ભારતનું બંધારણ We, the People થી શા માટે શરૂ થાય છે ? તેનો જવાબ તમને આશ્ચર્યચકિત કરી દેશે, જાણો
ભારતનું બંધારણ "અમે, ભારતના લોકો" (We, the People) થી શા માટે શરૂ થાય છે? આજની કોલમમાં, સંતોષ નાયર આ ચાર શબ્દો પાછળનો અર્થ, બંધારણ સભાનો ઇતિહાસ અને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા તથા બંધુત્વના એ સંકલ્પની ચર્ચા કરે છે. જે ભારતની લોકશાહીને સતત ઘડી રહ્યા છે.

26 જાન્યુઆરી 1950ની સવારે 10 : 18 વાગ્યે, દિલ્હીમાં આવેલા ‘ગવર્નમેન્ટ હાઉસ’ના ઊંચા ગુંબજવાળા ‘દરબાર હોલ’માં, ચક્રવર્તી રાજગોપાલાચારી નામના એક વ્યક્તિએ એક ઘોષણાપત્ર વાંચી સંભળાવ્યું અને ત્યારબાદ શાંતિપૂર્વક પોતાના પદ પરથી વિદાય લીધી. તેઓ ભારતના છેલ્લા ગવર્નર-જનરલ હતા. થોડી જ મિનિટો પછી, રાજેન્દ્ર પ્રસાદે શપથ લીધા અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. સલામી રૂપે 31 તોપોની સલામી આપવામાં આવી.
તે ક્ષણ એ જ છે જેને આપણે દર વર્ષે ‘પ્રજાસત્તાક દિવસ’ તરીકે ઉજવીએ છીએ. પરંતુ તે એક એવો પ્રશ્ન ઊભો કરે છે જે આપણામાંથી મોટા ભાગના લોકો ક્યારેય પૂછતા નથી. ભારત15 ઓગસ્ટ 1947 થી જ આઝાદ થઈ ચૂક્યું હતું. તો પછી, અઢી વર્ષ બાદ જાન્યુઆરીની તે સવારે બરાબર શું બદલાયું? તેનો સાચો જવાબ શું છે.
રાજાના પ્રતિનિધિ તરીકે કાર્યરત
1947 અને 1950 વચ્ચે, ભારત સ્વતંત્ર તો હતું, પરંતુ તે હજુ ‘પ્રજાસત્તાક’ નહોતું. તે ‘ડોમિનિયન’ (અધિરાજ્ય) કહેવાતી સ્થિતિમાં હતું. એટલે કે સ્વ-શાસિત હોવા છતાં, ઔપચારિક રીતે બંધારણીય રાજાશાહી હેઠળ હતું, જેમાં યુનાઇટેડ કિંગડમના રાજા જ્યોર્જ છઠ્ઠા કાગળ પર ભારતના રાજા તરીકે યથાવત હતા. સ્થાનિક સ્તરે તેમનું પ્રતિનિધિત્વ ગવર્નર-જનરલ કરતા હતા. પહેલા લોર્ડ માઉન્ટબેટન અને પછી રાજગોપાલાચારી જેઓ દુનિયાના બીજા છેડે બેઠેલા રાજાના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. તે દરમિયાન, દેશનું સંચાલન હજુ પણ 1935ના જૂના ‘ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ’ (ભારત સરકાર અધિનિયમ) હેઠળ થતું હતું.
આ એ જ કાયદો હતો જે તે જ સંસ્થાનવાદી સરકાર દ્વારા ઘડવામાં આવ્યો હતો.ત્યાં સુધીમાં ભારતનું કોઈ બંધારણ નહોતું. ભારતના કોઈ રાષ્ટ્રપતિ નહોતા. ઔપચારિક રીતે, અંતિમ નિર્ણયનો અધિકાર હજુ પણ વારસાગત રાજસત્તા પાસે જ હતો.
સર્વોચ્ચ પદ વારસામાં મળતું નથી
પ્રજાસત્તાક હોવાનો મુખ્ય તફાવત આ જ છે. સ્વતંત્રતા નહીં કારણ કે ભારત પાસે તે પહેલેથી જ હતી. પ્રજાસત્તાક એ એવો દેશ છે જ્યાં સર્વોચ્ચ પદ વારસામાં મળતું નથી. પ્રજાસત્તાકમાં કોઈ વ્યક્તિ માત્ર કોઈ ચોક્કસ પરિવારમાં જન્મ લેવાને કારણે રાજ્યના વડા બનતી નથી. તેઓ એવી પ્રક્રિયા દ્વારા તે પદ સુધી પહોંચે છે જેના પર લોકો અથવા તેમના પ્રતિનિધિઓનું નિયંત્રણ હોય છે. જેમ કે ચૂંટણી, નિમણૂક અથવા બંધારણના નિયમો અને સિદ્ધાંત મુજબ, તેમને તે જ રીતે પદ પરથી હટાવી પણ શકાય છે.
રાજશાહીમાં સત્તા લોહીના સંબંધો (વારસા) દ્વારા હસ્તાંતરિત થાય છે. જ્યારે પ્રજાસત્તાકમાં તે એક દસ્તાવેજ (બંધારણ) દ્વારા સોંપવામાં આવે છે. બંધારણ સભાએ જ્યારે ડૉ. બી.આર. આંબેડકરના અધ્યક્ષપદ હેઠળની મુસદ્દા સમિતિ (ડ્રાફ્ટિંગ કમિટી) મારફતે કામ કર્યું, તે અઢી વર્ષના ગાળા દરમિયાન ભારત એક વિચિત્ર મધ્યવર્તી સ્થિતિમાં હતું.વ્યવહારમાં તે સંસ્થાનવાદી શાસનથી મુક્ત હતું, પરંતુ કાગળ પર હજુ પણ રાજશાહીનું આવરણ ઓઢેલું હતું. આખરે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા બંધારણ અપનાવવામાં આવ્યું. અને ત્યારબાદ, જાણી જોઈને, તેને અમલમાં મૂકવાની કોઈ ઉતાવળ કરવામાં આવી નહીં.
26 જાન્યુઆરી સુધી રાહ જોઈ
બંધારણને અમલમાં લાવવા માટે સભાએ વધુ બે મહિના, એટલે કે 26 જાન્યુઆરી સુધી રાહ જોઈ. આ તારીખ કોઈ આકસ્મિક પસંદગી નહોતી. તે 26 જાન્યુઆરી 1930ના દિવસથી બરાબર વીસ વર્ષ પૂરા થવાની નિશાની હતી. તે દિવસે લાહોરમાં રાવી નદીના કિનારે યોજાયેલા અધિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સ્વતંત્રતા મળવાના ઘણા વર્ષો પહેલાં જ ‘પૂર્ણ સ્વરાજ’ (સંપૂર્ણ આઝાદી) ને પોતાનું લક્ષ્ય જાહેર કર્યું હતું. પ્રજાસત્તાક બનવા માટે તે તારીખની પસંદગી કરવી એ ભારત દ્વારા બે દાયકા પહેલાં શરૂ કરાયેલી પ્રક્રિયાને પૂર્ણ કરવા સમાન હતું.
ભારત પર તેમનો કોઈ બંધારણીય અધિકાર રહેશે નહીં
તે સવારથી જ, બંધારણ પોતે દેશનું સર્વોચ્ચ સત્તામંડળ બની ગયું અને તેણે જૂના સંસ્થાનવાદી કાયદા તેમજ દૂર બેઠેલા બ્રિટિશ રાજવી (ક્રાઉન) બંનેનું સ્થાન લઈ લીધું. રાજેન્દ્ર પ્રસાદ જન્મના આધારે નહીં, પરંતુ બંધારણમાં નિર્ધારિત પ્રક્રિયા દ્વારા રાષ્ટ્રપતિ બન્યા. રસપ્રદ વાત એ છે કે, પ્રજાસત્તાક હોવા છતાં ભારતે ‘કોમનવેલ્થ’ (રાષ્ટ્રમંડળ) માં જોડાયેલા રહેવાનું પસંદ કર્યું. આ સમજૂતી તેના આગલા વર્ષે લંડનમાં યોજાયેલી કોમનવેલ્થ પરિષદમાં સધાઈ હતી, જેમાં નક્કી થયું હતું કે ભારત બ્રિટિશ રાજવીને માત્ર કોમનવેલ્થના પ્રતીકાત્મક વડા તરીકે માન્યતા આપશે, પરંતુ ભારત પર તેમનો કોઈ બંધારણીય અધિકાર રહેશે નહીં.
આમાંની કોઈ પણ બાબત 15 ઓગસ્ટ 1947ની ઘટનાને બદલતી નથી. તે દિવસ આજે પણ યોગ્ય રીતે એ દિવસ તરીકે ઓળખાય છે જ્યારે સ્વતંત્રતા સંગ્રામની મુખ્ય માંગ સિદ્ધ થઈ હતી. પરંતુ 26 જાન્યુઆરી 1950એ એક વધુ શાંત અને માળખાગત પ્રશ્નનો જવાબ આપ્યો.બ્રિટિશરો ગયા પછી, આઝાદી કોનાથી અને શાસન વ્યવસ્થા કેવી હશે? ભારતે પોતાને જે જવાબ આપ્યો તે હતો. લેખિત બંધારણ અને ચૂંટાયેલા રાષ્ટ્રપતિ, નહીં કે પોતાની પસંદગીનો કોઈ નવો રાજા.
પ્રજાસત્તાક દિવસની પરેડ કેમ ખાસ
રાજપથ પર યોજાતી પ્રત્યેક પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેન્કો, લોક નૃત્યકારો અને ચોક્કસ રચનામાં ઉડતા ફાઈટર જેટ્સનું પ્રદર્શન કરવામાં આવે છે. આ બધું જોતી વખતે જે મુખ્ય ઉદ્દેશ્ય ઉજવવામાં આવી રહ્યો છે તે ચૂકી જવું સરળ છે. હકીકતમાં, આ પરેડ માત્ર ભારત આઝાદ છે. તે વાતની ઉજવણી નથી કરતી. આ દિવસ એક એવી બાબતની ઉજવણી કરે છે જે વધુ શાંત છે અને, પોતાની રીતે કહીએ તો, વધુ સંઘર્ષ બાદ પ્રાપ્ત થઈ છે. તે એ કે આ એક દિવસથી ભારતમાં સત્તાનું મૂળ ‘રાજમુકુટ’ (શાહી સત્તા) મટીને એક એવો ડોક્યુમેન્ટ બન્યો, જેની શરૂઆત જ “અમે, ભારતના લોકો” (We, the people) શબ્દોથી થાય છે.
જ્યારે આગામી 26મી જાન્યુઆરી આવે, ત્યારે માર્ચિંગ બેન્ડના સંગીતની વચ્ચે કદાચ એ સવાલ પૂછવો યોગ્ય રહેશે કે, 1950માં કરવામાં આવેલું એ વચન શું 2026માં પણ આપણા રોજિંદા જીવનનું સંચાલન કરી રહ્યું છે? કે પછી ‘રાજમુકુટ’ની એ જૂની ખુરશી પર ચૂપચાપ કોઈ બીજી જ સત્તા આવી બેઠી છે?
સ્ત્રોત: Scroll.in, “January 26, 1950: How India’s First Republic Day Unfolded”; The Better India, “Republic Day History”; The Quint, “Birth of a Nation: Looking Back at India’s First Republic Day”; ભારતનું બંધારણ,1950. લંડન ઘોષણાપત્ર, કોમનવેલ્થ વડાપ્રધાન પરિષદ, 1949