Anand : પેટલાદ સિવિલ હોસ્પિટલમાં 1018 દર્દીઓએ ડાયાલીસીસની સારવાર અપાઈ, સાત ડાયાલીસીસ મશીન કાર્યરત
સિવીલ સર્જન ડૉ. નિર્મિત કુબાવતે પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે પેટલાદ શહેર સહિત તાલુકાના અને આજુબાજુના તાલુકાના લોકોને પણ પહેલાં ડાયાલિસિસ માટે વડોદરા, અમદાવાદ, આણંદ કે નડીઆદ જવું પડતું તે હવે નહીં જવું પડે
આણંદ જિલ્લામાં પેટલાદ(Petlad) સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના 31 જેટલા આધુનિક ડાયાલીસીસ( Dialysis) સેન્ટરના ઇ-લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતેના ડાયાલિસિસ વિભાગનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે(Rishikesh Patel) વડનગર ખાતેથી અને આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારએ દાહોદના દેવગઢ બારીયા ખાતેથી ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના 31 જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” વિધિવત ઇ-લોકાર્પણ કર્યું હતું.
ડાયાલિસિસ સેન્ટર શરૂ થતા આજુબાજુના ગામડાઓના દર્દીઓને ફાયદો
આ પ્રસંગે પેટલાદ નગરપાલિકાના પ્રમુખે રાજય સરકાર દ્વારા પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં કીડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની જરૂરીયાત પૂર્ણ કરવા માટે આધુનિક ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવા બદલ રાજય સરકારને અભિનંદન પાઠવી અત્રે ડાયાલિસિસ સેન્ટર શરૂ થવાથી પેટલાદ શહેર સહિત તાલુકાના અને આજુબાજુના ગામડાઓના દર્દીઓને તેનાથી ઘણો ફાયદો થશે, તેટલું જ નહીં પણ અહીંયાં ડાયાલિસિસની સારવાર નિ:શુલ્ક ધોરણે મળવાથી દર્દીઓના નાણાં અને સમયની બચત થશે તેમ જણાવ્યું હતું.
દર્દીઓને વિનામૂલ્યે તેનો લાભ મળી રહેતા સમય અને નાણાંની બચત થશે
સિવીલ સર્જન ડૉ. નિર્મિત કુબાવતે પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે પેટલાદ શહેર સહિત તાલુકાના અને આજુબાજુના તાલુકાના લોકોને પણ પહેલાં ડાયાલિસિસ માટે વડોદરા, અમદાવાદ, આણંદ કે નડીઆદ જવું પડતું તે હવે નહીં જવું પડે અને અહીં સમયસર અને ઝડપી ડાયાલીસીસની જરૂરિયાતવાળા દર્દીઓ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય અને આ પ્રક્રિયાની જરૂરી હોય તેવા દર્દીઓને વિનામૂલ્યે તેનો લાભ મળી રહેતા સમય અને નાણાંની બચત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
જરૂરિયાતમંદ 1018 દર્દીઓને 10722 ડાયાલિસિસ કરી આપવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે 07 અદ્યતન ડાયાલિસિસ યંત્રો અને સુસજજ સ્ટાફથી આ સેન્ટર સેવાઓ આપી રહ્યું છે. આ સેન્ટરમાં આજદિન સુધીમાં જરૂરિયાતમંદ 1018 દર્દીઓને 10722 ડાયાલિસિસ કરી આપવામાં આવ્યા છે.પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ડાયાલિસિસ સેન્ટર ત્રણ શીફટમાં કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં ચાર ટેકનિશિયન, એક સિસ્ટર અને બે એટેન્ડન્ટ પોતાની ફરજો સિવિલ સર્જન ડૉ. નિર્મિત કુબાવતના માર્ગદર્શન હેઠળ બજાવી રહ્યા હોવાની વિગતો ડાયાલિસિસ સેન્ટરના ઇન્ચાર્જ ટેકનિશિયન મિસબાબાનુ મન્સુરીએ આપી હતી.
ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ કાર્યરત કરવામાં આવ્યો
રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડાયાલિસિસ કેન્દ્રોના રાજ્યવ્યાપી ઇ-લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કિડની સંબંધિત બિમારી સાથે સંકળાયેલા દર્દીઓને 30 થી 40 કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં જ ડાયાલિસિસની સુવિધા મળી રહે તે માટે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા શ્રેષ્ઠ સંચાલન કરીને રાજ્યભરમાં 61 ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં આજે નવીન 31 ડાયાલિસિસ કેન્દ્રો કાર્યાન્વિત થતા હવે ગુજરાતભરમાં સરકાર દ્વારા સંચાલિત ડાયાલિસિસ કેન્દ્રોની સંખ્યા 92 થઇ હોવાનું જણાવી આગામી સમયમાં રાજ્યના તમામ તાલુકાઓ અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં પણ ડાયાલિસિસ કેન્દ્રો ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : Junagadh : ભવનાથમાં શેરનાથ બાપુનો અનોખો સેવાયજ્ઞ, ભોજન અને રહેવાની વિના મૂલ્યે વ્યવસ્થા
આ પણ વાંચો : Ambaji : કૈલાસ ટેકરી મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરાઈ