રાજ્યમાં ‘મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત’ ઝુંબેશ અંતર્ગત 4 મહિનામાં 3.30 લાખ મોતિયાના ઓપરેશન સફળતાપૂર્ણ સંપન્ન
આરોગ્ય વિભાગ (Health department) તરફથી મળતી વિગતો અનુસાર ગુજરાતમાં (Gujarat) ફક્ત ચાર માસના ટુંકા ગાળામાં 3.30 લાખ જેટલા મોતિયાના નિ:શુલ્ક ઓપરેશન કરીને જરૂરિયાતમંદોને નવી દ્રષ્ટિ આપવાનું કાર્ય સફળતાપૂર્ણ સંપન્ન કરવામાં આવ્યું છે.

ગુજરાતના (Gujarat) નાગરિકોને અંધત્વમુક્ત કરવા સરકાર દ્વારા “મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત” મહાઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) નેતૃત્વ હેઠળ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના (Health Minister Rishikesh Patel) માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશમાં ગુજરાત સરકારે સિધ્ધિ હાસલ કરી છે. આરોગ્ય વિભાગ તરફથી મળતી વિગતો અનુસાર ગુજરાતમાં ફક્ત ચાર માસના ટુંકા ગાળામાં 3.30 લાખ જેટલા મોતિયાના નિ:શુલ્ક ઓપરેશન કરીને જરૂરિયાતમંદોને નવી દ્રષ્ટિ આપવાનું કાર્ય સફળતાપૂર્ણ સંપન્ન કરવામાં આવ્યું છે. આમ, રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દર કલાકે 115 જેટલા મોતિયાના ઓપરેશન કરીને જરૂરિયાતમંદોને નવી દ્રષ્ટિ આપીને અંધત્વમુક્ત કરવામાં આવ્યા છે.
વિના મૂલ્યે મુકવામાં આવે છે લેન્સ
રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ ગુજરાતમાં વર્ષ 1978થી અમલીકરણમાં છે. જેનો મુખ્ય ધ્યેય અંધત્વનો દર વર્ષ 2025 સુધીમાં 0.25% સુધી લઇ જવાનો છે. રાજ્યની 22 જિલ્લા હોસ્પિટલ, 36 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 22 મેડિકલ કૉલેજ, 1 આર.આઇ.ઓ. અને 128 જેટલી રજીસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થાઓમાં નિ:શુલ્ક સર્જરી થાય છે. આ ઝુંબેશ અંતર્ગત દર્દીને ફેકો ઇમ્લ્સીફીકેશન પધ્ધતિથી મોતિયાનું ઓપરેશન કરીને 70 હજારથી વધુ કિંમતના હાઇડ્રોફોબીક ઇન્ટ્રાઓક્યુલર લેન્સ વિના મૂલ્યે મુકવામાં આવે છે.
મોતિયાનો દર ઘટીને 0.36 % થઇ ગયો
રાજય સરકાર દ્વારા વર્ષ 2014માં થયેલા સર્વે મુજબ અંધત્વનો દર 0.7 % હતો. કેન્દ્ર સરકાર દ્વારા 2018-19માં કરવામાં સર્વે મુજબ આ દર ઘટીને 0.36 % થયેલો છે. મોતિયાના કારણે અંધત્વનું ભારણ 36% જેટલું જણાયુ છે. અન્ય કારણોમાં ચશ્માના નંબરની ખામી, ઝામર, ત્રાંસી આંખ, કીકીના રોગો, ડાયાબેટીક રેટીનોપેથી હોય છે. રાજ્યના નાગરિકો પ્રચ્યે સંવેદનશીલતા દાખવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં સમગ્ર રાજ્યમાં મોતિયા અંધત્વ અને દ્રષ્ટિનિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. ‘મોતિયા અંધત્વ મુકત ગુજરાત’’ ઝુંબેશ અંતર્ગત ચાર મહિના દરમ્યાન કુલ 3,30,000 જેટલા મોતિયાના ઓપરેશન કરવામા આવ્યા છે. જે પૈકી 27 હજાર જેટલા બન્ને આંખે અંધહોય તેવા વ્યક્તિઓના ઓપરેશન થયા છે.
10 લાખ વસ્તીએ 10 હજારથી વધુ મોતિયાના ઓપરેશન
ગુજરાત રાજ્ય દ્વારા છેલ્લા 10 વર્ષમાં દર વર્ષે સરેરાશ 7 લાખ જેટલા મોતિયાના ઓપરેશન કરીને પ્રતિ 10 લાખ વસ્તીએ 10 હજારથી વધુ મોતિયાના ઓપરેશનનો દર હાંસલ કરીને રાજય સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. મહત્વનું છે કે, મોતિયાની અસર સામાન્ય રીતે 50 વર્ષ પછીની ઉંમરમાં થતી હોય છે. જેના કારણે ઝાંખપ આવતી હોય છે. મોતિયાની સારવાર એક સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણી મૂકીને કરી શકાય છે અને સંપૂર્ણ રીતે દ્રષ્ટિ પરત મેળવી શકાય છે.