મામલતદારને સોશિયલ મીડિયાનુ લાગ્યુ ‘ઘેલુ’! કાર્યાલય આદેશ કરી એક કર્મચારીને જ સોંપી ખાસ ફરજ
આમ પણ આ જિલ્લાનો વિકાસ વાસ્તવિક કરતા સોશિયલ મીડિયામાં જ વધારે દેખાતો હોવાની ચર્ચાઓ વર્તાઈ રહી છે, ત્યા હવે મામલતદારે જિલ્લાના તંત્રના સિલસિલાને જાળવી રાખવા માટે એક રેવન્યૂ તલાટીને જ 'લક્ષ્યાંક' ની ફરજ સોંપી દીધી છે.

સોશિયલ મીડિયા (Social Media) માં તસ્વીરો શેર કરવા માટેનુ ઘેલુ યુવાઓથી લઈ મોટેરાઓને લાગ્યુ છે. અનેક લોકો પોતાની યાદગાર પળો જ નહીં રોજીંદી પળોને પણ હવે આ પ્લેટફોર્મ પર શેર કરવા લાગ્યા છે. કેટલાક લોકો તેની એક મર્યાદા અને પ્રોટોકોલને અનુસરે છે, તો કેટલાક લોકો તસ્વીરો, વિડીયો કે મેસેજ શેર કરવામાં પાછુ વળીને જોતા જ હોતા નથી. પણ હવે આ ઘેલુ સરકારી તંત્રને પણ લાગ્યુ છે. સરકારી બાબુઓ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટને સજાવવામાં વ્યસ્ત રહેતા વધુ જોવા મળી રહ્યા છે, આ દરમિયાન અરવલ્લી (Aravalli) જિલ્લામાં એક મામલતદારે તો આ હરીફાઈમાં સૌથી આગળ થવા માટે ગજબનો દાવ ખેલ્યો છે. મામલતદારે (Mamlatdar Malpur) તો એક રેવન્યૂ તલાટીને જ આ માટેની કાયદેસરની ફરજ સોંપી દીધી છે. અને હવે તે ફરજમાટેના આદેશનો પત્ર સોશિયલ મીડિયા પર જ ધૂમ મચાવવા લાગ્યો છે.
વાત અરવલ્લી જિલ્લાની છે. આ જિલ્લામાં આમ પણ એ વાતની ચર્ચાઓ વધારે રહી છે કે અહીં સરકારી તંત્રમાં કામ ઓછુ અને ફોટો સેશન વધુ. વિડીયો અને ફોટામાં જ અહીં જેટલુ શાનદાર કામ જોવા મળે છે, એટલુ કાર્ય વાસ્તવિકતામાં જોવા મળે એવી પ્રાર્થના કરતા લોકો પણ અહીં ખૂબ છે. આ દરમિયાન આ અરવલ્લીના મામલતદારે તો સોશિયલ મીડિયાનો જાણે કે વિભાગ જ ઉભો કરવા માંગતા હોય એમ એક રેવન્યૂ તલાટીને આ કામની ફરજ જ સોંપી દીધી છે. આ માટે સત્તાવાર રીતે પત્ર પણ લખી દીધો અને આદેશ ફરમાવી દીધો કે પ્રતિદીવસના 10 જેટલા ફોલોઅર્સ ટ્વીટર પર વધારવા પડશે.
આદેશ પત્ર વાયરલ થયો
આ આદેશ પત્ર જોઈને એમ લાગે છે, કે હવે સરકારી કર્મચારીઓને માટે ફરજમાં હવે એક નવીજ કામગીરી ઉમેરાઈ ગઈ છે. મામલતદાર ડીવી મદાતે કાર્યાલય આદેશ કરતા પત્ર રેવન્યૂ તલાટી બીએલ ચૌધરીને મોકલ્યો છે. જેમાં તલાટી ચૌધરીને માલપુર મામલતદારના Twitter એકાઉન્ટ પર દરરોજ 10 ટ્વીટર ફોલોઅર્સ વધારવા માટે આદેશ કર્યો છે. જો જેતે દીવસે કોઈ ફોલોઅર્સ એકાઉન્ટને અનફોલો કરે તો બીજા દીવસે ફોલોઅર્સ વધારવાના 10ના ટાર્ગેટને બાદ કરતા ઘટેલા ફોલોઅર્સનો આંકડો પણ જાળવીને એટલા બીજા વધારે ફોલોઅર્સ ઉમેરવાનો આદેશ કર્યો છે. આમ મામલતદારે તો રીતસરનો લક્ષ્યાંક રાખી દીધો છે, સાથે જ મામલતદારને આ બાબતે દરરોજ રિપોર્ટ પણ કરવાનો રહેશે.
અરવલ્લીઃ માલપુરના મામલતદારે ટ્વીટર પર ફોલોઅર્સ વધારવા તલાટીને ફરજ સોંપી, ટ્વિટર પર રોજના 10 ફોલોઅર્સ વધારવા તલાટીને આપ્યો ટાર્ગેટ | #Arvalli #Tv9News pic.twitter.com/askXhQxayy
— Tv9 Gujarati (@tv9gujarati) July 26, 2022
મામલતદારે શુ કહ્યુ?
મામલતદાર ડીવી મદાતે TV9 સાથે વાતચિતમાં જણાવ્યુ હતુ કે, સરકારી યોજનાઓના પ્રચાર અને પ્રસાર માટે થઈને આ પ્રકારે ટ્વીટર સાથે લોકોને જો઼ડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેટલા વધુ લોકો જોડાય તો એટલા વધારે લોકોને કચેરીના લગતી માહિતીને વધારે પ્રસરાવી શકાય. માટે આ બાબતે મે ફરજ સોંપી છે. જોકે હવે સવાલ એ છે, કે માલપુરના અંતરિયાળ ગામડાઓમાં ટ્વીટર ઉપયોગ કરનારા લોકોને શોધવા ક્યાં, અને આ સવાલનો જવાબ પણ રેવન્યૂ તલાટી કેવી રીતે શોધી શકશે એ તેમને આદેશ મળ્યો ત્યારથી સતાવી રહ્યો હશે. કારણ કે ગત વર્ષ 2021 ના સપ્ટેમ્બર માસથી મામલતદારે શરુ કરેલ ટ્વીટર પર અત્યાર સુધીમાં માંડ 173 જણાને 27મી તારીખની સવાર સુધીમાં ફોલોઅર્સ તરીકે જોડી શકાયા છે.
મામલતદારના આદેશના પગલે અરવલ્લી જિલ્લામાં જ નહીં પણ ગુજરાત ભરમાં આ પત્રએ ચર્ચા જગાવી દીધી છે. તલાટી વર્તુળતો જાણે આ આદેશથી આશ્ચર્યમાં જ મુકાઈ ગયો છે, પણ હવે મોટા સાહેબના માનમાં બોલે કોણ, પણ હવે સોશિયલ મીડિયા પર લોકો જ સાહેબની નવી કામગીરીને ટ્રોલ કરી રહ્યા છે.
