રાજ્યમાં સોમવારથી બિપોરજોય ચક્રવાતની અસર શરૂ થવાની સંભાવના, વરસાદ અને વાવાઝોડાની આગાહી
Ahmedabad: હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચ જૂનથી ગુજરાત પર ચક્રવાતની અસર શરૂ થશે જે સાત જૂન સુધી રહેવાની સંભાવના છે. રાજ્યમાં તોફાની પવન સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
Ahmedabad: દક્ષિણ-પૂર્વ અરેબિયન સમુદ્રમાં પાંચ જૂનથી સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાની શરૂઆત થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સાયક્લોનિક સર્ક્યુલેશન ત્યાર બાદના 48 કલાકમાં લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. જેના પગલે ગુજરાતમાંથી વિશેષ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ ક્લાકની ગતિએ પવન ફુંકાવાની, જ્યારે કેટલાક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે પવનની આગાહીને પગલે માછીમારોને આગામી સમયમાં 7 જૂન સુધી જખૌ, કચ્છના માંડવી, મુન્દ્રા, કંડલા નવલખી, જામનગર, સાયલા ઓખા, પોરબંદરના માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરવામાં આવી છે.
સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાને કારણે તાપમાન નીચુ હોવા છતાં બફારાનો અહેસાસ થશે
ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. જેના પગલે તાપમાન નીચુ હોવા છતા અસહ્ય બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. વધતા બફારાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. હજુ આગામી પાંચ દિવસ બફારામાં ઘટાડો થવાની સંભાવના નહિવત્ત છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અરેબિયન સમુદ્રમાં પાંચ જૂનની આસપાસ સાયક્લોન ત્રાટક્યું છે. આ સાયક્લોનને બિપોરજોય નામ અપાયું છે. જો કે, આ ચક્રવાતની તીવ્રતા કેટલી રહેશે તે હાલમાં કહેવુ મુશ્કેલ છે.
ચક્રવાતમાં 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે
હાલની સ્થિતિએ ચક્રવાતની તીવ્રતા ઘણી વધારે રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. 9 જૂનના આ ચક્રવાત વધારે ગતિ પકડી શકે છે અને તેનાથી 120 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાઈ શકે છે.
સાયક્લોનની અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે
હવામાન વિભાગના મતે સાયક્લોનિક સિસ્ટમની તીવ્રતા ઉપર બધો જ આધાર છે. હાલમાં ચક્રવાતનું મોડેલ વિવિધ સ્થિતિ દર્શાવી રહ્યુ છે. આ ચક્રવાત ન સર્જાય અને તે ગતિ પકડે તો નેઋત્યના ચોમાસાની ગતિ ઉપર પણ અસર પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગના મતે સાયક્લોનથી ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવી શકે છે.
આ જિલ્લાઓમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાની સંભાવના છે. 5 જૂને બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, ભાવનગરમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે આગામી દિવસોમાં બનાસકાંઠા. સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જામનગર, દ્વારકા, આણંદ, ડાંગ અને તાપીમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો