અમદાવાદમાં અવિરત વરસાદ છતા સ્થિતિ નિયંત્રણમાં હોવાનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો, વિપક્ષ નેતાએ ઉઠાવ્યા સવાલ- Video

અમદાવાદમાં ગત મધરાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે છતા અમ્યુકો.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેનના આ દાવા સામે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યા છે.

| Edited By: | Updated on: Aug 26, 2024 | 4:58 PM

અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ રાત્રિથી અવિરત વરસાદ શરૂ છે. જેના પગલે શહેરના ડઝનથી વધુ રસ્તાઓ પર પાણી ભરાયા છે, અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં અને દુકાનોમાં પણ પાણી ભરાયા છે. છતા અમ્યુકો.ના ચેરમેન દેવાંગ દાણી શહેરમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરી રહ્યા છે. તેમનો દાવો છે કે વોટર લોગિંગના મોટાભાગના સ્થળો ક્લિયર છે. તમામ અંડર પાસ ચાલુ છે. તમામ ઝોનના અધિકારીઓ ફિલ્ડમાં કાર્યરત છે. વરસાદ બંધ થતા પાણીનો નિકાલ થઈ ગયો છે. હાટકેશઅવમાં ડેમેજ થયેલા ભાગને રિપેર કરી ફરી શરૂ કરવાનો દેવાંગ દાણીએ દાવો કર્યો છે.

સ્ટેન્ડિંગ ચેરમેને દાવો કર્યો કે વરસાદ ધીમો પડતા પાણી ઉતરી ગયા છે અને મહાનગરના તમામ અન્ડર પાસ શરૂ છે. વાહન વ્યવહાર નોર્મલ છે. અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉત્તર, દક્ષિણ, ઉત્તર પશ્ચિમ ઝોન અને મધ્ય ઝોન સહિતના તમામ ઝોનમાં કાર્યરત છે.

આ તરફ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે કંટ્રોલ રૂમની મુલાકાત લઈ વરસાદી સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ. વિપક્ષ નેતાએ AMCની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ કે AMC દાવો કરે છે કે વરસાદમાં 110 સ્પોટ પર કામગીરી કરી દેવાઈ છે અને હવે ત્યાં પાણી નહીં ભરાય જ્યારે હકીકત એ છે કે એ 110 સ્પોટ પર તો પાણી ભરાય જ છે તદઉપરાંત અન્ય એવા નવા સ્પોટ પણ ઉમેરાયા છે જ્યા પહેલા પાણી ભરાતા ન હતા અને આ વર્ષથી પાણી ભરાવાની શરૂઆત થઈ છે.

શહેઝાદખાને જણાવ્યુ કે શહેરનો દાણી લીમડા વિસ્તાર, વટવા, લાંભા, મણીનગર સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સમગ્ર અમદાવાદ શહેર માત્ર 2 ઈંચ વરસાદમાં જ સ્વિમીંગ પૂલમાં તબ્દીલ થઈ જાય છે. 20 વર્ષથી AMCમાં ભાજપનું શાસન છે, અને દર વર્ષે સત્તાધિશો એવો દાવો કરે છે કે ચોમાસામાં રસ્તા પર પાણી નહીં ભરાય અને જમીની હકીકત તેનાથી તદ્દન વિપરીત જોવા મળે છે.

શહેઝાદ ખાને ઉમેર્યુ કે એકતરફ અમદાવાદમાં ઓલિમ્પિક આયોજિત કરવાના તૈયારી ચાલી રહી છે, પરંતુ એક ઈંચ વરસાદમાં જ શહેરમાંથી નદીઓ વહેવા લાગે છે, પ્રિમોન્સુનના નામે પાસ કરાતા બજેટમાં અધિકારીઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરે છે. શહેરનો પશ્ચિમ વિસ્તારમાંથી લોકો સૌથી વધુ ટેક્સ ભરે છે, જ્યા મોડલ રોડ અને હાઈફાઈ રોડ પર પણ પાણી ભરાય છે. સિંધુ ભવન રોડ હોય કે એસજી હાઈવે, બે ઈંચ વરસાદમાં આ તમામ વિસ્તારો જળમગ્ન બને છે. જે દર્શાવે છે કે ભાજપનો વિકાસ ચોમાસું આવતા જ ધોવાઈ જાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો