ઘરની બહાર ન નીકળતા, ગુજરાતના અમરેલીમાં પૂર જેવી સ્થિતિ, રાજુલા-જાફરાબાદ પંથકમાં બચાવ કામગીરી તેજ
અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજુલા-જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને રાજુલા-જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ભેરાઈ ગામ નજીકથી 70થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રાજુલા પંથકમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 199 મિલીમીટર એટલે કે આશરે 8 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સિઝનનો કુલ વરસાદ 409 મિલીમીટર સુધી પહોંચ્યો છે, જે ખૂબ જ વધારે છે. ભારે વરસાદના કારણે રાયડી અને ધાતરવાડી જેવા મહત્વના ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, જેના પરિણામે નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. અનેક ગામોને જોડતા રસ્તાઓ પર કોઝવે અને પુલ પરથી પાણી ફરી વળતા વાહનવ્યવહાર થંભી ગયો છે.
બાઢડા-સાવરકુંડલા, સાવરકુંડલાથી બાઢડા થઈને રાજુલા આવવાનો માર્ગ, બાઢડાથી વિજપડીનો માર્ગ તેમજ ખાંભા નજીક ધાતરવાડી નદી પરનો પુલ પાણીમાં ગરકાવ થતા બંધ કરી દેવાયા છે.
આ સ્થિતિમાં, વહીવટી તંત્ર, સ્થાનિક લોકો અને પ્રજાના પ્રતિનિધિઓની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજુલા-સાવરકુંડલાના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી ઝીલ પટેલ અને અન્ય વહીવટી અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે.
ભેરાઈ ગામમાં લગભગ 75-80 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને નજીકની શાળામાં બનાવેલા શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો છે. ત્યાં તેમને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, ખાખબાઈ ગામમાં પણ કેટલાક લોકો પાણીમાં ફસાયા હતા, જેમનું પ્રજાના પ્રતિનિધિઓ અને સ્થાનિકોની મદદથી જેસીબી દ્વારા સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. ચોતરા ગામની આસપાસ પણ પાણીનો વ્યાપક ફેલાવો જોવા મળ્યો છે.
તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળે. પાણી ઓછું દેખાતું હોય ત્યાં પણ ખાડા હોઈ શકે અથવા પાણીનો પ્રવાહ વધુ હોઈ શકે છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. એનડીઆરએફની ટીમ મોડી રાત્રિ સુધીમાં અમરેલી પહોંચી જશે અને ફાયર ટીમના જવાનો પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.
હાલમાં વરસાદનું જોર ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, પરંતુ પાણી ઓસરતા લોકોની મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થશે. નદીકાંઠાના વિસ્તારોમાં લોકોને ન જવા માટે પણ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. લોકો સાવચેત રહે અને વહીવટી તંત્રને સહકાર આપે તે અત્યંત જરૂરી છે.
ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ! 4 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર, જુઓ Video
