Gujarat : ગડકરીનું ‘માર્ગ’દર્શન ! કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ નેશનલ હાઈવેના પ્રોગ્રેસ અને આગામી લક્ષ્યાંકો અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે કરી ચર્ચા
કેન્દ્ર સરકારે પાછલા 8 વર્ષમાં નેશનલ હાઈ-વે પ્રોજેક્ટના 81 કામ મંજૂર કર્યા છે. જે માટે 52775 કરોડ રૂપિયા ફાળવાયા છે. જ્યારે 30,908 કરોડના 1366 કિલોમીટરના 22 કામ આયોજનના તબક્કામાં છે.
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી બે દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા. નીતિન ગડકરીએ ગુજરાતના નેશનલ હાઈ-વેને લઈ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ખાસ હાજર રહ્યા. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્ર સરકાર અને NHAIના અધિકારીઓ તેમજ CMના સલાહકાર ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય પ્રધાને વરિષ્ઠ અધિકારીઓ સાથે ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવેના પ્રોગ્રેસ અને આગામી લક્ષ્યાંકો અંગે ચર્ચા કરી. તો સાથે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈ-વેનું નીરિક્ષણ પણ કરશે.
હાઈ-વેના બાંધકામ અને સુધારણા માટે 108690 કરોડ ફાળવાયા
કેન્દ્ર સરકારે પાછલા 8 વર્ષમાં નેશનલ હાઈ-વે પ્રોજેક્ટના 81 કામ મંજૂર કર્યા છે. જે માટે 52775 કરોડ રૂપિયા ફાળવાયા છે. જ્યારે 30,908કરોડના 1366 કિલોમીટરના 22 કામ આયોજનના તબક્કામાં છે. રાજ્યમાં નેશનલ હાઈ-વેના બાંધકામ અને સુધારણા માટે 108690 કરોડ ફાળવાયા છે.
ગુજરાતમાં કયા મહત્વના પ્રોજેક્ટ પર ગડકરીએ ચર્ચા કરી. તે જોઈએ તો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વે અને અમદાવાદ-શામળાજી સિક્સ લેન પર ચર્ચા થઈ. આ ઉપરાંત ભાવનગર-સોમનાથ ફોરલેન, ધરોઈ-અંબાજી ફોરલેન, પાલનપુર-સામખીયાળી અને મોરબી-સામખીયાળી પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી.