મહિલાઓ માટે સુરક્ષાનું અભય વચન એટલે 181 અભયમ હેલ્પલાઇન, આણંદ જિલ્લાની 28 હજારથી વધુ મહિલાઓએ આ સેવાનો લાભ લીધો
૧૮૧ અભયમ હેલ્પલાઇન સેવાનો લાભ રાજયની કોઇપણ કન્યા, યુવતી કે મહિલા કે પછી કોઇ મહિલાને મદદરૂપ થવા ઇચ્છતો હોય તેવો કોઇપણ પુરૂષ આ સેવાનો લાભ લઇ શકે છે. આ ઉપરાંત રાજયમાં હિંસાનો ભોગ બની હોય તેવી અન્ય રાજયની મહિલા પણ આ સેવાનો લાભ લઇ શકે છે.
રાજયની મહિલાઓને (Women) કોઇપણ પ્રકારની ઘરેલું હિંસા હોય કે શારીરિક-માનસિક કે જાતિય સતામણી હોય કે પછી અન્ય કોઇ મુશ્કેલી હોય તેમના માટે સુરક્ષાનું ચક્ર બનીને સતત ૨૪ કલાક અભયમની (Abhayam) ટીમ કાર્યરત રહીને મહિલાઓને મુશ્કેલીના સમયમાં હૂંફ અને સધિયારો પૂરો પાડી રહી છે.
મહિલાઓને નીડર, સશકત અને સુરક્ષા પૂરી પાડવા માટે રાજય સરકારે વર્ષ ૨૦૧૪માં પાયલોટ પ્રોજકેટ અને ત્યારબાદ વર્ષ-૨૦૧૫ના ૮મી માર્ચના વિશ્વ મહિલા દિવસથી રાજયવ્યાપી શરૂ કરેલ ૧૮૧ અભયમ હેલ્પલાઇને (181 Abhayam Helpline)આજે ૮ (આઠ)માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
આ સાત વર્ષમાં રાજયની ૧૦ લાખથી વધુ મહિલાઓને ૧૮૧ અભયમ હેલ્પલાઇને તેની સેવાઓ પૂરી પાડીને મહિલા માટે સાચા અર્થમાં મદદગાર અને સહાયભૂત થવાની સાથે તેમની સખી સાબિત થઇ છે તેમ કહીએ તો કાંઇ ખોટું નથી.
આજની આધુનિક ભારતીય નારીઓએ સમાજની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ દરેક ક્ષેત્રોમાં અનેકવિધ સિધ્ધિઓ હાંસલ કરીને સફળતાના સોપાનો સર કર્યા છે. મહિલાઓએ તેમનામાં રહેલી પ્રતિભાઓને ઉજાગર કરીને પ્રતિકૂળ સંજોગોમાં પણ નવજાગરણ તરફ પ્રયાણ કરી સ્વતંત્ર રીતે જીવન જીવીને પોતાના સપનાંઓને સાકાર કરી છે. આજની નારી તેમનામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃત કરીને પોતાનું ધ્યેય નકકી કરી નિષ્ઠાથી આગળ વધી રહી છે.
આજના આધુનિક યુગમાં ઘણીવાર રૂઢિચુસ્ત સમાજમાં પરંપરાગત માન્યતાઓ અને જૂનવાણી વિચારસરણી મહિલાઓ માટે મુસીબત નોતરતી હોય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં મહિલાઓ પોતે જાય તો કયાં જાય એવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે.
જેને ધ્યાને લઇ મહિલાઓના આ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને જીવીકે-ઇએમઆરઇ મહિલાઓની વ્હારે આવીને એક સંકલિત રીતે ૧૮૧ અભયમ હેલ્પલાઇન કાર્યરત કરી. આ હેલ્પલાઇનના માધ્યમથી કોઇપણ મહિલા કોઇપણ રીતે પીડિત થતી હોય તો તેવી મહિલાઓ ગમે તે સમયે ગમે તે સ્થિતિમાં તેની સહાય મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી.
મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવા માટે સમગ્ર દેશમાં ૧૮૧ અભયમ હેલ્પલાઇનની પ્રથમ યોજના શરૂ કરનાર જો કોઇ હોય તો તે ગુજરાત રાજય છે. ગુજરાત રાજયમાં શરૂ કરવામાં આવેલ આ ૧૮૧ અભયમ હેલ્પલાઇનનું મોડલ જોઇને અનેક રાજયોએ પણ આ પ્રોજેકટ શરૂ કર્યો તેનું શ્રેય પણ ગુજરાતને ફાળે જાય છે.
આ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ કોઇપણ મહિલાનું શારીરિક, જાતિય, માનસિક કે આર્થિક કોઇપણ બાબતમાં સતામણી, હિંસા કે અન્યાયની બાબત હોય કે પછી સ્ત્રી ભ્રૂણ હત્યા, સાયબર ગુનાઓ, લગ્ન જીવન અને અન્ય સંબંધોમાં તકરાર-ઝઘડો થયો હોય કે કોઇપણ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી ઉપરાંત બીજી કોઇપણ મુસીબતો આવી હોય તો તેમાંથી મહિલાઓને બચાવીને સલામતી અને સુરક્ષા પ્રદાન કરવાનો છે.
આ હેલ્પલાઇનના માધ્યમથી મહિલાઓને તાત્કાલિક બચાવ, મદદ અને ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાનું કાઉન્સેલીંગ કરીને હકારાત્મક રીતે મહિલાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે છે.
૧૮૧ અભયમ હેલ્પલાઇન સેવાનો લાભ રાજયની કોઇપણ કન્યા, યુવતી કે મહિલા કે પછી કોઇ મહિલાને મદદરૂપ થવા ઇચ્છતો હોય તેવો કોઇપણ પુરૂષ આ સેવાનો લાભ લઇ શકે છે. આ ઉપરાંત રાજયમાં હિંસાનો ભોગ બની હોય તેવી અન્ય રાજયની મહિલા પણ આ સેવાનો લાભ લઇ શકે છે.
રાજયમાં શરૂ કરવામાં આવેલી આ ૧૮૧ અભયમ હેલ્પ લાઇનનો પ્રારંભ થયો ત્યારથી જાન્યુઆરી-૨૦૨૨ સુધીમાં ૧૦ લાખથી વધુ મહિલાઓએ વિકટ પરિસ્થિતિઓમાં કાઉન્સેલીંગ, બચાવ, માર્ગદર્શન અને માહિતી મેળવવા માટે આ હેલ્પલાઇનની મદદ લીધી છે.
આણંદ જિલ્લામાં પણ ૨૪ કલાક કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઇનનો જિલ્લાની ૨૮,૮૯૦ મહિલાઓએ સેવા પ્રાપ્ત કરી છે. જેમાં સમયસર પીડિત મહિલાઓ સુધી પહોંચીને સાચા અર્થમાં સુરક્ષા પ્રદાન કરી છે.
રાજયની મહિલાઓને મુશ્કેલભરી પરિસ્થિતિમાં ઝડપી ન્યાય અને મદદ મળી રહે તે માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં પહેલી કહી શકાય તેવી ઇન્ટિગ્રેટેડ ૧૮૧ અભયમ મોબાઇલ એપ્લીકેશન બનાવવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot : મહેન્દ્ર ફળદુને આત્મહત્યા માટે મજબુર કરનાર બે બિલ્ડરો સામે લુકઆઉટ નોટિસ જાહેર
આ પણ વાંચોઃ Rajkot: થોરાળા વિસ્તારમાં મોબાઈલ ચોરને ઠપકો આપતાં મોત મળ્યું, રસ્તા પર જ હત્યા કરી નાખી