Ahmedabad: સંબંધોને શર્મસાર કરે એવી ઘટના, માત્ર એક દિવસના બાળકને ત્યજીને કેમ ભાગી રહી હતી આ મહિલા?
બાળકોને ત્યજી દેવાના વધતા આંકડા ગુજરાતમાં વધી રહ્યા છે, જે ખુબ જ ચિંતાજનક છે. હાલમાં વેજલપુરમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. બાળક ત્યજવાનો આ કિસ્સો સંબંધોને શર્મસાર કરે એવો છે.
પેથાપુર બાદ વેજલપુરમાં નવજાત બાળકને ત્યજી દેનાર જનેતાને લોકોએ ઝડપી પાડી. પ્રેમી ગર્ભવતી બનાવીને ફરાર થઈ જતા બાળકને ત્યજી દેવાનો યુવતીએ નિર્ણય કર્યો હતો. પરંતુ સ્થાનિકોની જાગૃતતાથી મહિલા પકડાઈ ગઈ છે. કોણ છે આ કઠોર માતા? ચાલો જાણીએ વિગતમાં.
વેજલપુરમાં આવેલા શ્રીનંદનગર વિભાગ 4 ના જે બ્લોકના ત્રીજા માળે એક દિવસના બાળકને ત્યજીને નાસી રહેલી મહિલાને સ્થાનિકોએ ઝડપી લીધી હતી. ઘટનાની વાત કરીએ તો મિઝોરમનાની વતની લાલોમકિવી નામની મહિલા એક દિવસના નવજાત બાળકને મૂકીને ફરાર થઈ રહી હતી. આ દરમ્યાન આ ફ્લેટમાં રહેતા મનીષાબેન શાહ જોઈ ગયા. અને બુમાબુમ કરતા રહીશોએ મહિલાને પકડી લીધી. આ મહિલા પોતાના નવજાત બાળકને ત્યજી દેવા માટે આવી હતી. પરંતુ સ્થાનિક લોકોની જાગૃતતાના કારણે મહિલા પકડાઈ. અને ફરી એક નિર્દોષ બાળકને અનાથ થતા બચાવ્યો. વેજલપુર પોલીસે બાળક અને તેની માતા ને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા છે.
તપાસમાં સામે આવ્યું કે મહિલા સ્પામાં નોકરી કરે છે. સુનિલ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમીએ મહિલાને ગર્ભવતી બનાવી દીધી અને પાંચ મહિના પહેલા જ મહિલાને મૂકીને ફરાર થઈ ગયો. મહિલાએ સુનિલની શોધખોળ કરી. પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહિ. આ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેને તરછોડી દેવાનો નિર્ણય કર્યો. અગાઉ શ્રીનંદનગરમાં રહેતા એક મિત્રને મળવા આવી હતી. જેથી બાળકને આ સોસાયટીમાં ત્યજી દેવાનું નક્કી કર્યું. બાળકને ત્રીજા માળે મૂકીને નીકળી રહી હતી ત્યારે સ્થાનિકો જોઈ જતા તેનો ભાંડો ફૂટી ગયો હતો. વેજલપુર પોલીસે મહિલા વિરુદ્ધ બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.
મહત્વનું છે કે પેથાપુરમાં બાળકને ત્યજી દેવાના ચર્ચાસ્પદ કેસ બાદ ફરી નવજાત બાળકને ત્યજી દેવાના કિસ્સાએ સંબંધોને શર્મસાર કર્યા છે. કારણ કે વેજલપુરમાં જનેતાએ જ એક દિવસના દીકરાને તરછોડ્યો છે. અગાઉ મણિનગરમાં પણ સગી માતા નવજાત બાળકને હોસ્પિટલમાં મૂકીને ફરાર થઈ ગઈ હતી. બાળકોને ત્યજી દેવાના વધતા આંકડા ખુબજ ચિંતાજનક છે. હાલમાં વેજલપુર પોલીસે આ કેસમાં મહિલાના પ્રેમીની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો: Surat : યુનિવર્સીટી ગરબા મહોત્સવ વિવાદ : વિદ્યાર્થીઓએ પીક અવર્સમાં જ કર્યો ચક્કાજામ