9 ઓગસ્ટથી મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા આજે અમદાવાદ આવી પહોંચી છે. આ ન્યાય યાત્રાનું આવતીકાલે ચાંદખેડામાં સમાપન થશે. અગાઉ ગાંધીનગરમાં યાત્રાનું સમાપન કરવાનું નક્કી કરાયુ હતુ. જો કે હવે ગાંધીનગરને બદલે અમદાવાદમાં જ યાત્રાનું સમાપન કરવામાં આવશે. આજે 13માં દિવસે કોંગ્રેસની ન્યાય યાત્રાનો અમદાવાદમાં સરખેજ રેલવે ક્રોસિંગથી પ્રારંભ કરાયો હતો. જે વાસણા APMC થઈ કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન પહોંચી હતી. ત્યાં વિરામ કર્યા બાદ સાબરમતી સ્થિત ગાંધી આશ્રમ જશે. ત્યાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. જિજ્ઞેશ મેવાણી, કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયા, લાલજી દેસાઈ, હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓની આગેવાનીમાં આ યાત્રા નીકળી હતી.
કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચતા જ હિંમતસિંહ પટેલે જિજ્ઞેશ મેવાણી અને લાલજી દેસાઈને સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યુ હતુ. આ દરમિયાન હિંમત સિંહ પટેલે ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓ અંગે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યુ ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોકો ન્યાય માટે ઝંખી રહ્યા છે, લોકોને, ખેડૂતોને ન્યાય નથી મળી રહ્યો, યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે આ તમામ સળગતા મુદ્દાઓ સામે ગુજરાત કોંગ્રેસ પુરી તાકાત સાથે લડશે અને લોકોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસનો સંઘર્ષ શરૂ રહેશે.
ભાજપના નેતાઓ કોંગ્રેસની ન્યાય યાત્રા નિષ્ફળ રહી હોવાના પહેલા દિવસથી પ્રહાર કરી રહ્યા છે અને લાશો પર રાજકારણ રમવાનો આક્ષેપ કરી રહ્યા છે. ગુજરાતમાં બનેલી દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે આયોજિત કરાયેલી આ ન્યાય યાત્રાને ભાજપે નિષ્ફળ યાત્રા ગણાવી છે, આ મુદ્દે પાલ આંબલિયાએ જણાવ્યુ કે પ્રથમ દિવસથી ભાજપ યાત્રાને લઈને લોકોમાં ગેરસમજ ફેલાવી રહી છે પરંતુ આ 13 દિવસ દરમિયાન બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ સતત સાથે જ હતી ક્યાંય પણ અરાજક્તા ફેલાઈ નથી. આ તરફ બપોર બાદ કોંગ્રેસની ન્યાય યાત્રામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.
અમદવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા બાદ રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અને કોંગ્રેસની ન્યાય યાત્રામાં આવશે તેવો દાવો કર્યો હતો. જો કે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગે કે અન્ય કોઈપણ રાષ્ટ્રીય સ્તરના નેતા આ યાત્રામાં દેખાયા નથી. ત્યારે મોરબીથી શરૂ થયેલી આ યાત્રા રાજકોટ, વડોદરા, સુરત બાદ અમદાવાદ પહોંચી છે. જેમા કાર્યકરોનો ઉત્સાહ મંદ પડેલો સ્પષ્ટ દેખાયો હતો. ગુજરાતમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના, રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ, વડોદરાનો હરણી બોટકાંડ અને સુરતના તક્ષશિલા અગ્નિકાંડના તમામ પીડિતોને ન્યાય અપાવવા માટે આ યાત્રાનું આયોજન કરાયુ હતુ. જેનુ આવતીકાલે ચાંદખેડામાં એક જનસભા બાદ સમાપન થવાનુ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો