BHARUCH : CNG પંપ ઉપર ગેસ ફીલિંગ દરમ્યાન ટેન્કમાં બ્લાસ્ટ થયો, જુઓ વિડીયો
પ્રચંડ ધડાકા સાથે CNG ટેન્ક ફાટતા કારનાં ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જોકે કાર ચાલક અને તેમાં સવાર વ્યક્તિ ગેસ ફીલિંગ વખતે દૂર હોય તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો.
દિવાળીના તહેવારોની હજી શરૂઆત નથી થઇ ત્યાં ભરૂચમાં આગ અને ધૂમધડકાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. બે દિવસ પેહલા જ સુરતની લકઝરી બસ હાઇવે ઉપર સળગી ઉઠવાની ઘટના બાદ નર્મદા ચોકડી ઉપર CNG સ્ટેશન પર ગેસ ફિલિંગ વખતે કારની ટેન્ક ફાટતા કારના ફુરચે ફુરચા ઉડવા સાથે અફરાતફરી મચી ગઇ હતી. જોકે સદનસીબે સુરતના કોન્ટ્રકટર પરિવાર અને CNG પમ્પ પર હાજર સ્ટાફનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
દિવાળીના તહેવારો ટાણે ભરૂચમાં અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. બે દિવસ પેહલા નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વર ટોલ પ્લાઝા નજીક બર્નીગ બસની ઘટના બાદ હવે CNG કારની ટાંકી ફાટવાની ઘટના સામે આવી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ સુરતના હરિકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા કોન્ટ્રાકટર નરેન્દ્ર વિનુભાઈ ખાતરા સુરતથી તેમની હોન્ડા કાર લઇ વડોદરા તરફ જઈ રહ્યા હતા. રાતે 11.50 કલાકે તેઓ ભરૂચની નર્મદા ચોકડી ઉપર આવેલા ગુજરાત ગેસના CNG સ્ટેશન ઉપર ગેસ ભરાવા પહોંચ્યા હતા. કારમાં CNG ભરાઈ રહ્યો હતો તે સમયે જ એકાએક ટેન્ક ફાટતા અફરાતફરી મચી ગઇ હતી.
પ્રચંડ ધડાકા સાથે CNG ટેન્ક ફાટતા કારનાં ફુરચે ફુરચા ઉડી ગયા હતા. જોકે કાર ચાલક અને તેમાં સવાર વ્યક્તિ ગેસ ફીલિંગ વખતે દૂર હોય તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો. ગેસ ભરી રહેલા ફિલિર પણ સાઇડ પર હોવાથી તેઓ બચી ગયા હતા. રાતના સમયે ઓછા વાહનો અને લોકોના કારણે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી.
ટેન્ક ફાટવાથી CNG સ્ટેશનના 30 ફૂટ ઊંચા સિલિંગના પણ ફુરચા ઉડી ગયા હતા અને કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. હોન્ડા કાર 2017 ની અમદાવાદ પાર્સિંગની પેટ્રોલ રજીસ્ટર્ડ હતી. બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટના અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો : ગાંધી આશ્રમના રી-ડેવલોપમેન્ટ મુદ્દે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની હાઇકોર્ટમાં અરજી
આ પણ વાંચો : રાજકોટમાં પોલીસ પરિવારમાં દિવાળી પૂર્વે દિવાળી જેવો માહોલ, સરકારની સમિતિ બનાવવાની જાહેરાતની ઉજવણી