અંબાજીમાં આઠમની પૂજા પર રાજવી પરિવારના વિશેષાધિકાર પર હાઈકોર્ટે લગાવી રોક, તો રાજવી પરિવારે ચુકાદાને વખોડ્યો- Video
અંબાજી મંદિરમાં આઠમની પૂજાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જે મુજબ નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર હવે માત્ર રાજવી પરિવાર પાસે નહીં રહે. તો રાજવી પરિવારે આ ચુકાદાને વખોડ્યો છે અને ચુકાદો રિવોક કરવાની માગ કરી છે.
51 શક્તિપીઠ પૈકી એવા ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આસો નવરાત્રીની આઠમની પૂજાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં હુકમ કરાયો છે કે હવેથી આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર માત્ર રાજવી પરિવાર પાસે નહીં રહે.
ઉલ્લેખનીય છે કે વિક્રમ સંવત 1842માં રાજા જશરાજસિંહએ અંબાજી મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો ત્યારથી રાજપરિવારને માતાજીની પાવડી પૂજા અને દર્શનનો વિશેષ અધિકાર ચાલતો આવે છે. પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટે આ વિશેષાધિકારનો સામે હુકમ કર્યો છે કે નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર હવે માત્ર રાજવી પરિવાર પાસે નહીં રહે. આઠમની વિશેષ પૂજા અને દર્શનનો અધિકાર માત્ર દાંતા મહારાજા અને એમના વંશજોને નહીં હોય.
હવેથી નવરાત્રિની આઠમના દર્શનનો લાભ તમામ ભક્તો પણ લઈ શકશે. ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો હુકમ આપ્યો છે. દાંતા રાજવી પરિવાર અને અંબાજી માતાજીના મંદિર વચ્ચેના પૌરાણિક સંબંધ અને શાસક-સેવક ભાવનાની અનોખી પરંપરાની પ્રતીક સમાન આઠમની પૂજા ગણાય છે. જો કે, હવે આ હુકમ બાદ રાજવી પરિવારના પ્રતિક્રિયા પર સૌની નજર રહેશે.
જે બાદ આ સમગ્ર ઘટનાને દાંતાના મહારાજ રિદ્ધિરાજ સિંહે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે પણ પ્રહાર કર્યા. હાઈકોર્ટના જજે દાંતાના રાજવંશોના વિશેષાધિકારની હાંસી ઉડાવી હોવાનો રિદ્ધિરાજ સિંહે આરોપ લગાવ્યો છે.
ચુકાદા પર શુ બોલ્યા રિદ્ધિરાજ સિંહ?
દાંતાના મહારાજ રિદ્ધિરાજ સિંહે આઠમની પૂજા અંગે શાંતિ પૂર્ણ રીતે નિરાકરણ આવે તેવી માગ કરી છે. સાથે જ કોર્ટના જજ અને વકીલ રાજવી પરિવાર અંગે ખોટી રીતે ટીપ્પણી કરતાં હોવાની ઘટનાને પણ વખોડી છે. સાથે જ કોર્ટે પોતાના ચૂકાદામાં ફેરવિચારણા કરવાની પણ માગ કરી દાંતાના મહારાજ રિદ્ધિરાજ સિંહે હાઈકોર્ટના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપી કે આ પૂજા માત્ર દાંતા દરબારની નહીં પરંતુ બધી કોમની પૂજા છે. હાઈકોર્ટે આવો ચુકાદો આપી સનાતન ધર્મ પર હુમલો કર્યો છે. વર્ષો જૂની પરંપરા પર રોક લગાવી હાઈકોર્ટે હિન્દુત્વ પર હુમલો કર્યાનો આક્ષેપ પણ કર્યો. વધુમાં તેમણે નિર્ણયની સામે શાંતિપૂર્ણ લડાઈ ચાલુ રાખવાનું જણાવ્યુ અને હાઈકોર્ટ સમક્ષ પણ ચુકાદો રિવોક કરવાની માગ કરી છે.