Gujarati Video : ઠગ કિરણ પટેલને કાશ્મીરથી બાય રોડ લવાશે ગુજરાત, ગુરૂવારે અમદાવાદ પહોંચશે
Ahmedabad News : કિરણ પટેલને કાશ્મીરથી અમદાવાદ બાય રોડ લાવવામાં અંદાજે 36 કલાક જેટલો સમય લાગશે, આ સમય દરમ્યાન કિરણ ડબ્બામાં જ પૂરાયેલો રહેશે. આ વખતે કિરણ પટેલની સાથે કોઇ સામાન્ય પોલીસ કે ગાર્ડ નહીં પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હશે.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ના અધિકારી તરીકેની ઓળખ આપી અનેક લોકો સાથે છેતરપિંડી આચરનારા મહાઠગ કિરણ પટેલને કાશ્મીરથી ગુજરાત લાવવાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જે પ્રકારે માફિયા અતીક અહેમદને પોલીસ વાન મારફતે ગુજરાતથી ઉત્તર પ્રદેશ લઇ જવાયો હતો, એ જ રીતે કૌભાંડી કિરણને પણ કાશ્મીરથી બાય રોડ પોલીસ વાનમાં જ ગુજરાત લાવવામાં આવશે.
મહાઠગ કિરણને લેવા અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ જમ્મુ-કાશ્મીર પહોંચી ગઇ છે. આજે ઠગ કિરણ પટેલની કસ્ટડી મેળવશે અને તેને બાય રોડ અમદાવાદ લાવશે. ગુરૂવારે મોડી સાંજ સુધીમાં કિરણ પટેલ અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. હાઇપ્રોફાઇલ લાઇફ જીવતા અને કરોડોની લક્ઝુરિયસ કારમાં ફરતા કિરણને સામાન્ય કેદીની જેમ પોલીસના ડબ્બામાં પૂરીને કાશ્મીરથી ગુજરાત લાવવામાં આવશે.
કિરણ પટેલની સુરક્ષામાં હજુ પણ કાફલો જ રહેશે !
આમ તો કિરણ જ્યારે નકલી અધિકારી બનીને રોફ ઝાડતો ત્યારે તેની સુરક્ષામાં ગાર્ડનો મોટો કાફલો રહેતો, પરંતુ આ વખતે કિરણ પટેલની સાથે કોઇ સામાન્ય પોલીસ કે ગાર્ડ નહીં પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હશે, કાશ્મીરથી અમદાવાદની બાય રોડ મુસાફરીમાં અંદાજે 36 કલાક જેટલો સમય લાગશે, આ સમય દરમ્યાન કિરણ ડબ્બામાં જ પૂરાયેલો રહેશે, અમદાવાદ લાવ્યા બાદ પણ કિરણ સાથે સામાન્ય કેદી જેવો જ વ્યવહાર કરવામાં આવશે.
ખોટી ઓળખ બતાવી જમ્મુ-કાશ્મીરનો સરકારી મહેમાન બન્યો હતો
ગુજરાતના મહાઠગ કિરણ પટેલે PMOના અધિકારી તરીકેની ઓળખ આપી જમ્મુ-કાશ્મીરનો સરકારી મહેમાન બન્યો અને ઝેડ પ્લસ સિક્યુરિટીમાં છેક બોર્ડ પહોંચી ગયો હતો. પરંતુ તેનું કારનામું બહાર આવ્યા બાદ ગુજરાતમાં પણ તેના એક પછી એક એમ અનેક કૌભાંડ બહાર આવ્યા છે. પૂર્વ પ્રધાનના ભાઇ જગદીશ ચાવડાનો રૂપિયા 18 કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં કિરણ વિરૂદ્ધ કેસ દાખલ થયો છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કિરણ પટેલે પોતાની ઓળખ PMOના અધિકારીની આપીને અનેક લોકોને ભોળવી લીધા હતા. અમદાવાદની જાણીતી કો-ઓપરેટિવ બેંકના એક ઉચ્ચ પદાધિકારી પણ તેના સંપર્કમાં હતા. કિરણ પટેલ આ બધા સંપર્કોના આધારે લોકોને ફસાવતો હતો. કૌભાંડો સામે આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ ન થાય તે માટે પણ કિરણે અનેક ઉધામા નાંખ્યા હતા, પરંતુ ગુજરાત પોલીસે કૌભાંડી કિરણ પર એવો સકંજો કસ્યો છે કે જેમાંથી તે બચી શકે તેમ નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…