રામ મંદિરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં જ જોવા મળ્યા ફાંટા, અમરીશ ડેર, અર્જુન મોઢવાડિયાએ હાઈકમાનના નિર્ણય સામે દર્શાવી નારાજગી- વીડિયો
રામ મંદિરના આમંત્રણનો સાદર અસ્વિકાર કરવા મુદ્દે કોંગ્રેસ પક્ષમાં આંતરિક મતમતાંતર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હાઈકમાનના નિર્ણય સામે નારાજગી દર્શાવી છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવ માટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અને વીએચપી તરફથી કોંગ્રેસને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેમા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને લોકસભામાં કોંગ્રેસના નેતા વિપક્ષ અધિરરંજન ચૌધરીને આમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ. જો કે કોંગ્રેસ પક્ષ તરફથી આ આમંત્રણનો સાદર અસ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાનના આ નિર્ણય સામે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ નારાજગી દર્શાવી છે.
અર્જુન મોઢવાડિયાએ હાઈકમાનના નિર્ણય સામે દર્શાવી નારાજગી
પોરબંદરથી કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા રહેલા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ હાઈકમાનના નિર્ણય સામે નારાજગી દર્શાવી અને જણાવ્યુ કે ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. તે દેશવાસીઓની આસ્થાનો વિષય છે. કરોડો હિંદુઓની આસ્થા તેની સાથે જોડાયેલી છે આથી જ કોંગ્રેસ હાઈકમાને આ અંગે રાજકારણથી દૂર રહેવુ જોઈએ.
આમંત્રણના અસ્વીકાર મુદ્દે અમરીશ ડેરે વ્યક્ત કર્યો રોષ
આ તરફ રાજુલાના પૂર્વ MLA અને કોંગ્રેસ નેતા અમરીશ ડેરે પણ કોંગ્રેસ હાઈકમાનના રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.
‘મને આમંત્રણ મળતુ તો હું જતો’- હેમાંગ રાવલ, ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા
બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પણ તેમના તિલક સાથેનો એક ફોટો ટ્વીટ કરીને લખ્યુ કે ‘જો રામ મંદિરનું આમંત્રણ મને મળ્યુ હોત તો હું અવશ્ય જાત’
ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો મળી ગયો મોકો
આ તરફ ભાજપને પણ કોંગ્રેસે આ આમંત્રણનો અસ્વીકાર કરતા પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રીવેદીએ પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ પાસે પોતાના પાપ ધોવાનો અવસર હતો પરંતુ તેઓ ચુકી ગયા.
ગુજરાત કોંગ્રેસના નેતાઓએ હાઈકમાનના નિર્ણય સામે નારાજગી બતાવતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ડેમેજ કંટ્રોલની મુદ્રામાં જોવા મળ્યા. તેમણે અર્જુન મોઢવાડિયાના નિવેદનને તેમનો અંગત મત ગણાવતા કહ્યુ કે તેમના પક્ષમાં દરેકને પોતાનો નિર્ણય જાહેર કરવાનો અધિકાર છે.
આ પણ વાંચો : પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમને લખ્યો પત્ર, આ કાયદામાં ફેરફાર કરવા અંગે કરી રજૂઆત- વીડિયો
શક્તિસિંહે શંકરાચાર્યનું કારણ આગળ ધર્યુ
વધુમાં શક્તિસિંહે અયોધ્યા નહીં જવા મુદ્દે શંકરાચાર્યનું કારણ આગળ ધર્યુ અને જણાવ્યુ કે ખુદ શંકરાચાર્ય કહી ચુક્યા છે કે જ્યા સુધી રામ મંદિરનું કામ અધુરુ હોય ત્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે તો કોંગ્રેસ તેમના આદેશનુ ઉલ્લંઘન કેવી રીતે કરી શકે. શક્તિસિંહે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભાજપની ઈવેન્ટ સાથે સરખાવ્યો અને આરોપ લગાવ્યો કે ભાજપ રામના નામે રાજનીતિ કરી રહી છે અને મતબેંક અંકે કરવાનો પ્રયાસ કરી રહ્યુ છે. જો કે અહીં સવાલ કોંગ્રેસ પક્ષ સામે પણ ઉઠી રહ્યા છે કે ભાજપ રામના નામે મતબેંક અંકે કરી રહી છે તો કોંગ્રેસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર કરીને કોંગ્રેસ ક્યા પ્રકારની રાજનીતિ કરી રહી છે? કોને ખુશ કરી રહી છે ?
યુપી કોંગ્રેસ પ્રભારી અજય રાયની મોટી જાહેરાત
કોંગ્રેસના આમંત્રણ વિવાદ વચ્ચે 15મી જાન્યુઆરીએ કોંગ્રેસ નેતાઓ જશે અયોધ્યા. આ જાહેરાત યુપી કોંગ્રેસના પ્રભારી અજય રાયે કરી છે. અજય રાયે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિવાદ મુદ્દે પ્રતિક્રિયા આપી અને કોંગ્રેસ રામનું સન્માન કરતી હોવાની વાત કરી. તેઓએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ નેતાઓ 15 જાન્યુઆરીએ સરયુમાં સ્નાન કરશે, રામગઢી અને હનુમાન ગઢીમાં દર્શન કરશે.
કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્ણમે કોંગ્રેસ વિરૂદ્ધ ફેલાવાઇ રહેલી વાતોને અફવા ગણાવી. તેઓએ આરોપ લગાવ્યો કે ખોટી વાતો કરીને કેટલાક લોકો ભારતની ગૌરવ ગાથાને નુકસાન પહોંચાડી રહ્યા છે.