Gujarati Video: વધુ એક મહાઠગની કરતૂતનો પર્દાફાશ, યુપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે સંજય શેરપુરીયાની કરી ધરપકડ, કંડલા એનર્જી એન્ડ કેમિકલના નામે SBIને ચોપડ્યો રૂ.350 કરોડનો ચૂનો
Ahmedabad: રાજકીય વગ વાપરી વધુ એક મહાઠગે કરોડોનું ફુલેકુ ફેરવ્યુ છે. સંજય શેરપુરિયાએ કંડલા એનર્જી એન્ડ કેમિકલના નામે SBIને રૂ.350 કરોડો ચુનો લગાવ્યો છે. મહાઠગ સંજય પ્રસાદ રાય(શેરપુરિયા)ની ઉત્તરપ્રદેશ સ્પે.ટાસ્ક ફોર્સે ધરપકડ કરી છે.
ઠગબાજ કિરણ પટેલનો કેસ હજુ પૂર્ણ નથી થયો ત્યાં ફરી એક મહાઠગના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે યુપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે કરોડોનું ફુલેકુ ફેરવવાના કેસમાં આરોપી સંજય શેરપુરીયાની ધરપકડ કરી. સંજય શેરપુરીયા પર રાજકીય વગના જોરે કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. ઠગ સંજયે કંડલા એનર્જી એન્ડ કેમિકલના નામે SBIને રૂ.350 કરોડનો ચૂનો ચોપડ્યો હતો. કૌભાંડને અંજામ આપવા માટે ઠગે સંજય ફોર યુથ નામની સંસ્થા ખોલીને કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઠગ ઉત્તરપ્રદશના ગાજીપુરનો વતની છે.
સંજય શેરપુરિયાનું ગુજરાત કનેક્શન
યુપીમાં ઝડપાયેલા મહાઠગ સંજય શેરપુરીયાનું ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. સંજય શેરપુરીયાએ મુંબઈ બાદ ગુજરાતના ગાંધીધામ નોકરી કરી હતી. ગાંધીધામમાં ચોકીદાર અને વેઈટરની નોકરી કરી હતી, સાથે જ ટ્રક ડ્રાઈવર અને ગોડાઉનમાં પણ સંજય શેરપુરીયા નોકરી કરી ચૂક્યો છે. સંજયે કંડલા એનર્જી એન્ડ કેમિકલના નામે પોતાની કંપની શરૂ કરી હતી અને અમદાવાદના મીઠાખળીમાં કંપનીની ઓફિસ ખોલી હોવાનું પણ સામે આવ્યું છે. જો કે અમદાવાદના કંડલા એનર્જી એન્ડ કેમિકલ કંપનીને પણ સીલ કરવામાં આવી છે. કંડલા એનર્જી એન્ડ કેમિકલ કંપનીના નામે 349 કરોડ રૂપિયા ચાંઉ કર્યા હતા.
ઠગબાજનું સપનું હતું કે 2012 સુધીમાં તેનું નામ ફોર્બ્સની અરબપતિની યાદીમાં સામેલ થાય. જોકે ઠગનું આ સપનું તો પુર્ણ ન થયું, પરંતુ કંપનીની શાખના આધારે 2012માં ગુજરાત સરકારે MSME અંતર્ગત એવોર્ડ મેળવ્યો હતો. હવે ઠગબાજની તપાસમાં નવા કયા ખુલાસા સામે આવે છે તે જોવું રહ્યું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
