મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરિમા સેલનું ઇ-લોન્ચિંગ કર્યું, શૈક્ષણિક સંસ્થાઓને વિવિધ પ્રકારના રેટિંગ અને રેંકિંગ મેળવવા માર્ગદર્શક બનશે
ગરિમા સેલના ઇ-લોન્ચિંગ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યુ કે,'ગરિમા સેલ' રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને નવી ઉર્જા, નવી દિશા આપવામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવશે.
મુખ્યમંત્રીના દિશા-નિર્દેશનમાં રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને વિવિધ પ્રકારના રેટિંગ અને રેંકિંગ મેળવવા માર્ગદર્શક એવી દેશની પ્રથમ સંસ્થા ‘ગરિમા’ ( State Quality Assurance Cell )ની સ્થાપના કરી રાજ્ય સરકારે નવતર પહેલ કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગરિમા સેલનું ઇ-લોન્ચિંગ અમદાવાદ (Ahmedabad) સાયન્સ સિટી ખાતેથી કર્યું હતુ. દેશમાં કાર્યરત પ્રથમ એવા આ “ગુજરાત એક્રેડિટેશન એન્ડ રેંકિંગ ઇન્સ્ટિટ્યુટ મિકેનિઝમ એન્ડ એરેન્જમેન્ટ- ગરિમા સેલનું” મુખ્યાલય આઇ.આઇ.ટી.ઇ(Indian Institute of Teachers Education) ખાતે કાર્યરત રહેશે.
‘ગરિમા સેલ’ રાજ્યના શિક્ષણ ક્ષેત્રની ગરિમાને વધુ ઉન્નત કરશે: CM
ગરિમા સેલનું ઇ-લોન્ચિંગ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ કે,’ગરિમા સેલ’ રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને નવી ઉર્જા, નવી દિશા આપવામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકહિતમાં શિકવેલી પરિણામલક્ષી કાર્યક્રમો કરવાની નીતિરીતિ આપણે જાળવી રાખી છે. ‘ગરિમા સેલ’ રાજ્યના શિક્ષણ ક્ષેત્રની ગરિમાને વધુ ઉન્નત કરશે. તેમણે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતના એજ્યુકેશન સેક્ટરનો ગ્રોથ આકાશને આંબ્યો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રે અવનવા બદલાવ આવી રહ્યા છે, નવી પહેલ થઇ રહી છે. વડાપ્રધાને જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ, રક્ષા શક્તિ, જળ શક્તિ અને જન શક્તિના આધાર સ્તંભ પર ગુજરાતની સર્વાંગીણ પ્રગતિ યાત્રા કરાવી છે. ગરિમા સેલની સ્થાપનાથી રાજ્ય સરકારે યાત્રાના એ માર્ગે વધુ એક પગલું ભર્યું છે.
આ સંદર્ભે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ આપતી સંસ્થા કાર્યરત છે. સેક્ટર સ્પેસિફિટ એજ્યુકેશન આપતી યુનિવર્સિટી ધમધમે છે. આ સંસ્થાઓને નેશનલ અને ઇન્ટરનેશલન લેવલે રેંકિંગ લેવા માટે તૈયાર કરવામાં ગરિમા સેલ ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વિકસી રહી છે: શિક્ષણ મંત્રી
તો આ અવસરે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, નરેન્દ્ર મોદીએ નવી શિક્ષણનીતિ આપીને દેશના એજ્યુકેશન સેક્ટરની કાયાપલટ કરવાનો પ્રારંભ કર્યો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વિકસી રહી છે, નવી ઉપલબ્ધિઓ મેળવી રહી છે. ગુજરાતની ખાનગી તેમજ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદેશના સેંકડો વિદ્યાર્થીઓ આવી અભ્યાસ કરી રહ્યા છે. ગરીમા સેલ રાજ્યની આવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને સંસ્થાઓની ગુણવત્તા જાળવવામાં મદદરૂપ બનશે એમ જણાવતા તેમણે કહ્યું કે, ગુજરાતમાં બે દાયકા પહેલા આઠ યુનિવર્સિટીઓ કાર્યરત હતી જે આજે વધીને 102 થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 20 વર્ષના સુશાસનની આ ફળશ્રુતિ છે.
તો બીજી તરફ શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે, ગરીમા સેલ કાર્યરત થવાથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવશે અને ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાઓની કાયાપલટ થશે. રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રેટિંગ એન્જસીઓ થકી સુપેરે મૂલ્યાંકન કરાવવામાં આ સેલ સહાયરૂપ બનશે. ગરીમા સેલ એક નવીન પહેલ છે જે રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને અત્યાધુનિક અને સમયાનુકુળ શિક્ષણ આપવાના માર્ગે હરણફાળ ભરવામાં માર્ગદર્શક બની રહેશે. શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને જરૂરી તાલીમ માર્ગદર્શન આપી ગરીમા સેલ મદદરૂપ બનશે.
ચંડીગઢ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સતનામ સિંધ સંધુએ કહ્યું કે, ગુજરાત સરકાર અને તેના શિક્ષણ વિભાગની કામગીરી અને અભિગમ ખૂબ જ પ્રશંશનીય છે. દેશના કોઈપણ રાજ્યમાં જ્યારે જઈએ છીએ ત્યારે ગુજરાતના સર્વાંગી વિકાસની ચર્ચા અવશ્ય સાંભળીએ છીએ. ગરિમા સેલથી ગુજરાત ટોપ રેન્કર અને ટોપ રેટેડ યુનિવર્સિટીઝ દેશને આપશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ગરિમા દ્વારા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને યુનિવર્સિટીઝ સાથે MOU થશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગરિમા સેલ ‘ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા કેન્દ્ર’ થકી ‘State Quality Assurance Centre’ તરીકેની ફરજો નિભાવશે. ગુજરાત રાજ્યની વધુ ને વધુ સંસ્થાઓ વિશ્વસ્તરે International Ranking, રાષ્ટ્રીય સ્તરે National Institutional Ranking Framework અને National Board of Accreditation (NBA) તેમજ રાજ્ય કક્ષાએ Gujarat state Ranking Framework (GSIRF) ઉપરાંત NIRF, ARIIA જેવા નોંધપાત્ર રેન્કીંગ પ્રાપ્ત કરે તે માટે ગરિમા દ્વારા આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ અને યુનિવર્સિટીઝ સાથે એમ.ઓ.યુ. દ્વારા પાર્ટનરશીપ કરવામાં આવશે અને આગામી વર્ષોમાં યોગ્ય તાલીમ અને માર્ગદર્શન થકી રાજ્યની 100% ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એક્રેડીટેશન મેળવે તેવા લક્ષ્યને સિદ્ધ કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘વિદ્યા સુરભિ’ (જ્ઞાન સુરભી) પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું. ચંદીગઢ યુનિવર્સિટી સાથે એમઓયુ એક્સચેન્જ પણ કરવામાં આવ્યા. શિક્ષણ વિભાગના સચિવ શ્રી એસ.જે. હૈદર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.