અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો થયો પ્રારંભ, પ્રથમ દિવસે CWCની બેઠક, ગાંધી આશ્રમમાં પ્રાર્થના સહિતના આ રહેશે કાર્યક્રમો- Video

અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આજે 8મી એપ્રિલથી પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારા આ અધિવેશનમાં 2500 થી વધુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. ત્યારે આવો જાણીએ આ બે દિવસ દરમિયાન કોંગ્રેસનો શું રહેશે કાર્યક્રમ.

| Edited By: | Updated on: Apr 08, 2025 | 1:45 PM

અમદાવાદમાં આજથી બે દિવસ ચાલનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં આયોજિત થનારુ કોંગ્રેસનું આ છઠ્ઠુ રાષ્ટ્રીય અધિવેશન છે. આ અગાઉ 1961માં આજથી 64 વર્ષ પૂર્વે ભાવનગરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયુ હતુ. જેમાં નેહરુ યુગ દરમિયાનની કોંગ્રેસની નીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખરગેની અધ્યક્ષતામાં કાર્યકારણીનો પ્રારંબ

આજથી શરૂ થયેલા કોંગ્રેસના અધિવેશનની જો વાત કરીએ તો બે દિવસના આ કાર્યક્રમમાં આજે પ્રથમ દિવસે સરદાર સ્મારક ખાતે CWCની બેઠક, સાંજે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા અને રાત્રે રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. 9 એપ્રિલે સવારે 9 વાગ્યાથી રાષ્ટ્રીય અધવેશનનો સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી પ્રારંભ થશે.

હાલ કોંગ્રેસની કાર્યકારિણીની શરૂઆત થઈ ગઈ છે. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગે સહિત કોંગ્રેસ શાસિત રાજ્યોના CM, રાજ્યોવાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષો સહિતના 2500 થી વધુ પાર્ટી ડેલગેટ્સ ઉપસ્થિત છે.

ગુજરાત અને અમદાવાદની પસંદગી કેમ?

આ અગાઉ વર્ષ 1921માં હકીમ અજમલ ખાનની અધ્યક્ષતામાં અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યુ હતુ. જેના 104 વર્ષ બાદ 2025માં કોંગ્રેસનું અધિવેશન અમદાવાદમાં આયોજિત થઈ રહ્યુ છે. આ અગાઉ 1902 અને 1921માં મળેલા અધિવેશને તત્કાલિન સમયે સમગ્ર દેશને એક દિશા આપનારુ સાબિત થયુ હતુ. ત્યારે 2025નું આ સંમેલન ગુજરાતમાં મૃતપ્રાય અવસ્થામાં આવેલી કોંગ્રેસમાં નવો પ્રાણ ફુંકનારુ, કાર્યકરોને નવી દિશા આપવાનું અને નવી ઊર્જા ભરનારુ સાબિત થશે કે કેમ તે જોવુ રહ્યુ.

ગુજરાતમાં કોંગ્રેસ 30 વર્ષથી સત્તાથી દૂર છે. અનેક પ્રયાસો કરવા છતા ગુજરાતમાં કોંગ્રેસ જીતવામાં સફળ થઈ શક્તી નથી અને અગાઉ કરતા પણ વધુ શરમજનક સ્થિતિમાં આવી ગઈ છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 76 બેઠકો જીતી ભાજપને પડકારનારી કોંગ્રેસ 2022ની ચૂંટણીમાં માંડ માંડ 17 બેઠકો સુધી પહોંચી શકી હતી.  તેમા પણ કેટલાક ધારાસભ્યોએ પક્ષપલટો કરી લેતા ગુજરાતમાં કોંગ્રેસના અસ્તિત્વ સામે જ સવાલ ઉઠી રહ્યા છે.

મોદી-અમિત શાહને તેમના જ ગઢમાં હરાવવાનો રાહુલનો પડકાર

લોકસભાની ચૂંટણી બાદ જૂલાઈ 2024માં મળેલા સંસદના સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ લોકસભામાં પીએમ મોદી અને અમિત શાહને પડકાર ફેંક્યો હતો કે તમે લખીને રાખો આ વખતે અમે તમને ગુજરામાં હરાવીશુ.  ગુજરાતમાં ભાજપને બરાબરની ટક્કર આપવા માટે કોંગ્રેસે અત્યારથી કમર કસી લીધી છે અને વર્ષ 2027માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપને તેના જ ગઢમાં ઘેરવા માટેની રણનીતિનો રોડમેપ અને મહત્વપૂર્ણ ઠરાવો આ બે દિવસીય અધિવેશન દરમિયાન તૈયાર કરવામાં આવનાર છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 1:43 pm, Tue, 8 April 25