અમદાવાદ શહેર સ્માર્ટ સિટી હોવાનો તંત્ર દ્વારા દાવા તો અનેક કરાય છે પરંતુ સવાલ એ છે કે શું આ કહેવાતા સ્માર્ટ સિટીના રસ્તાઓ સ્માર્ટ છે ખરા? તેનો જવાબ છે ના… બિલકુલ નહીં. એક જ વરસાદ થતા શહેરના તમામે તમામ રોડ પર ધોવાઈ જાય છે અને રસ્તા પર મસમોટા ખાડા જોવા મળે છે. જેનો ભોગ વાહનચાલકો બને છે. રોડના નિર્માણ કામમાં એટલુ હલકી ગુણવત્તાનું મટિરિયિલ વપરાય છે કે એકાદ-બે ઈંચ વરસાદ થતામાં જ રોડ પર ઠેકઠેકાણે ખાડા પડી જાય છે.
શહેરના તમામે તમામ વિસ્તારોની આ જ સ્થિત છે. ગોતા વિસ્તારની જ વાત કરીએ તો અહીં 18 સપ્ટેમ્બરે આવેલા વરસાદ બાદ ભારે હાલાકીનો ચિત્તાર સામે આવ્યો છે. શહેરના પોશ અને ડેવલપ ગણાતા ગોતામાં સ્મશાન નજીકનો મુખ્ય રોડ અત્યંત બિસમાર હાલતમાં છે. અહીં રોડ પર ખાડા નથી પરંતુ ખાડામાં રોડ હોય તેવુ ભાસી રહ્યુ છે. આ ખાડામાં પાણી ભરાયા હોવાથી વાહનચાલકો અને રાહગીરોને પારાવાર મશ્કેલી વેઠવી પડે છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે, વાહનો બગડી રહ્યા છે. આ અંગે જ્યારે લોકોનો રોષ ભભુકી ઉઠે ત્યારબાદ તંત્ર જાગે છે અને વેટમિક્સના થીંગડા મારીને કામચલાઉ કામગીરી કરવામાં આવે છે. ફરી વરસાદ થતા આ રોડ ધોવાઈ જાય છે અને ફરી એની એ જ સ્થિતિ સર્જાય છે.
AMC નું તંત્ર પણ લાખના બાર હજાર કરવામાં માહેર છે. અહીં ગોતા સ્મશાન નજીક નવો રોડ મંજૂર થઈ ગયેલો છે અને અડધા રોડમાં એક તરફ ડીબીએમ લેવલે કામગીરી કરવામાં આવી છે. પરંતુ STP પમ્પિંગ સ્ટેશનની લાઈન નાખવામાં આવી હોવાથી અડધા રોડનું કામ બાકી છે. લાઈન નખાઈ જતા રોડનું કામ આગળ વધશે. જો કે અહીં સવાલ એ છે કે શું અહીં અધૂરા રોડને કારણે ચોમાસામાં આવી ખરાબ દશા થશે તેનો અંદાજો મનપાના અધિકારીઓને નહીં હોય? અને હવે પોતાની આયોજન વિનાની બેદરકારીની કામગીરી છુપાવવા થીંગડા મારીને કામચલાઉ ગાડુ ગબડાવી રોષ ખાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
જો ચોમાસા પહેલા જ STP લાઈન નાખી રોડનું કામ આટોપી લેવાયુ હોત અને નવો રોડ બની જતો તો આ પ્રકારે લોકોને હાડમારી ન સહન કરવી પડતી. પરંતુ નક્કર પ્લાનિંગ વિના કામ કરવામાં ટેવાયેલી સિસ્ટમ વારંવાર આ જ પ્રકારે બુદ્ધિનું પ્રદર્શન કરતુ રહે છે. જેનો ભોગ જનતાને બનવુ પડે છે.
Input Credit- Mihir Soni- Ahmedabad