Arvalli: તસ્કરોનો આંતક, ભિલોડાના નાપડામાં પરિવાર બહાર સુતા રહ્યા અને ઘરમાંથી ઘૂસેલા નિશાચરોએ 12 લાખની ચોરી આચરી
રાજસ્થાન રાજ્યને અડકીને આવેલા વિસ્તારમાં તસ્કરોએ માઝા મુકી દીધી છે. વિસ્તારમાં પોલીસના અનેક પ્રયાસો બાદ પણ તસ્કરોએ સ્થાનિકોને તોબા પોકારાવી દીધા છે.
અરવલ્લી (Arvalli) જિલ્લામાં તસ્કરોએ હાથફેરો જારી રાખ્યો છે. જિલ્લાના મોડાસા (Modasa) અને આસપાસના વિસ્તારોમાં તસ્કરો સરહદી જિલ્લાનો ફાયદો ઉઠાવી ચોરી આચરી રહ્યા છે. આવી જ રીતે ભિલોડા તાલુકાના નાપડા ગામમાં ત્રાટકેલા તસ્કરોએ 12 લાખ રુપિયાની મત્તાની ચોરી આચરી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને ઘરની બહાર સુતા બે પરીવારોનો લાભ ઉઠાવીને તસ્કરોએ ઘરમાં હાથફેરો કરી ઘરેણા અને રોકડ રકમ ચોરી કરી જઈ તિજોરીઓની સાફસુફી કરી લીધી હતી. જિલ્લા પોલીસ (Arvalli Police) દ્વારા પણ તસ્કરોને નિયંત્રણમાં લેવા પ્રયાસો કરાઈ રહ્યા છે, આ દરમિયાન પણ તસ્કરોએ સરહદી વિસ્તારનો લાભ લઈ રહ્યા છે
શામળાજી નજીક આવેલ નાપડા ગામમાં રહેતા પ્રકાશ માવજીભાઈ વણઝારા અને તેમના ભાઈના ઘરમાં તસ્કરોએ ચોરી આચરી હતી. હાલના ગરમીના દિવસોને લઈને તેમનો અને તેમના ભાઈનો પરીવાર ઘરની બહાર સુતો હતો. આ તકનો લાભ ઉઠાવીને તસ્કરોએ ઘરમાં ઘુસી જઈને ચોરી આચરી હતી. જેમાં ઘરમાં રહેલી તીજોરી અને પેટીમાં મુકેલ સોના અને ચાંદીના દાગીના તેમજ 2.45 લાખ રુપિયાની રોકડને તસ્કરો ઉઠાવી ગયા હતા. શામળાજી પોલીસે ચોરીની ફરીયાદ નોંધીને તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. આ માટે ટેકનિકલ સર્વેલન્સ થી લઈને ખાનગી બાતમીદારોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે.
એક તરફ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વધતી જતી ચોરીને અટકાવવા માટે ટીમો વધારી દેવામાં આવી છે. ચોરીઓને કાબુમાં લેવા માટે થઈને નાઈટ પેટ્રોલીંગ પર પણ ભાર મુકવામાં આવ્યો છે અને તસ્કરોને પણ ઝડપવામાં આવી રહ્યા છે. પરંતુ અરવલ્લી જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચોરીનુ નિયંત્રણ મુશ્કેલ બની રહ્યુ છે. તસ્કરો ચોરી કરીને રાજસ્થાન જિલ્લાની હદમાં સરળતાથી આવીને જતા રહેતા હોય છે. જોકે એસપી સંજય ખરાત દ્વારા ચોરીઓને અટકાવવા માટે હવે સરહદી વિસ્તારમાં વધુ સતર્કતા દાખવવી શરુ કરી છે.
ભિલોડા નજીકથી તસ્કર ગેંગનો સભ્ય ઝડપાયો હતો
ભિલોડાના ધોલવાણી નજીક એક શખ્શ ધોલવાણી નજીક થી પસાર થયો હતો અને તેની પાસે નંબર વિનાનુ બાઈક હતુ. પોલીસે તેને અટકાવીને પૂછપરછ કરતા જ તે વાતો બનાવીને છટકવા મથી રહ્યો હતો. પરંતુ પોલીસે ઝડપી લઈને તેની તલાસી લેતા તેની પાસેથી સોના-ચાંદીના ઘરેણાં સહિત ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
ઝડપાયેલ આરોપી અરવલ્લી જિલ્લાની સરહદે રાજસ્થાનમાં રહેતો હોવાનુ ખુલ્યુ હતુ. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેરવાડા નજીકના ખડકાયા ગામનો દશરથ ભેરાજી ડામોર હોવાનુ જણાયુ હતુ. આરોપી પાસે ચાંદીની બે અને સોનાની એક લગડી હતી. જે ચોરીના ઘરેણાંને ઓગાળીને બનાવવામાં આવી હતી. આ ઉપરાંત તેની પાસેથી દાગીના પણ મળી આવ્યા હતા. આ ચોરી તેણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઘરફોડ પ્રકારે કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી રુપિયા 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.