સીએમ ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે લોન્ચ કરશે નિરામય ગુજરાત યોજના, રાજ્યના ત્રણ કરોડ લોકોને મળશે લાભ
સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ તા.૧૨ નવેમ્બરે સવારે ૧૧.૩૦ કલાકે પાલનપુરથી જ્યારે સવારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ મહેસાણાથી આ નિરામય ગુજરાત યોજનાનો શુભારંભ કરાવશે.
ગુજરાત(Gujarat)સરકાર લોકોના આરોગ્ય(Health)પ્રત્યે વધુ ધ્યાન આપવા માટે નવી યોજના શરૂ કરવા જઇ રહી છે. જેમાં રાજ્ય સરકાર હાલ લોકોમાં વધી રહેલા બિન ચેપી રોગના નિદાન અને સારવાર અંગે ધ્યાન કેન્દ્રીત કરવા જઇ રહી છે. જેના ભાગરૂપે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ( Cm Bhupendra Patel)12 નવેમ્બરના રોજ પાલનપુરથી નિરામય ગુજરાત યોજનાની( Niramay Gujarat Yojana )શરૂઆત કરાવશે.
આ અભિયાન અંતગર્ત રાજ્યમાં 30 વર્ષથી વધુ વયના લોકોમાં બ્લડ પ્રેશર , ડાયાબિટીસ સહિતની બીમારીઓની નિયમિત તપાસ થાય તે માટે 3 કરોડથી વધુ લોકોની આરોગ્ય તપાસ માટે રાજ્ય સરકારે નિરામય ગુજરાત યોજના જાહેર કરી છે.
આ અંગે માહિતી આપતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલ તા.૧૨ નવેમ્બરે સવારે ૧૧.૩૦ કલાકે પાલનપુરથી, જ્યારે સવારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ મહેસાણાથી આ નિરામય ગુજરાત યોજનાનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત આ યોજનાના લોન્ચિંગ માટે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.
બીપી, હાર્ટએટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે ત્યારે આવા રોગો સામે કાળજી લેવા 30 વર્ષથી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે મમતા દિવસે તમામ પીએચસી, સીએચસી અને સરકારી હોસ્પિટલોમાં સ્ક્રીનિંગ કરાશે.
આ ઉપરાંત તેમને તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું નિરામય કાર્ડ પણ અપાશે. આવા રોગોના સ્ક્રીનિંગથી લઈ સારવાર સુધીની સુવિધા અપાશે, જેથી નાગરિકોનો અંદાજે 12થી 15 હજારનો ખર્ચ બચશે.
આમાં દર્દીઓને હેલ્થ આઈડીની નોંધણી કરાશે. જેના કારણે સારવાર સમય કોઈપણ તબીબને માહિતી મળી શકશે. કાર્ડ ઈસ્યુ કરવા માટે આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કિઓસ્ક મૂકાશે. વર્ષમાં બે વાર દરેક ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ ‘નિરામય’ કેમ્પનું આયોજન કરાશે.
દર્દીની તપાસ બાદ જો જરૂર જણાશે તો વધુ તપાસ માટે તજજ્ઞ તબીબ પાસે રિફર કરી શકાશે. દરેક દર્દીની સારવાર બાદ દર છ મહિને એક વાર તેનો ફોલોઅપ લેવાશે. રાજ્યની ૬૦૦થી વધુ ખાનગી અને ૧૬૦૦થી વધુ સરકારી હોસ્પિટલોમાં દર્દીના વિનામૂલ્યે સારવાર શક્ય બનશે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના ૩૦ વર્ષથી વધુ વયના ૩ કરોડથી વધુ એટલે કે ૪૦ ટકા નાગરિકોને સાંકળી લેતી નિરામય ગુજરાત યોજના નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ 2022 ની તડામાર તૈયારીઓ, પાંચ રાજ્યો અને વિદેશમાં પણ યોજાશે રોડ શો
આ પણ વાંચો : RAJKOT : બે વર્ષ બાદ લગ્ન સિઝન પૂર બહારમાં ખીલી, લગ્ન સાથે સંકળાયેલા ધંધાઓમાં તેજીનો માહોલ