
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના પ્રાથમિક રિપોર્ટ સામે સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યા છે, જેમા પાયલટની ભૂલનો ઉલ્લેખ પણ કરાયો છે. અમદાવાદ ઍર ઈન્ડિયા પ્લેન ક્રેશ મામલે એક યાચિકા પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અમે વિમાન દુર્ઘટનાની એકસપર્ટ ટીમ દ્વારા સ્વતંત્ર, નિષ્પક્ષ અને ત્વરીત તપાસ સુનિશ્ચિત કરવાના પક્ષમાં છીએ. સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરતા કહ્યુ કે પાયલટની ભૂલવાળી પ્રારંભિક તપાસ રિપોર્ટ દુર્ભાગ્યપૂર્ણ હતી. પરંતુ આગળની તપાસમાં ગોપનિયતા બની રહેવી જોઈએ.
ન્યાયાધીશ સૂર્યકાન્તે જણાવ્યું હતું કે નિયમિત તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્રેશ સંબંધિત માહિતી ગુપ્ત રાખવી જોઈએ. તેમણે કહ્યું, “ધારો કે કાલે કોઈ દાવો કરે છે કે X પાયલટ જવાબદાર હતો, અને અંતે અંતિમ તપાસમાં તે નિર્દોષ સાબિત થાય છે? ધારો કે કાલે એવું કહેવામાં આવે કે પાઇલટ A જવાબદાર હતો. સ્વાભાવિક રીતે, પાઇલટનો પરિવાર દુઃખી થશે. ટુકડાઓમાં માહિતી લીક કરવાને બદલે, નિયમિત તપાસ તેના તાર્કિક નિષ્કર્ષ પર પહોંચે ત્યાં સુધી ગુપ્તતા જાળવી રાખવી જોઈએ.”
સુપ્રીમ કોર્ટે ભૂષણને પૂછ્યું કે જ્યારે નિષ્પક્ષ તપાસ સમજી શકાય તેવી વાત છે, તો અરજદારો આટલી બધી માહિતી જાહેર કરવાની માંગ કેમ કરી રહ્યા છે? અરજદાર NGO નું પ્રતિનિધિત્વ કરતા પ્રશાંત ભૂષણે કહ્યું, “દુર્ઘટનાને 100 થી વધુ દિવસ વીતી ગયા છે. ફક્ત પ્રારંભિક અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં શું થયું હશે, તે કેવી રીતે થયું હશે અને કયા સલામતી પગલાં લેવા જોઈએ તેની વિગતો આપવામાં આવી નથી. આ કેસમાં પાંચ સભ્યોની તપાસ ટીમ બનાવવામાં આવી છે. આમાંથી ત્રણમાં DDCA અધિકારીઓનો સમાવેશ થાય છે, જ્યારે DDCA ને તેની ખામીઓ માટે પૂછપરછ કરવી જોઈએ.”
કેપ્ટન અમિત સિંહના નેતૃત્વવાળી વિમાન સુરક્ષા NGO સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામા આવી છે. અરજીમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક અહેવાલ પર સવાલ ઉઠાવતા કહેવામાં આવ્યું છે કે આ રિપોર્ટમાં અનેક મહત્વપૂર્ણ માહિતી છુપાવવામાં આવી છે અને દુર્ઘટનાની સંપૂર્ણ જવાબદારી પાઇલટ પર ઢોળી દેવામાં આવી છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે જે રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી તે જીવવાનો, સમાનતા અને સત્ય માહિતીના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેમાં જણાવાયું છે કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) નો પ્રારંભિક રિપોર્ટ, જે અકસ્માત માટે ફ્યુઅલ કટઓફ સ્વીચને RUN થી CUTOFF માં ખસેડવાને કારણે થઈ છે, તે પાઇલટની ભૂલ તરફ ઈશારો કરે છે.
જોકે, મહત્વપૂર્ણ ફ્લાઇટ ડેટા જેમ કે સમગ્ર ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર (DFDR) આઉટપુટ, ટાઇમસ્ટેમ્પ સાથે સંપૂર્ણ કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) ટ્રાન્સક્રિપ્ટ અને ઇલેક્ટ્રોનિક એરક્રાફ્ટ ફોલ્ટ રેકોર્ડિંગ (EAFR) ડેટાને રોકી રાખવામાં આવ્યા છે. 12 જૂનના રોજ થયેલી આ વિમાન દુર્ઘટનામાં 265 મુસાફરો, ક્રૂ અને વિમાન જે સ્થળે ધ્વસ્ત થયુ તે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલના વિદ્યાર્થીઓ સહિત ત્યા કામ કરતા કર્મચારી સ્ટાફના કેટલાક લોકોના મોત થયા હતા. પ્લેન અમદાવાદથી લંડન જતી વખતે ટેકઓફ કર્યાની 1 જ મિનિટમાં ક્રેશ થઈ ગયુ હતુ.
Published On - 8:05 pm, Mon, 22 September 25