Anand: સરદાર પટેલ રીન્યુએબલ એનર્જી રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રસોડાના કચરામાંથી ગંધહીન બાયોગેસની કરાઈ શોધ
Anand: આણંદની સરદાર પટેલ રીન્યુએબલ એનર્જી રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ દ્વારા રસોડાના કચરામાંથી ગંધહીન બાયોગેસ બનાવવાનો આવિષ્કાર કરાયો છે. આ બાયોગેસ થકી 50 ટકા પાણીના બચાવ સાથે ઘન કાર્બનિક કચરાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકાય તેવી ઈકોફ્રેન્ડલી પ્રક્રિયા છે.
Anand માં સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SPRERI) દ્વારા રસોડાના કચરામાંથી બાયોગેસ બનાવવા પેટન્ટ ગંધહીન ટેક્નોલોજીનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી થકી બાયો-મિથેનેશન પ્લાન્ટ વિવિધ સ્ત્રોતોમાંથી એકત્ર થયેલા કચરાના ઉપયોગથી બાયોગેસ બનાવવામાં આવે છે અને ઉત્પાદિત થયેલ ગેસને કરમસદ હોસ્પિટલની કેન્ટીનમાં રસોઈ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાયો-મેથેનેશન પ્લાન્ટને વિકસાવવા માટે ભારત સરકારના બાયોટેક્નોલોજી વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
બાયોગેસ બનાવવા આણંદ અને આસપાસની કેન્ટીન, રેસ્ટોરન્ટમાંથી એક્ઠો કરાય છે રસોડાનો કચરો
SPRERI દ્વારા બાયોગેસ બનાવવા માટે વલ્લભવિદ્યાનગર, કરમસદ, આણંદના અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા કેન્ટીન, રેસ્ટોરન્ટ અને અન્ય ખાણીપીણીના રસોડાના કચરા એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદમાં તેને બાયોગેસ અને બાયોફર્ટિલાઇઝરમાં રૂપાંતરિત કરવા માટે પ્લાન્ટમાં પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં રસોડાના કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. વધુમાં આ પ્રક્રિયા દરમ્યાન 50 ટકા પાણીનો બચાવ થાય છે અને તદ્દન ગંધહીન પ્રક્રિયા હોવાથી ઇકો ફ્રેન્ડલી તકનીક છે.
બાયોગેસ બનાવવા SPRERITECH પેટન્ટ ગંધહીન ટેકનોલોજીનો ઉપયોગ
આ ટેકનોલોજી વિશે જણાવતા SPRERI ના ડાયરેક્ટર ડૉ. ગૌરવ મિશ્રા કહે છે કે, “અમે વિદ્યાનગર, આણંદ અને કરમસદની સ્થાનિક નગરપાલિકાઓ સાથે કચરાના સંગ્રહ માટે જોડાણ કર્યું છે. ત્યારબાદ એકત્ર કરાયેલ કચરાને બાયોગેસ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે. ત્યાં એકત્રિત કચરામાંથી નકામા કચરાને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ કન્વેયર બેલ્ટનો ઉપયોગ કરીને કચરો ક્રશરમાં નાખવામાં આવે છે.
પ્રી-ટ્રીટેડ ઓર્ગેનિક કચરાને સોલિડ ઓર્ગેનિક ખાતરમાં રૂપાંતરિત કરીને ખુલ્લામાં સૂકવવામાં આવે છે. SPRERITECH પેટન્ટ ગંધહીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રવાહી સ્લરીમાંથી બાયોગેસ ઉત્પાદન માટે કરવામાં આવે છે. ત્યારબાદ બાયોગેસને ગેસના બલૂનમાં સંગ્રહિત કરીને ઉત્પાદિત થયેલ ગેસનું મીટરિંગ કરવામાં આવે છે. બાયોગેસ ઉપર સ્ક્રબિંગ, સફાઈ અને ભેજ દૂર કરવાની પ્રક્રિયા બાદ પાઈપલાઈન મારફતે કેન્ટીનમાં રસોઈ બનાવવા માટે મોકલવામાં આવે છે.
પ્રક્રિયા દરમિયાન બનતો ઘન કાર્બનિક કચરો જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં આવશે
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વિસ્તરણ વિભાગના વડા ડો. અમૃતા દોશી જણાવે છે કે, હાલમાં, અમે કરમસદના શ્રી કૃષ્ણ હોસ્પિટલના કેન્ટિનને ગેસ પૂરો પાડીએ છીએ. જ્યાં બાયોગેસને પી.એન.જી. માં રૂપાંતરિત કરવામાં આવે છે. તદુપરાંત પ્રક્રિયા દરમ્યાન બનતો ઘન કાર્બનિક કચરાનો જૈવિક ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને ઓર્ગેનિક ખેતી તરફ વલણ ધરાવતા ખેડૂતો માટે ફાયદાકારક હોવાથી ખેડૂતો પણ તેનો લાભ લઈ રહ્યા છે.
પોતાની આ ટેકનોલોજી વિશે વધુ જણાવતાં તેઓ જણાવે છે કે તેમના આ સંશોધનને વિકસાવવામાં 3 વર્ષ અને માળખાગત રીતે ગોઠવવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. SPRERI ની વૈજ્ઞાનિક ટીમ દ્વારા વિકસાવેલ ટેકનોલોજી દ્વારા શ્રી કૃષ્ણ હોસ્પિટલને ગેસ પૂરો પાડવામાં આવે છે. SPRERI આગામી સમયમાં ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી તેનો પાવર જનરેશન, ગ્રીન EV ચાર્જિંગ સ્ટેશન વગેરેમાં ઉપયોગ કરી બહુવિધ ઉપયોગમાં વિસ્તાર કરવાની યોજના બનાવી રહ્યા છે.
આ પણ વાંચો : Anand: આધુનિક સુવિધાથી સજ્જ સિવિલ હોસ્પિટલ નિર્માણ પામશે, લોકોને વધુ સુવિધા મળશે
બાયો-મિથેનેશન પ્રક્રિયાની સરખામણીમાં કરતા 50 ટકા ઓછો પાણીનો વપરાશ
તદુપરાંત આ પેટન્ટ ટેક્નોલોજી તદ્દન ગંધહીન છે અને પરંપરાગત બાયો-મિથેનેશન પ્રક્રિયાની સરખામણીમાં કરતા 50 ટકા ઓછો પાણીનો વપરાશ થાય છે. સામાજિક સ્વીકૃતિ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે અમે લોકોની માનસિકતા બદલવાનું કામ કરી રહ્યા છીએ. પોષણક્ષમ અને સ્વચ્છ ઉર્જા, આબોહવા પ્રક્રિયા અને લક્ષ્યો આ ટકાઉ વિકાસ લક્ષ્યાંકને સુનિશ્ચિત કરવા માટે ભાગીદારી નોંધાવી રહ્યા છીએ.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આરોગ્ય, પાણી અને ઉર્જાનો ટોચના 10 મહત્વના મુદ્દાઓમાં સમાવેશ થઈ રહ્યો છે ત્યારે SPRERI દ્વારા સંબધિત વિષયમાં થયેલ આ સંશોધન ચોક્કસપણે મૂલ્યવર્ધન કરશે.
આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો