BHARAT BANDH : નવા કૃષિ કાયદાના વિરોધમાં બંધનું એલાન, ગુજરાતમાં કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનો
SKM ના જણાવ્યા અનુસાર, ખેડૂતોના આ ઐતિહાસિક સંઘર્ષના 10 મહિના પૂરા થવા પર, સોમવારે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર સામે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરતા 40 થી વધુ ખેડૂત સંગઠનોના સંગઠન યુનાઇટેડ કિસાન મોરચા (SKM) એ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. SKM ના જણાવ્યા અનુસાર, ખેડૂતોના આ ઐતિહાસિક સંઘર્ષના 10 મહિના પૂરા થવા પર, સોમવારે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર સામે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધ સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી રહેશે.
ભરૂચમાં યોજાયા વિરોધ પ્રદર્શનો, પોલીસનો અટકાયતનો દૌર
જોકે ભારત બંધના એલાનની ગુજરાતમાં નહિવત અસર જોવા મળી છે. ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ અને ખેડૂત સંગઠન અને આપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચ શહેરના ABC સર્કલ ખાતે કાર્યકરોએ ચક્કાજામ કરતા પોલીસે અટકાયત કરી હતી. જેમાં કેટલાક આગેવાનો અને કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા. અહીં, હાથમાં પ્લેકાર્ડ લઇ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

સુરત જિલ્લામાં કેટલાક ઠેકાણે વિરોધ પ્રદર્શનો
સુરત જિલ્લામાં કથિત ખેડૂત વિરોધી કાયદાના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચાના દ્વારા ભારત બંધનું એલાન અપાયું છે. જે અન્વયે કડોદરા રોડ હાઇવે પર ટાયર સળગાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ પોલીસે અટકાયતનો દૌર શરુ કર્યો હતો. અને, પોલીસે વિરોધ કરતા લોકોની અટકાયત કરી હતી.
સુરતના કામરેજ તાલુકા ખાતે ખેડૂતોના કાયદાને લઈને વિરોધ પ્રદર્શન યોજયું હતું. કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ અને ભારતીય કિસાન યુનિયનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ન્યૂનતમ સમર્થન મૂલ્યને લેખિતમાં માંગણી અને ત્રણ કાયદાઓ પાછા ખેંચવાની માંગ સાથે વિરોધ કરાયો. વિરોધ પ્રદર્શન કરતા કામરેજ પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી. કોંગ્રેસ અને ભારતીય કિસાન યુનિયન મળી નેશનલ હાઇવે ચક્કાજામ કરે તે પહેલાં કરી તમામની અટકાયત કરવામાં આવી.

ઉપલેટામાં કિસાન સભા દ્વારા વિરોધ
નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ઉપલેટા કિસાન સભા દ્વારા દેખાવો યોજાયા હતા. અને, અહીં ખેડૂતો દ્વારા દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉપલેટાના બાવલા ચોક ખાતે ખેડૂતોએ પોસ્ટર સાથે સૂત્રોચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં નજીવી અસર દેખાઇ
સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપેલ ભારત બંધના એલાનને સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં આંશિક પ્રતિસાદ મળ્યો હતો. મુળી તાલુકા સહિત આસપાસના ગામો સડલા, દુધઈ, ભવાનીગઢ વગેરેની બજારોમાં વેપારીઓ અને દુકાનદારોએ ધંધો અને રોજગાર બંધ રાખ્યા હતા. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોને નુકશાન થતા કાયદાઓ સંપૂર્ણ રદ કરવાની માંગ સાથે બંધનું એલાન અપાયું છે.