અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખામાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે એક જ પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. પોલીસે પતિ પત્ની અમિત અને સંધ્યા પ્રજાપતિ તેમજ દિયર નિલેશ પ્રજાપતિની ધરપકડ કરી છે. આ ઠગ દંપતિ અને દિયર લોકોને શેરબજારમાં પૈસા રોકાણ કરવા માટે કહેતા હતા તેમજ પૈસાનું ઊંચું વ્યાજ આપવાની પણ લાલચ આપતા હતા.
શેરબજારમાં રોકાણ કરવાનું કહી દર મહિને ચાર ટકા સુધીનું વળતર આપવાની લાલચ આપી લોકો પાસે 1.16 કરોડો રૂપિયા પડાવ્યા હતા. શરૂઆતમાં ચાર મહિના સુધી રોકાણકારોને ચાર ટકા સુધીનું વળતર આપવામાં આવતું હતું ત્યારબાદ રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને રોકાણકારોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ખ્યાલ આવતા તેમણે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપીઓ નાના ચિલોડાના રહેવાસી છે. આરોપીઓએ વર્ષ 2019 થી 2024 દરમ્યાન આ કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ અમિત પ્રજાપતિ છે જેણે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. આરોપી અમિત અગાઉ બેંગ્લોર ખાતે નોકરી કરતો હતો અને અમદાવાદમાં આવ્યા બાદ નરોડા અને બાપુનગરમાં એમસ્ટ્રેડ કેપીટલ નામની ફર્મ ઉભી કરીને લોકોને રોકાણ કરવા લોભામણી લાલચ આપી હતી.
EOW દ્વારા આરોપીના નિવાસસ્થાને સર્ચ કરતા 100 થી વધુ રોકાણકારોએ રોકાણ કર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ભોગ બનનારને EOW માં સંપર્ક કરવાની અપીલ કરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પતિ અમિત પ્રજાપતિ પત્ની સંધ્યા અને દિયર નિલેશ રોકાણકારો પાસેથી શેરબજારમાં રોકાણ કરાવવાનું કહી કરોડો રૂપિયા મેળવ્યા હતા અને તે રૂપિયા તેમને પોતાના અંગત ઉપયોગ માટે ખર્ચ કરી નાખ્યા હતા, જેથી લોકોના રોકેલા રૂપિયાનું વળતર આપી શક્યા ન હતા.
જોકે સમગ્ર મામલે હાલ તો એક જ ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવી 1.16 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, પરંતુ આ પ્રમાણે અલગ અલગ 25 જેટલા અન્ય રોકાણકારો સામે આવ્યા છે કે જેમને પાસેથી આ પરિવારના સભ્યએ પાંચ કરોડથી વધુની રકમ મેળવી લીધી છે. EOW એ ત્રણેય આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીએ અન્ય કેટલા રોકાણકારોને ટ્રાગેટ કર્યા છે. જ્યારે ઠગાઈના રૂપિયા ક્યાં રોકાણ કર્યા છે તે તમામ મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.