સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન ખાનગી કોલેજોની ફી હવે FRC નક્કી કરશે. રાજ્ય સરકારે FRCના દાયરામાં ખાનગી યુનિવર્સિટીઓને બાકાત રાખ્યું છે જેના કારણે રાજ્યની 48 જેટલી ખાનગી યુનિવર્સિટીઓને ફીના નામે ઉઘાડી લૂંટ કરવાનો પરવાનો આપ્યો હોય તેવું લાગી રહ્યુ છે.
કોઇપણ ખાનગી કોલેજો પોતાની મનમાનીથી ફી વસુલી ન શકે તે માટે રાજ્ય સરકાર દ્રારા ફિ નિર્ધારણ કમિટી રચવાની જાહેરાત કરી છે.ગુજરાત વિધાનસભામાં લાગુ કરવામાં આવેલા કોમન યુનિવર્સિટી એક્ટ અંતર્ગત જે સ્ટેચ્યુટ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં રાજ્યની 11 જેટલી સરકારી યુનિવર્સિટીઓના તાબા હેઠળ આવતી ખાનગી કોલેજોના કાઉન્સિલ ન હોય તેવા અભ્યાસક્રમોની ફિ નક્કી કરવામાં આવશે.
આ કમિટીના અધ્યક્ષ સ્થળે જે તે સરકારી યુનિવર્સિટીના કુલપતિ રહેશે જ્યારે સુપ્રિમ કોર્ટ કે હાઇકોર્ટના નિવૃત જજ સભ્ય તરીકે રહેશે. કોલેજના વાર્ષિક હિસાબો અને તેની માંગણી મુજબ અભ્યાસ કરીને ફી નક્કી કરવાની રહેશે.
જો કે આ નિર્ણયથી ભલે ફી નિયંત્રણ આવશે પરંતુ શિક્ષણવિદ્દો માની રહ્યા છે કે આનાથી વિધાર્થીઓને ફીમાં બોજો પડી શકે છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખાનગી કોલેજ સંચાલકમંડળના પ્રમુખ ડો.નેહલ શુક્લએ કહ્યુ હતું કે હાલમાં રાજ્ય સરકારે જે ફી નક્કી કરી છે. તેમાં કેટલીક અપવાદરૂપ ખાનગી કોલેજોને બાદ કરતા મોટાભાગની ખાનગી કોલેજોની ફી મર્યાદિત છે.
જો કે હવે ખાનગી કોલેજો જે વાર્ષિક હિસાબો રજૂ કરશે તેના આધારે ફી માળખું નક્કી થશે જેથી ફિ વધારો થાય તેવી પુરી શક્યતા છે.એટલું જ નહિ પરંતુ આ કમિટીના અધ્યક્ષસ્થાને નિવૃત જજ નહિ પરંતુ કુલપતિ છે જેના કારણે વ્યક્તિગત રાગદ્રેષ રહે તેવી પણ પુરી શક્યતા છે.
રાજ્યમાં હાલમાં કુલ 48 જેટલી ખાનગી યુનિવર્સિટી આવેલી છે.મોટાભાગે ખાનગી યુનિવર્સિટીઓ મોટી ફી વસુલ કરતી હોય છે પરંતુ રાજ્ય સરકાર દ્રારા જે નવું સ્ટેચ્યુટ અમલમાં મૂક્યું છે તેમાં ખાનગી યુનિવર્સિટીમાં ફી મર્યાદા અંગે કોઇ જોગવાઇ નથી.કોંગ્રેસના નેતા અને શિક્ષણવિદ નિદત બારોટે દાવો કર્યો હતો કે રાજ્ય સરકારનો FRC અંગેનો નિર્ણય ખાનગી કોલેજોને પોતાના તાબામાં લેવાનો છે અને ખાનગી યુનિવર્સિટીને લાભ કરાવવાનો છે.જો સરકારે ફી નિયંત્રણ લાગુ કરવું હોય તો પહેલા ખાનગી યુનિવર્સિટી પર નિયંત્રણ લાગુ કરવું જોઇએ.
અત્યાર સુધી કાઉન્સિલમાં ન હોય તેવા કોર્ષની રાજ્ય સરકાર ફી નક્કી કરતી હતી પરંતુ હવે આ સત્તા કુલપતિને આપી દેવામાં આવતા દરેક કોલેજની મર્યાદા પ્રમાણે ફી નક્કી કરવામાં આવશે.જો કે ખાનગી યુનિવર્સિટીઓ પર નિયંત્રણ ન લાગુ કરતા સરકારના આ નિર્ણયમાં જરૂર શંકા ઉપજી રહી છે.હજુ રાજ્ય સરકારે FRCની અમલવારી શરૂ કરી નથી ત્યારે સરકારે વિધાર્થીઓના હિતમાં ખાનગી યુનિવર્સિટી અંગે પણ વિચારવું ખૂબ જ જરૂરી છે.
Published On - 11:22 pm, Thu, 19 September 24