવતા સોનગઢમાં બાળકો નજરે પડ્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. બાળકો દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ સ્થળે નજરે પડ્યા હતા
આજે બાળકો સુરતમાં હોવાની ચોક્કસ માહિતી સાંપડતા આજે અંકલેશ્વર પોલીસે સુરત ધમરોળી નાખ્યું હતું જ્યાં ચારેય બાળકો એક ઝાડ નીચે બેઠેલા નજરે પડતા પોલીસે રાહતનો દમ લીધો હતો. બાળકો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા? તેમને કોઈ લઈ ગયું હતું કે કેમ? આ સહિતના પ્રશ્નોના જવાબ માટે બાળકોના અંકલેશ્વર પહોંચવાનો ઇંતેજાર કરવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર પોલીસની એક ટીમ બાળકોને લઈ અંકલેશ્વર આવવા રવાના થઈ ગઈ છે.