બાબા બાગેશ્વર ગુજરાતમાં વિશ્વ ઉમિયાધામમાં કરશે હનુમંત કથા, તડામાર તૈયારીઓ શરુ
વિશ્વ ઉમિયાધામ, અમદાવાદમાં જાન્યુઆરી 2024માં બાબા બાગેશ્વરની દિવ્ય હનુમાન કથાનું આયોજન થઈ રહ્યું છે. આ કથા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 29 ડિસેમ્બરે ભવ્ય બાઇક અને કાર રેલી યોજાશે. કથા 3 થી 6 જાન્યુઆરી સુધી ચાલશે. આ ધાર્મિક કાર્યક્રમ સનાતન ધર્મના પ્રચાર અને ઉમિયા માતાની આસ્થાને વધારવા માટેનું છે.
વિશ્વભરમાં સનાતન ધર્મ અને જગત જનની મા ઉમિયા આસ્થાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતી સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આગામી જાન્યુઆરી મહિનામાં સનાતન પર્વની ઉજવણી કરાઈ રહી છે. જેમાં વિશ્વપ્રસિદ્ધ બાબા બાગેશ્વરધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણશાસ્ત્રીજી અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વઉમિયાધામ મંદિરમાં દિવ્ય હનુંમત કથાનું રસપાન કરાવશે.
વિશ્વઉમિયાધામ દ્વારા આયોજિત દિવ્ય હનુમંત કથાના આયોજનના ભાગ રૂપે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં 1000થી વધુ ઉમાસેવકો પધાર્યા હતા. આ બેઠકમાં વિશ્વ ઉમિયા ધામના ટ્રસ્ટીઓ તમામ કમિટીના હોદ્દેદારો એવમ ઉમા સેવક મિત્રો હાજર રહ્યા હતા. વિશ્વ ઉમિયાધામમાં બાબા બાગેશ્વરની કથા માટે તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે.
‘સનાતન સમાજ માટે ખૂબ જ મહત્વનો કાર્યક્રમ’
બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથા અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ધામના પ્રણેતા એવમ પ્રમુખ આર પી પટેલે જણાવ્યુ હતુ કે ત્રણ થી છ જાન્યુઆરીએ યોજાનાર દિવ્ય હનુમંત કથા એ સમગ્ર સનાતન સમાજ માટે ખૂબ જ મહત્વનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં તમામ લોકો સહભાગી થઈ જગતજનની મા ઉમિયા આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાની છે.
જાણો શું છે બાબા બાગેશ્વરનો સમગ્ર કાર્યક્રમ
29 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદમાં ભવ્ય બાઈક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. 2 જાન્યુઆરી 2024 વિશ્વઉમિયાધામ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. 3 જાન્યુઆરી 2024ના રોજ બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. 4 જાન્યુઆરી 2024ના રોજ પણ બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. 5 જાન્યુઆરી 2024ના રોજ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર સવારથી જ યોજવામાં આવશે.તો 6 જાન્યુઆરી 2024ના રોજ બાબા બાગેશ્વરની દિવ્ય હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.