અમદાવાદમાં સાબરમતી નદીની સફાઈ કામગીરી મનપાએ હાથ ધરી છે..સાબરમતી સફાઈ ઝૂંબેશને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે..નદી સફાઈના પ્રથમ દિવસે જ 70 ટન જેટલો કચરો નદીમાંથી કાઢવામાં આવ્યો હતો. આ પહેલીવાર નથી કે જ્યારે નદીની સફાઈ થઈ રહી હોય. આ અગાઉ 2019માં પણ આવી જ રીતે નદી સાફ કરી 500 ટન કચરો બહાર કઢાયો હતો. હવે ફરીવાર સફાઈની શરૂઆત કરાઈ છે ત્યારે પર્યાવરણવિદે નદીની સફાઈની પ્રક્રીયાને થીગડા મારવાની પ્રક્રિયા સાથે સરખાવી રહ્યા છે. પર્યાવરણવિદનો દાવો છે કે નદીમાંથી કચરો અને કાપ તો નીકળી જશે પણ જ્યાં સુધી ગંદુ પાણી અને સમગ્ર નદીને સાફ નહીં કરવામાં આવે ત્યાં સુધી નદી સાફ નહીં થાય
2022માં લોકસભામાં રજૂ કરાયેલા ‘સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’ ના રિપોર્ટ અનુસાર સાબરમતી ભારતની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ કેન્દ્ર સરકારે ગુજરાતની સાબરમતી અને મીંઢોળા નદીની સફાઈ માટે 2017-18ની સ્થિતિએ 808.53 કરોડ રૂપિયા મંજુર કર્યા હતા. જેમાંથી એ જ વર્ષે 333.26 કરોડનું ફંડ રિલીઝ કરાયું હતું. આ સિવાય લોકસભાના આંકડાઓ મુજબ નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન હેઠળ ગુજરાતની સાબરમતી અને મીંઢોળા નદીની માટે કેન્દ્ર સરકારે 2014-15માં 44 કરોડ, 2016-17 માં 71.40 કરોડ અને 2017-18માં 62 કરોડની ફાળવણી કરી હતી. કોંગ્રેસે પણ નદીની સફાઈ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
એક તરફ અમદાવાદમાં સાબરમતી નદીના બન્ને કાંઠે બનાવાયેલો રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર છે તો બીજી તરફ બન્ને રિવરફ્રન્ટની વચ્ચેથી વહી રહેલા પાણીની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા છે. tv9 ની ટીમ સાબરમતી નદીના ખાલી પટમાં પહોંચી ત્યારે વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ લાઈનમાં ગટરના પાણી વહેતા જોવા મળ્યા. જે બાબતે અગાઉ હાઇકોર્ટે પણ સુઓમોટો લઈ સરકારને ફટકાર આપી હતી. પરંતુ હજુ સમસ્યા ઠેરની ઠેર છે.
Published On - 4:13 pm, Tue, 20 May 25