આવક કરતા 306 ટકા વધુ સંપત્તિ મુદ્દે અમદાવાદ મનપાના અધિકારી સુનિલ રાણા પર તવાઈ, એસીબીએ ગુનો નોંધતા તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ- વીડિયો
અમદાવાદ મહાનગરપાલિકાના ક્લાસ 2 અધિકારી સુનિલ રાણા સામે ACBએ અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધ્યો છે. સુનિલ રાણાની તપાસમાં તેમની આવક કરતા 306 ટકા વધુ મિલક્ત મળી આવી છે. 3 ફ્લેટ અને 1.50 કરોડની એફડી. આ તમામ વિગતો સામે આવ્યા બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અમદાવાદના શાહપુર વોર્ડ ઈન્સપેક્ટર સુનિલ રાણા જે એસ્ટેટ વિભાગના ક્લાસ ટુ અધિકારી છે તેમની સામે અુપ્રમાણસર મિલ્કત મળી આવતા એસીબી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુનિલ રાણા સામે તેમની આવક કરતા 306 ટકા વધુ મિલક્ત મળી આવતા એસીબીએ ફરિયાદ નોંધી છે. સુનિલ રાણાએ તેમના વર્ષ 2010 થી 2020ના કાર્યકાળ દરમિયાન જે મિલક્ત બનાવી તેમાં 3 ફ્લેટ અને 1.50 કરોડની એફડીનો સમાવેશ થાય છે
સુુનિલ રાણા પાસે આવક કરતા 306 ટકા વધુ મિલ્કત
એસ્ટેટ વિભાગના અધિકારી તરીકે કાર્યરત સુનિલ રાણાનો તત્કાલિન સમયે 82 હજારનો પગાર હતો અને 10 વર્ષના સમયગાળામાં તેમણે 2 કરોડ 7 5લાખની બેનામી સંપત્તિ કેવી રીતે બનાવી તે સૌથી મોટો સવાલ છે. અધિકારીએ તેમની આવકથી 306 ટકા વધુ આવકની મિલક્તો ઉભી કરી અને જેમા અલગ અલગ બેંકમાં 84 જેટલી દોઢ લાખની એફડીનો પણ સમાવેશ થાય છે.
સુનિલ રાણા પાસેથી મળી આવેલી મિલક્ત
- ગાંધીનગર સુઘડ ગામમાં શ્રી બાલાજી અઘોરા ફલેટ નંબર – 2 – એફ – 9 પત્ની મનીષા રાણાના નામે વર્ષ -2014 માં રૂ.16.08 લાખમાં ફલેટ
- વૈષ્ણોદેવી સર્કલ પાણીની ટાંકી પાછળ આવેલા જેસ્મીન ગ્રીન – 1 માં ફલેટ નંબર – સી – 503 પત્ની મનીષા રાણાના નામે 2019 માં રૂ.19.85 લાખમાં ફલેટ
- માણેકચોક, ખાડિયા ખેતરપાળાની પોળમાં વોર્ડ નંબર- 3 માં દીકરી યાજ્ઞીના નામે વર્ષ 2018માં રૂ.13.11 લાખમાં ખરીદયું હતું મકાન
- અલગ અલગ બેંકમાં 84 ફિક્સ ડિપોઝીટ
ફરિયાદ નોંધાયા બાદ બઈમાન બાબુ સુનિલ રાણા ભેદી રીતે ગાયબ
હાલ એસીબીએ ફરિયાદ નોંધ્યા બાદથી સુનિલ રાણા ગાયબ છે. અમારા સંવાદદાતા જ્યારે તેમના ઘરે પહોંચ્યા તો પરિવારજનોનું કહેવુ છે કે તેમને ફસાવવામાં આવ્યા છે. તેમની પાસે રહેલા ત્રણ મકાનોની કિંમત 50 લાખ પણ નથી. જોકે આ બેનામી બાબુ છેલ્લા ઘણા સમયથી એસીબીની રડારમાં હતા અને તેમની સામે પુરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ હતી. આ તમામ વિગતો બહાર આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે સવાલ એ છે કે 82 હજારના પગાર પર આટલી અધધ મિલક્ત કેવી રીતે બનાવી લીધી! જો કે હાલ તો સુનિલ રાણા ગાયબ છે, તેમની પૂછપરછમાં જ આ તમામ સવાલો પરથી પરદો ઉંચકાશે. ક્યારે કોની સાથે કેટલો તોડ કર્યો આ સાહેબે તે તમામ બાબતો તેમના પકડાયા બાદ જ સામે આવશે.
હાલ અધિકારીના ભ્રષ્ટાચારનો ભાંડો ફુટતા એએમસીના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી કમિશનરે બોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે આ બાબુએ ફેલાવેલી ભ્રષ્ટાચારની જાળથી શું એએમસી અજાણ હતી! એએમસીને તેમના ભ્રષ્ટાચારની શું કોઈ જ જાણકારી ન હતી !
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો