કોંગ્રેસ, ભાજપ અને બળવો.. હવે ફરી પાછા કેસરીયા! લગ્ને-લગ્ને ‘કુંવારા’ MLA
પ્રથમ ચુંટણીમાં જ જીત, છતાં બે વર્ષથી ઓછા સમયમાં જ ધારાસભ્યે રાજીનામુ ધરી દીધુ અને રાજી જનતાએ તેમને બીજી વારની ચુંટણીમાં મોં ફેરવી લીધું. ફરી સામાન્ય ચૂંટણી આવી અને ટિકિટ ના મળી તો પક્ષ સામે જ બળવો પોકાર્યો અને એકલા હાથે ચૂંટણી લડીને ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પરાસ્ત કરી જબરદસ્ત જીત મેળવી. હવે ફરી એજ 2019ની જેમ ટુંકા સમયમાં અપક્ષ ધારાસભ્ય રાજીનામુ ધરી શકે છે.

અરવલ્લી જિલ્લામાં લોકસભાની સામાન્ય ચુંટણી સાથે જ વિધાનસભાની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઈ શકે છે. અરવલ્લી જિલ્લાના અપક્ષ ધારાસભ્ય રાજીનામું ધરી શકે એવી સંભાવનાઓ સર્જાઈ છે. જે રીતે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના સૂત્રોથી વિગતો સામે આવી રહી છે, એ મુજબ આગામી દિવસોમાં પોતાનું રાજીનામુ ધરી શકે છે. આમ બાયડ વિધાનસભા બેઠકમાં સાડા છ વર્ષના ગાળામાં ચોથી વાર ધારાસભ્યની ચૂંટવા માટે મતદારો મતદાન કરતા નજર આવી શકે છે.
અગાઉ વર્ષ 2019માં પણ બાયડ વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ધવલસિંહ ઝાલાની કોંગ્રેસના જશુ પટેલ સામે હાર થઈ હતી. આમ હવે ફરી એકવાર કોંગ્રેસ અને ભાજપ લોકસભાની ચૂંટણી વખતે બાયડ વિધાનસભાની બેઠક પર આમને સામને જોવા મળી શકે છે. આગામી બે દિવસમાં જ આ અંગેનો નિર્ણય સામે આવી શકે છે એમ તેઓના સૂત્રો તરફથી મીડિયાને જાણકારી આપવામાં આવી છે.
2017માં પ્રથમવાર ચુંટાયા
ધવલસિંહ ઝાલા વર્ષ 2017ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પહેલા ઠાકોર સેનામાં સક્રિય હતા. તેઓની આ સક્રિયતાને ધ્યાને રાખીને કોંગ્રેસે તેમને બાયડ વિધાનસભા બેઠક માટે ટિકિટ આપી હતી. જેમાં ધવલસિંહ ઝાલાનો વિજય થયો હતો. આમ કોંગ્રેસે બાયડની બેઠકને પોતાના ખાતામાં જાળવી રાખવામાં સફળતા મેળવી હતી. પરંતુ વર્ષ 2019માં ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા.
કોંગ્રેસ સાથે છેડો ફાડીને ધારાસભ્ય પદ પરથી ધવલસિંહ ઝાલાએ રાજીનામુ ધરીને ભાજપનો કેસરીયા ખેસ ધારણ કર્યો હતો. ભાજપે વર્ષ 2019માં બાયડની પેટા ચૂંટણીમાં ધવલસિંહ ઝાલાને ટિકિટ આપી હતી. આમ કોંગ્રેસથી આવેલા ધવલસિંહ ઝાલાનો સામનો કોંગ્રેસના જ સ્થાનિક નેતા જશુ પટેલ સામે થયો હતો. જોકે નજીવા અંતરે જશુ પટેલ સામે ધવલસિંહની હાર થઈ હતી.
કોંગ્રેસ, ભાજપ, અપક્ષ અને હવે ફરી ભાજપ?
અગાઉ કોંગ્રેસને રામ રામ કર્યા બાદ ભાજપમાંથી હાર મેળવ્યા બાદ પણ ધવલસિંહ ભાજપ માટે સ્થાનિક ધોરણે સક્રિય રહ્યા હતા. પરંતુ ભાજપે વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મહિલા ઉમેદવાર પર પસંદગી ઉતારી હતી. પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમારને ભાજપે મેદાને ઉતાર્યા હતા, જેને લઈ ધવલસિંહ ઝાલાએ ભાજપ સામે જ બળવો પોકાર્યો હતો. ધવલસિંહ ઝાલાએ બાયડ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ
અપક્ષ તરીકે ચુંટણી લડતા ધવલસિંહનો વિજય થયો હતો અને ભાજપના મહિલા ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય ભીખીબેનની હાર થઈ હતી. જોકે અપક્ષ તરીકે ચૂંટાયા બાદ ધવલસિંહ ભાજપના કાર્યક્રમ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલના કાર્યક્રમમાં જોવા મળવા લાગ્યા હતા. આમ તેઓ ભાજપ સાથે પુનઃ ભળી ગયાનો માહોલ સર્જાયો હતો. પરંતુ હવે સત્તાવાર રીતે ભાજપના જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવવા માટે અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામુ ધરીને ધવલસિંહ ભાજપની ટિકિટ પર પેટાચૂંટણી લડી શકે છે. આ માટે જોકે તેઓ બે દિવસમાં પોતાના કાર્યકરો સાથે ચર્ચા કરીને નિર્ણય જાહેર કરી શકે છે.