માફિયા અતીક અહેમદ જેલમાં કરશે 25 રૂપિયાની રોજમદારી, ભેંસ ધોવા ઉપરાંત કરશે ખેતી
ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેની સાથે જ સાબરમતી જેલમાં તેને કેદી નંબર 17052 આપ્યો છે. હવે અહેમદ સાબરમતી જેલમાં મજુરી કામમાં જોતરાશે. ભેંસોને સાફ કરવા અને ધોવા ઉપરાંત સુથારી કામ કરવાની સાથે અતીકને ખેતી પણ કરવી પડશે અને અન્ય પશુઓની પણ કાળજી લેવી પડશે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ માફિયા અતીક અહેમદ હવે ભેંસોને નવડાવવાની કામગીરી કરશે. સાથોસાથ ખેતી અને સુથારી કામ પણ કરવું પડશે. આ માટે તેને રોજના 25 રૂપિયા મહેનતાણું પણ મળશે. મહત્વનું છે કે, ઉમેશ પાલ અપહરણ કેસમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અતીકને જેલમાં કેદી નંબર 17052 આપ્યા બાદ હવે અહેમદ જેલમાં મજુરી કામમાં જોતરાશે.
ભેંસ ધોવા સહિત સુથારી કામ કરશે અતીક
અતીક અહેમદ જેલમાં ભેંસોને સાફ કરવા અને ધોવા ઉપરાંત સુથારનું કામ પણ કરવા સાથે ખેતી પણ કરવી પડશે અને અન્ય પશુઓની પણ કાળજી લેવી પડશે. હાલ અતીકને કેદીઓના કપડાંની બે જોડી આપવામાં આવી છે. સફેદ માં કુર્તા, પાયજામા, ટોપી અને ગમચાનો પણ સમાવેશ થાય છે.
ઉમેશ પાલ અપહરણ કેસમાં ફટકારવામાં આવી છે આજીવન કેદની સજા
પ્રયાગરાજની MPMLA કોર્ટે ઉમેશ પાલ અપહરણ કેસમાં માફિયા અતીક અહેમદને આજીવન કેદની સજા સંભળાવી છે. અતીક અહેમદને કડક સુરક્ષા વચ્ચે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને MPMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અતીક અહેમદ, તેના વકીલ ખાન સોલત હનીફ અને તેના સાથી દિનેશ પાસીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમજ તેના ભાઈ અશરફ સહિત સાત લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
જેલમાં અતીકનું નવું બેંક ખાતું
અતીકનું બેંક ખાતું પણ ખોલવામાં આવ્યું છે, જેમાં તેને દૈનિક વેતન તરીકે મળતા 25 રૂપિયા જમા કરવામાં આવશે. ખાસ કરીને તેને જેલમાં અકુશળ કામદારની શ્રેણીમાં અતિકને મૂકવામાં આવ્યો છે. જો તેને કુશળ કારીગરની શ્રેણીમાં મૂકવામાં આવ્યો હોત તો તેને રોજના 40 રૂપિયા મળ્યા હોત.
રાજ્ય બદલાતા લેવાયું એક્શન
ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની 24 ફેબ્રુઆરી 2023ના રોજ ધુમાનગંજના સુલેમાસરાયમાં તેમના ઘરની સામે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ઉમેશ પાલના બે ગાર્ડ પણ માર્યા ગયા હતા. ઉમેશ પાલનું 25 જાન્યુઆરી 2006ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. માફિયા અતીકના સાગરિતો તેના માથા પર પિસ્તોલ રાખીને ચકિયામાં આવેલી ઓફિસમાં લઈ ગયા, જ્યાં અતીક અને તેના સાગરિતોએ ઉમેશને નિર્દયતાથી માર માર્યો અને તેની સોગંદનામા પર સહી કરાવી.
આ સાથે બીજા દિવસે તેને કોર્ટમાં લઈ ગયા બાદ તેની તરફેણમાં નિવેદન નોંધ્યું હતું. આ ઘટનાના લગભગ એક વર્ષ બાદ, યુપીમાં SP સરકાર બદલાયા બાદ અને BSP સરકારના સત્તામાં આવ્યા બાદ, તેણે અતીક, અશરફ સહિત 11 લોકો સામે અપહરણ, નિર્દયતાથી માર મારવા, મારપીટ કરવાનો કેસ દાખલ કર્યો હતો. અતીક અને તેના ગેંગ વિરુદ્ધ ઉમેશ પાલને મારી નાખવા તેમજ વીજ કરંટ આપવા વગેરે જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારે હાલ આ માફિયા અતીક અહેમદ 25 રૂપિયાની દહાડી કરી પોતાનું જેલ જીવન જીવશે.