Ahmedabad: રખડતા ઢોર પકડવા AMCની કામગીરી પૂરજોશમાં, જોકે ઢોરવાડામાં વ્યવસ્થાની સ્થિતિ સાવ અલગ
અમદાવાદમાં (Ahmedabad) હવે ઢોર પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ઘોર નિંદ્રામાંથી જાગેલા મનપા તંત્રએ હવે ઢોર નિયંત્રણ માટે બે અધિકારીઓને જવાબદારી સોંપી દીધી છે.
રખડતા ઢોરના (Stray cattle) ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ત્યારે હાઇકોર્ટે (High Court) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) રાત-દિવસ 24 કલાક AMCની ઢોર પાર્ટી સતત ત્રણ દિવસ ઢોર પકડવાનું કામ કરે તેવો આદેશ કર્યો છે. તો આ તરફ અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) સંજય શ્રીવાસ્તવે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડવા આદેશ આપ્યો છે. સાથે જ રખડતી ગાયોને પકડવા AMCની મદદ કરવાની પણ પોલીસને જવાબદારી સોંપી છે. ત્યારે અમદાવાદ મનપાની ટીમ હવે રખડતા ઢોર પકડવાની કામગીરી પૂરજોશમાં કરી રહી છે.
ઢોર નિયંત્રણ માટે બે અધિકારીઓને જવાબદારી સોંપાઇ
અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરને પકડવા માટે હવે મનપા તંત્ર પૂરજોશમાં કામ કરી રહ્યું છે. હાઈકોર્ટનો આદેશ છે એટલે તેનું પાલન મહાનગરપાલિકાએ સ્વાભાવિક રીતે કરવુ જ પડે. તેથી હવે ઢોર પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ઘોર નિંદ્રામાંથી જાગેલા મનપા તંત્રએ હવે ઢોર નિયંત્રણ માટે બે અધિકારીઓને જવાબદારી સોંપી દીધી છે. આ અધિકારીઓ હવે રસ્તા પર રખડતા ઢોરને પકડવાની કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં તે અને કામગીરીમાં કેવા સુધારાની જરૂર છે તેનું સતત નિરીક્ષણ કરશે. મનપાએ ત્રણ શિફ્ટમાં 150 જેટલા કર્મચારીઓની 20 જેટલી ટીમને જવાબદારી સોંપી છે. સાથે જ 8 ટીમને બંદોબસ્ત પોઇન્ટની જેમ તહેનાત રહેવા માટેની જવાબદારી સોંપાઈ છે.
TV9 ગુજરાતીની ટીમને ઢોરવાડામાં ન કરવા દેવાયો પ્રવેશ
મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે, બાદમાં આ ઢોરને મનપાના ઢોરવાડામાં લઈ જવામાં આવે છે અને રાખવામાં આવે છે. આવો જ એક ઢોરવાડો દાણીલીમડામાં પણ છે. જોકે દાણીલીમડામાં આવેલા ઢોરવાડમાં કેવી વ્યવસ્થા છે તે જોવા માટે જ્યારે ટીવીનાઈનની ટીમ પહોંચી તો ટીમને અંદર પ્રવેશ કરવા દેવામાં ન આવ્યો. મીડિયાની ટીમ ઢોરવાડમાં પ્રવેશ ન કરે તે માટે ઢોરવાડાના દરવાજા આગળ કર્મચારીઓને તહેનાત કરી દેવામાં આવ્યા. જો કે બીજી રીતે તપાસ કરતા જોવા મળ્યું કે ઢોરવાડામાં રાખવામાં આવેલા કેટલાક પશુઓ બીમાર હતા. આ દ્રશ્યો અને ઢોરવાડાની પોલ ખુલ્લી ન પડે તે માટે મીડિયાને પ્રવેશ કરવા દેવામાં નહોતો આવ્યો.