રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત દેશભક્તિનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ પ્રકાશિત કરાશે

|

Apr 06, 2022 | 6:43 PM

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ સિંધુડોની નવીન સંવર્ધિત આવૃત્તિનું સંકલન કર્યું છે. લગભગ એક સદી પછી, આજે પણ, મેઘાણી-ગીતો લોકહૈયે ગુંજે છે તેનું સવિશેષ ગૌરવ અને આનંદ છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત દેશભક્તિનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ પ્રકાશિત કરાશે
A collection of 15 patriotic heroic songs will be published on the occasion of 125th birth anniversary of National Shire Zaverchand Meghani

Follow us on

આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની(National Shire Zaverchand Meghani) 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત 06 એપ્રિલ 2022ના રોજ ધોલેરા સત્યાગ્રહ (Dholera Satyagraha)તથા સિંધુડોની (Sindhudo)92મી જયંતી અવસરે — રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે રચેલાં દેશભક્તિનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડોની નવીન સંવર્ધિત આવૃત્તિ પ્રગટ થશે.

સિંધુડોનાં 15 ગીતો : સ્વતંત્રતાની મીઠાશ, છેલ્લી પ્રાર્થના, શિવાજીનું હાલરડું, કાલ જાગે, બીક કોની, મા તને?, તરુણોનું મનોરાજ્ય, કવિ, તને કેમ ગમે?, મોતનાં કંકુ-ઘોળણ, ઊઠો, ગાઓ બળવાનાં ગાન, ઝંખના, નવ કહેજો, ભીરુ, યજ્ઞ-ધૂપ, વીર જતીન્દ્રનાં સંભારણાં ઉપરાંત લોકલાગણીને માન આપીને બીજાં 12 લોકપ્રિય ગેય શૌર્યગીતોનો પણ આમાં સમાવેશ કરાયો છે. ધોલેરા સત્યાગ્રહની ઐતિહાસિક દુર્લભ તસ્વીરો ઉપરાંત ઝવેરચંદ મેઘાણી (1930) અને લોકસેવક, સ્વાતંત્ર્ય-સેનાની વજુભાઈ શાહ (1932 અને 1980)ના નિવેદનને ખાસ સામેલ કરવામાં આવ્યાં છે.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ સિંધુડોની નવીન સંવર્ધિત આવૃત્તિનું સંકલન કર્યું છે. અપૂર્વ આશર (સિગ્નેટ ઈન્ફોટેક પ્રા. લિ. – નવજીવન ટ્રસ્ટ) ઉપરાંત જૈન મુનિશ્રી પૂ. યશેશયશ મ.સા., લોકગાયક અભેસિંહ રાઠોડ અને નીલેશ પંડ્યાનો પણ આ સંકલન પ્રક્રિયામાં લાગણીભર્યો સહયોગ રહ્યો છે. મેઘાણી-ગીતોથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવનાનું સંસ્કાર-સિંચન થાય તે માટે છેલ્લા એક દશકથી સતત પ્રયત્નશીલ પિનાકી મેઘાણી – ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા શાળા, કોલેજ અને પુસ્તકાલયને સિંધુડો પુસ્તક ભેટ અપાશે. લગભગ એક સદી પછી, આજે પણ, મેઘાણી-ગીતો લોકહૈયે ગુંજે છે તેનું સવિશેષ ગૌરવ અને આનંદ છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આગામી સમયમાં ધોલેરા સ્થિત ઐતિહાસિક ગાંધી ચોક ખાતે મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં રેખાચિત્ર, હસ્તાક્ષર તથા ધોલેરા સત્યાગ્રહ – સિંધુડોના ઈતિહાસને આલેખતી કલાત્મક તકતીની સ્થાપના પણ કરવામાં આવશે.

ધોલેરા સત્યાગ્રહ

12 માર્ચ 1930એ મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્થાપેલા સાબરમતી આશ્રમથી 79 સત્યાગ્રહીઓ સાથે પગપાળા ઐતિહાસિક દાંડી યાત્રા શરૂ કરીને 06 એપ્રિલ 1930ના રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. તે જ વેળાએ સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા ખાતે પણ સત્યાગ્રહનાં મંડાણ થયાં હતાં.

ધોલેરા સત્યાગ્રહની ચાર મુખ્ય છાવણીઓ હતી : ધોલેરા, ધંધુકા, રાણપુર અને બરવાળા.

ધોલેરા સત્યાગ્રહના અગ્રગણ્ય સેનાનીઓ હતા : સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ પારેખ સુશીલ, રસિકલાલ પરીખ, જગજીવનદાસ મહેતા, કક્લભાઈ કોઠારી, હરગોવિંદભાઈ પંડ્યા, મનુભાઈ જોધાણી, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા સોપાન, રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી `દર્શક’, જયમલ્લભાઈ પરમાર, ઈશ્વરભાઈ દવે, મગનલાલ સતિકુમાર, રતિલાલ શેઠ, કાંતિલાલ શાહ, કનુભાઈ લહેરી, તારાચંદ રવાણી, કાનજીભાઈ ચૌહાણ, મનુભાઈ બક્ષી, રતુભાઈ કોઠારી, વીરચંદભાઈ શેઠ, ભીખુભાઈ ધ્રુવ, કેશુભાઈ મહેતા, વૈદ્ય બાલકૃષ્ણભાઈ દવે, શિવુભા ચુડાસમા, મનુભા ચુડાસમા, અમૃતલાલ પંડ્યા. બહેનોનું સુકાન સંભાળેલું : દેવીબેન પટ્ટણી, અમૃતલાલ શેઠનાં પત્ની રૂક્ષ્મણીબેન, પુત્રી લાભુબેન (મહેતા), ભત્રીજી પુષ્પાબેન (પૂર્ણિમાબેન પકવાસા), ગંગાબેન ઝવેરી, સુમિત્રાબેન ભટ્ટે. અંગ્રેજ સરકારના અમાનુષી અત્યાચારને કારણે રતિલાલ વૈદ્ય નામના 18-વર્ષીય યુવા સત્યાગ્રહી પુણેની યરવડા જેલમાં શહીદ થયા હતા.

સિંધુડો

સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભક્તિનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડો આ અવસરે પ્રસિધ્ધ થયો હતો. સત્યાગ્રહીઓને પોરસ ચડાવતું શૌર્યગીત કંકુ ઘોળજો જી રે કેસર રોળજો, પીઠી ચોળજો જી રે માથાં ઓળજો (મોતનાં કંકુ-ઘોળણ) ઝવેરચંદ મેઘાણીએ પોતાના બુલંદ કંઠે લલકાર્યું હતું. ગીતને અંતે બોલતાં કહ્યું હતું : કવિઓ જેને વસંત તરીકે ઓળખાવે છે તે આ ઋતુમાં તો હોળી ખેલાય. આજે આપણે ધોલેરાને સાગર-તીરે હોળી ખેલવા આવ્યા છીએ; પણ એ હોળી જુદી જાતની છે.

સિંધુડોનાં ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં. ગામેગામ અને ઘેરઘેર આ ગીતો સહુ કોઈના કંઠે ગવાતાં અને ઝીલાતાં હતાં. પ્રભાતફેરીઓ, સભાઓ, સરઘસો દ્વારા આ ગીતોએ ખાસ કરીને નવયુવાનોમાં વ્યાપક નવચેતના ફેલાવી હતી. આ ગીતો ગાતાં ગાતાં સત્યાગ્રહીઓએ લાઠીઓ અને ગોળીઓ ઝીલી હતી, કારાવાસની સજા હસતે મોંએ સ્વીકારી હતી. આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટિશ સરકાર પણ ચોંકી ગઈ હતી. બ્રિટિશ સરકારે ગભરાઈને `સિંધુડો’ જપ્ત કર્યો હતો. પરંતુ તેની હસ્તલિખિત કાનૂનભંગ આવૃત્તિની સેંકડો સાઇક્લોસ્ટાઈલ્ડ નકલો જોતજોતામાં લોકોમાં ફરી વળી હતી.

આ પણ વાંચો :સુરત : શહેર પોલીસ અને વોલીબોલ એસોસિયેશન દ્વારા ત્રણ દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન, યુવાનોમાં રમતગમત ક્ષેત્રે રસ કેળવાય તેવો હેતુ

IPL 2022 : જીત બાદ બેંગ્લોરના ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી હતી, કોહલી-ડુ પ્લેસિસે ગીત ગાયું, Watch Video

Next Article