Ahmedabad Ind Pak Match : લ્યો બોલો, અમદાવાદમાં યોજાનારી ભારત પાકિસ્તાન મેચની ડુપ્લીકેટ ટિકિટો બનાવી લાખોનું આચર્યું કૌભાંડ, આખરે પોલીસે કરી કાર્યવાહી
ભારત પાકિસ્તાનના મેચની ટિકિટો મળતી નથી જેનો લાભ ઉઠાવી ચાર યુવકોએ ડુપ્લીકેટ ટિકિટો બનાવી લાખો રૂપિયાની ટિકિટ પધરાવી દીધી. પોલીસે ટિકિટો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી દિવસોમાં ભારત પાકિસ્તાનની મેચ રમવા જઈ રહી છે અને આ મેચને લઈને સૌ કોઈનો ઉત્સાહ ચરમશીમાએ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં આગામી 14 ઓક્ટોબરે રમાનારી ભારત પાકિસ્તાન મેચ જેને સૌ કોઈ ક્રિકેટ રશિયાઓને સ્ટેડિયમમાં બેસીને જોવા આવવાની ઈચ્છા હોય છે, ત્યારે આવા ક્રિકેટ રશિયાઓને ટિકિટ મળવી હાલ મુશ્કેલ થઈ ચૂકી છે. આ તકનો લાભ હવે ગઠિયાઓ લઈ રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર યુવકોને ડુપ્લીકેટ ટિકિટો વેચતા પકડી પાડ્યા છે. થોડા પૈસાની લાલચમાં ચાર યુવકોએ ભેગા મળી અને ડુબલીકેટ ટિકિટો બનાવી નાખી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી દિવસોમાં ભારત પાકિસ્તાનની મેચ રમવા જઈ રહી છે અને આ મેચને લઈને સૌ કોઈનો ઉત્સાહ ચરમશીમાએ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી મેચ જોવા માટે ટિકિટોની પડાપડી થઈ રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, પરંતુ સામાન્ય લોકોને હાલના સમયમાં મેચની ટિકિટ મળવી પણ મુશ્કેલ થઈ ગયું છે.
ત્યારે આ ટિકિટની તકનો લાભ લઈને ગઠીયાઓ ડુપ્લીકેટ ટિકિટો બનાવી સોશિયલ મીડિયા ઉપર ખુલ્લેઆમ વેચાણ પર કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો અને એક વ્યક્તિ દ્વારા ટિકિટ ખરીદ્યા બાદ તેને ખ્યાલ આવ્યો કે તેમણે જે ટિકિટ ખરીદી છે તે ડુપ્લીકેટ છે. જોકે પોતે છેતરાયા હોવાનો ખ્યાલ આવતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડુબલીકેટ ટિકિટ બનાવી અને વેચાણ કરતાં ચાર યુવકોની ધરપકડ કરી છે.
કોણ બનાવી રહ્યું હતું ડુપ્લીકેટ ટિકિટ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે બોળકદેવ વિસ્તારમાં ક્રિષ્ના ઝેરોક્ષમાં દરોડા પાડ્યા હતા. પોલીસને ક્રિષ્ના ઝેરોક્ષમાંથી ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચની 108 નંગ ડુબલીકેટ ટિકિટો મળી આવી હતી. આ ઉપરાંત ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પાના પણ મળી આવ્યા હતા. પોલીસે ત્યાંથી મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, મોનિટર, સીપીયુ, પેન ડ્રાઈવ, પ્રિન્ટર, પેપર કટર સહિત 1,98,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ચાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઝેરોક્ષના માલિક ખુશ મીણાની પણ ધરપકડ કરી છે. આ ઉપરાંત રાજવીર ઠાકોર, ધ્રુમિલ ઠાકોર અને જૈમીન પ્રજાપતિની પણ ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
ચારે એરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ ચારેય યુવકોએ 150 જેટલી ટિકિટો છાપી હતી અને તેમાંથી 50 જેટલી ટિકિટોનું વેચાણ પણ કરી લીધું હતું. પકડાયેલો આરોપી કુશ મીણા ઝેરોક્ષ ની દુકાનનો માલિક છે. આરોપી જૈમીન પ્રજાપતિ, રાજવીર ઠાકોર તેમજ ધ્રુમિલ ઠાકોર ત્રણેય મિત્રો છે અને ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા મેચની ડુપ્લીકેટ ટિકિટ બનાવવાનું નક્કી કર્યું હતું. જેથી ત્રણેય મિત્રોએ ઝેરોક્ષના માલિક કુશ મીણાનો સંપર્ક કર્યો હતો.
કુશ મીણાએ ત્રણેય મિત્રોને નકલી ટિકિટ બનાવવા માટે એક ઓરીજનલ ટિકિટ જરૂર પડશે તેવું જણાવ્યું હતું. જેને લઇને ધ્રુમિલ ઠાકોરે તેના એક મિત્રનો સંપર્ક કરી એક ઓરિજનલ ટિકિટ મંગાવી હતી અને ત્યારબાદ ચારેય આરોપીઓએ ટિકિટો બનાવવા એક કલર પ્રિન્ટર ખરીદ્યું હતું. કુશ મીણાએ ફોટોશોપ સોફ્ટવેરમાં ઓરીજનલ ટિકિટ પરથી આબેહૂક ડુપ્લીકેટ ટિકિટ બનાવી તેની અલગ અલગ પ્રિન્ટ કાઢી હતી.
જે બાદ જૈમીન પ્રજાપતિ અને રાજવીર ઠાકોરે ભેગા મળીને તેમના મિત્રો મારફતે 40 જેટલી ટિકિટોની વેચાણ કર્યું હતું. જોકે ટિકિટ વેચવાની ડિમાન્ડ વધતા તેઓ વધુને વધુ ટિકિટો બનાવવા લાગ્યા હતા. ઓછા સમયમાં પૈસા કમાવવા માટે ચારેય યુવકોએ ટિકિટો બનાવી તેને 2000 થી 20,000 સુધીની કિંમતોથી વેચાણ કરવા લાગ્યા હતા. આરોપીઓ સોશિયલમાં મીડિયા થકી ટિકિટ વેચાણ કરતા હતા.
હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે જો કે પોલીસે તપાસ કરતા આ ચારેય આરોપીઓ નો કોઈ પણ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, પરંતુ પોલીસને શંકા છે કે આ ચારેય આરોપીઓએ વધારે ટિકિટો વેચાણી કરી હોય શકે છે. તેમજ આ ટિકિટો અસામાજિક તત્વો કે કાળા બજારી કરતા વ્યક્તિઓએ ખરીદી કરી હોવાની પણ શક્યતાને કારણે પોલીસ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં છે.