Aravalli: શાળાઓમાં રજા કે શિક્ષણ ચાલુ? અધિકારીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને મુંઝવણમાં મુકી મુશ્કેલી વધારી દીધી!
Cyclone Biporjoyi: શિક્ષણાધિકારીએ સાંજ બાદ બે જુદા જુદા આદેશ કર્યા જેને લઈ શિક્ષકોથી લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધીનાઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. શિક્ષકોએ મોડી રાત્રે અને વહેલી સવારે દોડધામ કરી મુકવી પડી હતી.
શુક્વાર અને શનિવારે ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવી છે. રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને લઈ એલર્ટને પગલે અરવલ્લી જિલ્લામાં પણ તેની અસર સરકારને આદેશને પગલે તંત્રમાં જોવા મળી રહી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કાર્યને બંધ રાખવાને લઈ આદેશ ગુરુવારે સાંજે કરવામાં આવ્યો હતો. આમ વિદ્યાર્થીઓને શાળાએ આવવાથી રજા આપવાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ. પરંતુ મોડી રાત્રીએ જિલ્લા શિક્ષણાધિકારીએ આ આદેશને રદ કરીને શિક્ષણ કાર્ય જારી રાખવા માટે આદેશ કર્યો હતો. જેને લઈ શિક્ષકો મુંઝવાઈ ગયા હતા.
શિક્ષકોએ જિલ્લા શિક્ષણાધિકારીના આદેશને પગલે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની સરકાર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વાલીઓને મોડી રાત સુધી બાળકોને શાળાએ નહીં મોકલવા અંગે સંપર્ક કર્યા હતા. મોટાભાગના બાળકોના વાલીઓ સુધી શિક્ષણ કાર્યની રજાનો આદેશ હોવાની જાણકારી અપાઈ હતી. વાવાઝોડા અને ભારે વરસાદની સ્થિતીને લઈ શિક્ષણાધિકારીએ આદેશ કર્યો હોવાની સત્તાવાર જાણકારી આ અંગે શિક્ષકોએ વાલીઓ સુધી પહોંચાડી દીધી હતી.
પહેલા રજા, પછી આદેશ રદ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોને પરિપત્ર કરવામાં આવ્યો હતો. જે મુજબ અતિભારે વરસાદને કારણે શુક્રવારે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને વિદ્યાર્થીઓને રજા આપવા અંગેની સૂચના કરવામાં આવી હતી. જેને રાત્રી દરમિયાન પ્રાથમિક શિક્ષણાધિકારીએ રદ કરતો બીજો પરિપત્ર કર્યો હતો. શિક્ષણાધિકારીએ નવા આદેશમાં લખ્યુ હતુ કે, હાલની પરિસ્થિતીને જોતા અરવલ્લી જિલ્લાની સ્થાનિક પરિસ્થિતીને ધ્યાને રાખી પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા જણાવવામાં આવે છે. પરિસ્થિતીનુ આંકલન કરીને ફરીથી અલાયદી સૂચના આપવામાં આવશે એમ પણ જણાવ્યુ હતુ.
🔹અરવલ્લી જીલ્લામાં અડધી રાત્રપ્રાથમિક શાળાઓમાં રજા રદ કરાઈ, વાલીઓમાં અવગઢભરી સ્થિતમાં…#Biporjpy #CycloneBiporjoy #CycloneAlert @CMOGuj @GujEducation @InfoGujarat @CollectorArvali @DdoArvalli @dpeo_arvalli [Source: WhatsApp] https://t.co/AeLkmspqSl pic.twitter.com/tcqdkFYycc
— Modasa Aravalli (@ModasaCity) June 16, 2023
આચાર્ય અને શિક્ષકો મુંઝવણની સ્થિતીમાં
મોટાભાગના શિક્ષકોને જ્યારે સવાર પડી તો ખ્યાલ આવ્યો કે ગઈ સાંજનો આદેશ રદ કરવામાં આવ્યો છે. એટલે કે જે સમાચાર તેઓએ વાલીઓને પાઠવ્યા હતા. એ હવે રદ કરવામાં આવ્યા છે. આમ શિક્ષકો અને આચર્ય વહેલી સવારથી વિદ્યાર્થીઓને શાળાએ આવવા માટેનુ કહેણ મોકલવામાં જ દોડધામ કરતા જોવા મળ્યા હતા. ઘણાં ખરા શિક્ષકોએ વિદ્યાર્થીઓનુ શિક્ષણ ના બગડે એ માટે રાત્રી દરમિયાન જ વાલીઓનો ફરી સંપર્ક કરવાનો શરુ કર્યો હતો. તો ઘણાં શિક્ષકોએ વહેલી સવારે સંપર્ક કર્યો હતો, જેથી વિદ્યાર્થીઓ શાળાએ આવે અને શિક્ષણ મેળવી શકે.
જોકે ઘણાં ખરા શિક્ષકોને વાલીઓના પ્રશ્નોનો જવાબ આપવામાં મુશ્કેલી થઈ પડી હતી. પહેલા તો રજા આપી હોવાનુ કહેવામાં આવ્યુ તો, બાદમાં હવે શાળા ચાલુ હોવાનુ કહેતા સ્વાભાવિક જ શિક્ષકોને અનેક સવાલોનો સામનો કરવો પડ્યો હતો. જોકે શિક્ષકોએ તમામ સવાલોનો શાંતિથી જવાબ આપીને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યને જારી રાખવા માટે પ્રયાસ કર્યો હતો.