અમેરિકામાં રહેતા પુત્રને મોકલેલી કેસર કેરીઓ યુએસ ઈમિગ્રેશન વિભાગે ફેંકાવી દેતા શિક્ષક પિતાએ ઉઠાવી જહેમત, વ્હાઈટ હાઉસ સુધી પહોંચાડી વતનની કેસર
અમરેલીના સાવરકુંડલાના ભમોદ્રા ગામના એક શિક્ષક પિતાએ અમેરિકામાં સ્થાયી થયેલા તેમના દીકરાઓને કેસર કેરી મોકલી હતી. પરંતુ અમેરિકન ઈમીગ્રેશનવાળાએ ચેકિંગ દરમિયાન કેસર કેરીઓના બોક્સ ફેંકાવી દેતા પિતાને લાગી આવ્યુ અને 2001થી 2007 સુધી અમેરિકા ભારત વચ્ચે કેસર કેરી મોકલવા માટેની તમામ પૂર્તતા પૂર્ણ કરી કેરીઓ મોકલતી કરી. એટલુ જ નહીં વ્હાઈટ હાઉસ સુધી પણ આ કેરીઓને પહોંચાડી. પીએમ મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર અમેરિકા ગયા ત્યારે આજ સવાણી ફાર્મની કેરીઓના 25 બોક્સ મગાવવામાં આવ્યા હતા.
ગીરની પ્રખ્યાત કેસર કેરી હાલ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ એક્સપોર્ટ થઈ રહી છે. અમરેલીના એક શિક્ષકની મહેનત બાદ કેસર કેરી આજે અમેરિકાના વ્હાઈટ હાઉસ સુધી પહોંચી છે.જેની પાછળ પણ એક મધુભાઈ સવાણી નામના શિક્ષક પિતાનો લાંબો સંઘર્ષ રહેલો છે. અમરેલીના સાવરકુંડલાના ભમોદ્રા ગામના મધુભાઈ સવાણી વ્યવસાયે શિક્ષક હતા અને તેમનો દીકરો અમેરિકામાં ભણીને ત્યાંજ સ્થાયી થયો હતો. એકવાર દીકરાને મળવા માટે આ મધુભાઈ અમેરિકા ગયા ત્યારે પ્રખ્યાત કેસર કેરી દીકરા માટે ખાસ લઈ ગયા હતા. પરંતુ અમેરિકાના ઍરપોર્ટ પર ઈમીગ્રેશનવાળાઓએ મધુભાઈ પાસેથી આ કેરીઓ લઈ લીધી અને ફેંકાવી દીધી.
અમેરિકા કેસર લઈ જવાની પરવાનગી મળે તે માટે પિતા-પુત્રએ 6 વર્ષ સુધી ઉઠાવી જહેમત
દીકરા માટે હેતથી લઈ ગયેલા કેસર કેરી દીકરો ખાઈ ન શકે તે વાતનું મધુભાઈને લાગી આવ્યુ. આ ઘટના બાદ પિતા અને તેમના અમેરિકામાં રહેતા દીકરા ભાસ્કર સવાણીએ વ્હાઈટ હાઉસથી લઈ છેક ભારતના વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધી 2001 થી 2006 સતત મહેનત ચાલુ રાખી અને 6 વર્ષની જહેમત , અનેક ખરાઈ અને 183 જેટલા ટેસ્ટ અને ચકાસણી બાદ આખરે અમેરિકામાં કેસર કેરીઓ લઈ જવાની પરવાનગી મળી.
મધુભાઈ સવાણીના બગીચામાં હાલ 10 હજારથી વધુ આંબાના વૃક્ષો
વ્યવસાયે શિક્ષક એવા મધુભાઈનો ખુદનો 150 વીઘામાં કેરીનો બગીચો છે અને તેમના બગીચામાં 10 હજારથી વધુ આંબાના વૃક્ષો છે. અલગ અલગ પ્રકારના આંબાના વૃક્ષો વાવીને મધુભાઈ સવાણી આજે વિવિધ જાતની કેરીઓ પકાવીને વિદેશમાં એખ્સપોર્ટ કરી રહ્યા છે અને ડોલરમાં તગડી કમાણી પણ કરી રહ્યા છે. આજે 85 વર્ષની ઉમરે પણ મધુભાઈ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તી સાથે તેમની આંબાવાડીઓની દેખરેખ રાખે છે.
6 વર્ષની જટિલ પ્રક્રિયા 183 જેટલા ટેસ્ટ અને ચકાસણીમાંથી પસાર થઈ કેસર કેરી
વિદેશથી આવેલી તેમની આધુનિક કારમાં આવી તેઓ આંબાના બગીચામાં કામ કરતા કામદારો પર ચાંપતી નજર રાખે છે અને જરૂર પડ્યે જરૂરી સલાહ સૂચન પણ કરતા રહે છે.જે કેસર કેરીને અમેરિકા પહોંચાડવા માટે લાંબી જટીલ પ્રક્રિયામાંથી પસાર થવુ પડ્યુ હતુ એ જ કેરીઓ આજે ગ્રેડેશન થયા બાદ મુંબઈથી કાર્ગો દ્વારા અમેરિકા અને દક્ષિણ કોરિયા પહોંચાડવામાં આવે છે.
PM મોદી પ્રથમવાર અમેરિકાની વોશિગ્ટન બિઝનેસ કાઉન્સિલમાં ગયા ત્યારે પીએમ મોદીને ભોજનમાં પિરસાઈ હતી કેરી
સૌપ્રથમ સવાણી ફાર્મની કેરીઓ વ્હાઈટ હાઉસ પહોંચી હતી અને તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ, બાઈડન સહિતના આ કેરીનો સ્વાગ માણી ચુક્યા છે. નરેન્દ્ર મોદી 20014માં પ્રથમવાર વડાપ્રધાન બન્યા બાદ અમેરિકા ગયા હતા. ત્યારે અમેરિકાના મંત્રી નેન્સી પેલોસીએ આ જ સવાણી ફાર્મની કેરીઓના 25 બોક્સ મગાવી પીએમ મોદીને ભોજનમાં આ કેરીઓ પીરસી હતી. દીકરા માટે પિતાએ સંઘર્ષ કર્યો અને 6 વર્ષની લાંબી જહેમત બાદ વતનની કેસર કેરીને અમેરિકા પહોંચતી કરી અને આજે અમેરિકામાં રહેતા તમામ કેરી રસીયા ભારતીયોને કેસર કેરીનો સ્વાદ ત્યા પણ ચાખવા મળી રહ્યો છે.