ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બાદ હવે તમામ વિદેશી વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાં બનેલી નવી NRI હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવશે. તમામ વિદેશી વિદ્યાર્થીઓને ત્રણ દિવસમાં જુની હોસ્ટેલ છોડી નવી હોસ્ટેલમાં શિફ્ટ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ A બ્લોકની હોસ્ટેલ છોડી નવી હોસ્ટેલમાં રહેવા જશે. આ નવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હોટેલ જેવી અદ્યતન સુવિધા મળશે. આ હોસ્ટેલમાં અદ્યતન ફર્નિચર સાથેના 92 રૂમ છે. જેમા દરેક રૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. દરેક રૂમમાં વિદ્યાર્થીને RO સિસ્ટમ, કિચન, વોર્ડરોબ, એક્ઝિક્યુટિવ ચેર સાથે સ્ટડી ટેબલ સહિતની સુવિધા મળશે. જેમા એક રૂમમાં માત્ર બે જ વિદ્યાર્થીઓ રહેશે.
આપને જણાવી દઈએ કે યુનિવર્સિટીમાં આ નવી NRI હોસ્ટેલ છેલ્લા એક વર્ષથી બનીને તૈયાર હતી પરંતુ ફાયર NOC અને BU પરિમશન સહિતની મંજૂરી મળી ન હોવાથી વિદ્યાર્થીઓને અહીં શિફ્ટ કરાયા ન હતા. જો કે શનિવારે રાત્રે ઘટેલી મારામારીની ઘટના બાદ તાત્કાલિક ધોરણે તમામ વિદ્યાર્થીઓને અહીં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્ટેલને 2 દિવસ પૂર્વે જ ફાયર NOC મળ્યું હોવાનો પણ યુનિવર્સિટી દ્વારા દાવો કરાઈ રહ્યો છે.
યુનિવર્સિટીમાં ઘટેલી મારામારીની ઘટના બાદ હવે યુનિવર્સિટી તંત્ર પણ એક્શનમાં આવી ગયુ છે અને યુનિવર્સિટીએ પણ તપાસ શરૂ કરી છે. જેમા લોકપાલ, લીગલ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને કો-ઓર્ડિનેટર કમિટી તપાસ કરશે. કમિટી તમામ વીડિયોનો અભ્યાસ કરી રિપોર્ટ સોંપશે. આ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાનું કહેવું છે કે ફોરેન એડવાઇઝર અને સ્ટાફને બદલવામાં આવ્યો છે. સુરક્ષાને લઇ મોટી ચૂક જોવા મળી હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્ટેલમાં ગેરકાયદે રહેતા વિદ્યાર્થીઓને દૂર કરવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં કોઇ જાહેર જગ્યા પર નમાઝ કે ધાર્મિક પ્રવૃત્તિઓ નહીં કરી શકે તેમજ બહારના કોઈપણ વ્યક્તિને હોસ્ટેલમાં લાવી શકાશે નહીં.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 8:01 pm, Mon, 18 March 24