ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ફ્રન્ટફૂટથી રમવાની શરૂઆત કરતા વર્ષોની પરંપરા તોડી ભાજપ પહેલા જ પોતાના 43 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું. કોંગ્રેસે સર્વ સંમતિ સધાયેલ અને બિનવિવાદીત બેઠકો પર રણનીતિ સ્પષ્ટ કરતા પ્રથમ યાદી જાહેર કરી તેમાં રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામે ઝંપલાવશે.. તો અર્જુન મોઢવાડીયા ફરી એકવાર પોરબંદર બેઠક પરથી જોવા મળશે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં એકપણ ધારાસભ્યનો સમાવેશ કરાયો નથી.
ભારતીય જનતા પાર્ટી જ્યાં હજીપણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોમાં દાવેદારો પર ચર્ચા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસે ભાજપ પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી વિધાનસભા ચૂંટણીમાં આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે ઝંપલાવ્યું છે. 43 સભ્યોની પ્રથમ યાદીમાં સતત હાર વાળી બેઠકો, સર્વ સંમતિ સધાયેલ હોય એવી બેઠકો અને સિનિયર વાળી બેઠકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 6 મહિલાઓને પણ સ્થાન આપ્યું છે. સમગ્ર યાદી જોઈએ તો
કોંગ્રેસે જાહેર કરેલ પ્રથમ યાદીમાં હાલના 63 પૈકી એક પણ ધારાસભ્યનું નામ સામેલ નથી. જોકે ઝાલોદ વિધાનસભા બેઠક પર હાલના ધારાસભ્ય ભાવેશ કટારાની ટિકિટ કપાઈ છે. ઝાલોદમાં કોંગ્રેસે ભાવેશ કટારા ના બદલે પૂર્વ ધારાસભ્ય ડૉ મિતેશ ગરાસીયાની પસંદગી કરી છે. મહત્વનું છે કે અગાઉ ભાવેશ કટારાને લઈ અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા. રાહુલ ગાંધીની દાહોદ માં સભા પૂર્વે નારાજગીની બાબતો પણ સામે આવી હતી. જો કે ત્યારે ઘી ના ઢામમાં ધી સમાઈ ગયું હતું. અને હવે જાહેર થયેલ યાદીમાં ભાવેશ કટારાનું નામ નહીં.
રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિકને પણ કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બેઠક ઘાટલોડિયા થી લડાવવાનું નક્કી કર્યું છે. સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી લીડ વાળી બેઠક પર રાજ્યસભા સાંસદને ઉતારવા એ દર્શાવી રહ્યું છે કે કોંગ્રેસ કોઈપણ બેઠક લડત વગર ધરી દેવા માંગતું નથી.
એક તરફ કોંગ્રેસ સમાન વિચારધારા પક્ષો સાથે ગઠબંધન ની વાત કરી રહ્યું છે. ભૂતકાળમાં એનસીપી સાથે ગઠબંધન થયેલ જેને આગળ વધારવાની પણ ચર્ચા થઈ ગઈ છે ત્યારે કુતિયાણા વિધાનસભા બેઠક કે જ્યાં 2017માં કોંગ્રેસ-એનસીપી ગઠબંધન થયું હતું. કોંગ્રેસની પ્રથમ યાદીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પર એનસીપી ના ધારાસભ્ય કાંધલ જાડેજા સામે નાથાભાઈ ઓડેદરાને ટિકિટ આપતા કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને લઇ પ્રશ્નો ઉભા થયા છે.