Gujarat : છેલ્લા 24 કલાકમાં કુલ 226 તાલુકામાં મેઘમહેર, સૂત્રાપાડામાં 10 ઇંચ વરસાદ, માણાવદર-માંગરોળમાં 7 ઇંચથી વધારે વરસાદ, શેત્રુંજી અને ધાતરવડી-2 ડેમ ઓવરફલો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 226 તાલુકામાં મેઘમહેર વરસી છે. જેમાં સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ ગીરસોમનાથના સૂત્રાપાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાજયમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 226 તાલુકામાં મેઘમહેર વરસી છે. જેમાં સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ ગીરસોમનાથના સૂત્રાપાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જયારે જૂનાગઢના માણાવદર, માંગરોળમાં 7 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વંથલી, દ્વારકા અને વેરાવળમાં 6 ઈંચથી વધારે વરસાદ ખાબકયો છે. રાજ્યના 58 તાલુકાઓમાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.
વહેલી સવારથી અવિરત વરસાદ વહેલી સવારે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે 2 કલાકમાં રાજ્યના કુલ 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના લાલપુરમાં 2 કલાકમાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. તો વહેલી સવારે વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, છોટાઉદેપુર, સુરત, નવસારીમાં પણ સારો વરસાદ વરસ્યો છે.મહિસાગર જિલ્લામાં સવારથી જ વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુરમાં વરસાદ વરસી રહ્યો છે.
ગીરસોમનાથમાં જળબંબાકારની સ્થિતિ ગીરસોમનાથના સુત્રાપાડામાં રીતસર આભ ફાટ્યુ, અને 10 ઇંચ વરસાદ ખાબક્યો. તો વેરાવળમાં પણ 6 ઇંચ વરસાદે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. તો તાલાલામાં પણ સાડા ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો. વેરાવળના ઇણાજ ગામમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ. તો સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા પ્રાચીતિર્થ ખાતે આવેલું માધવરાયજી મંદિર પાણીમાં ડૂબ્યું. સાથે જ જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ.
હિરણ-કપિલા-સરસ્વતી નદીમાં પૂર ગીર-સોમનાથ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે હિરણ, કપિલા અને સરસ્વતિ નદીમાં પૂર જેવી સ્થિતિ છે. જેને કારણે નદીઓના ત્રિવેણી સંગમમાં વરસાદનાં પાણી જમા થઈ રહ્યાં છે. ભારે વરસાદથી છલોછલ બનેલી નદીઓના પ્રવાહો ત્રિવેણી સંગમમાંથી પસાર થઈને સોમનાથના દરિયામાં ભળી રહ્યા છે.
પાલીતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફલો થયો ભાવનગરના પાલીતાણાનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા 17 ગામના લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઇ છે. હાલ ડેમમાં 9 હજાર 440 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમના 59 દરવાજા 1.6 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે.
અમરેલીનો ધાતરવડી ડેમ-2 ઓવરફલો અમરેલી જિલ્લાના ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે. ડેમના એક સાથે 6 દરવાજા ખોલવા પડ્યા છે. ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા 10 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ ગામડાઓ નદી કિનારે આવેલા છે. ડેમ ઓવરફ્લો થતા હિંડોરણા, વડ,છતડીયા,ખાખબાઈ,ઉંચેયા,રામપરા, ભેરાઈ સહિત નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ ડેમમાં હજુ પણ પાણીની આવક શરૂ જ છે.
જૂનાગઢના દામોદર કુંડમાં ઘોડાપૂરની સ્થિતિ જૂનાગઢના ગિરનાર જંગલ અને દાતાર પર્વતના જંગલમાં ધોધમાર વરસાદને પગલે દામોદર કુંડમાં ઘોડાપૂરની સ્થિતિનું સર્જન થયું છે.