Gujarat University : ઉત્તરવહી કાંડમાં દોઢથી બે લાખમાં પરીક્ષા પાસ કરાવવામાં આવી હોવાનો NSUIનો આક્ષેપ
નર્સિંગ ઉત્તરવહી કૌભાંડમાં NSUIની માંગ છે કે તાત્કાલિક ગુનેગારોને પકડવામાં આવે. કારણ કે FIR કર્યાના 4 દિવસ બાદ પણ હજુ સુધી એક પણ ગુનેગારને પકડવામાં આવ્યા નથી.
Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) Bsc નર્સિંગ ઉત્તરવહી કૌભાંડ મામલે ભીનું સંકેલવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. ઘટનાને 72 કલાક કરતાં પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નથી કરાઈ. તેમજ કોઈપણ વ્યક્તિની ઓળખ નથી થઈ શકી ત્યારે NSUIએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમજ નર્સિંગની પરીક્ષા પાસ કરાવવા માટે દોઢથી બે લાખ રૂપિયા વસૂલવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
પરીક્ષા સારા ગુણથી પાસ કરવા માટેનું કૌભાંડ ચાલે છેઃ NSUI
નર્સિંગ ઉત્તરવહી કૌભાંડમાં NSUIની માંગ છે કે તાત્કાલિક ગુનેગારોને પકડવામાં આવે. કારણ કે FIR કર્યાના 4 દિવસ બાદ પણ હજુ સુધી એક પણ ગુનેગારને પકડવામાં આવ્યા નથી. NSUIએ દાવો કર્યો છે કે નર્સિંગમાં 70 ટકાથી વધુ માર્ક્સ આવે તેને વિદેશ જવા માટેની UK NARICની પરીક્ષા આપવાની નથી રહેતી. અને એટલે જ આ પરીક્ષા સારા ગુણથી પાસ કરવા માટેનું કૌભાંડ ચાલે છે.
યુથ કોંગ્રેસ નેતા હસમુખ ચૌધરીએ લગાવ્યા ગંભીર આરોપ
યુથ કોંગ્રેસ નેતા હસમુખ ચૌધરીએ જણાવ્યું કે સમગ્ર કૌભાંડમાં વિદ્યાર્થીઓ કોરું પેપર મૂકીને આવે અને પુરવણીના પ્રથમ અને છેલ્લા પાના પર ચોક્કસ નિશાની કરવામાં આવતી હતી. ગુજરાત યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી આ પુરવણીઓ રાત્રે અલગ કરી એજન્ટને આપવામાં આવતી હતી. ત્યારબાદ રાતે વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સ્થળ પર બોલાવી તેમને પેપર લખવા માટેનો સમય આપવામાં આવતો હતો. અને ત્યારબાદ વહેલી સવારે તમામ પુરવણી નંબરીંગ થાય એ પહેલા એસેસમેન્ટ સેન્ટરમાં જમા થતી હતી.
યુનિવર્સીટીને તપાસમાં રસ ના હોવાના આક્ષેપ
ઘટનાથી વિદ્યાર્થીઓ અજાણ હોવાના કારણે બીજા દિવસે એટલે કે 11 તારીખે લેવાયેલ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ પેપર કોરું મુકેલ છે. સાથે દાવો પણ કરવામાં આવ્યો કે માત્ર નર્સિંગ નહીં પરંતુ એ સિવાયની મેડિકલ અને સાયન્સની ફેકલ્ટીના પેપરનું એસેસમેન્ટ પણ ગુજરાત યુનિવર્સીટીના બોટની ડિપાર્ટમેન્ટમાં થાય છે. જેના અંદરના સ્ટાફના માણસો આ કાંડમાં સંકળાયેલ છે. જો કે ખુદ યુનિવર્સીટીને તપાસમાં રસ ના હોવાનું લાગી રહ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો