અમદાવાદના ગોમતીપુર વિસ્તારના રહીશો બદ્દતર સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે. છેલ્લા બે દિવસથી અવિરત વરસાદને પગલે ગોમતીપુર વિસ્તારમાં મોટી માત્રામાં પાણી ભરાઈ ગયા છે. અનેક લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગઈકાલે સ્થિતિ એવી હતી કે તેઓ આખો દિવસ ઘરમાં ભરાયેલા પાણી બહાર ઉલેચવામાં લાગેલા રહ્યા હતા. પરંતુ પાલિકા દ્વારા તેમને કોઈ મદદનો હાથ લંબાવાયો નથી. મદદ તો છોડો પાલિકા દ્વારા પાણીના નિકાલની પણ કોઈ વ્યવસ્થા કરાઈ નથી.
ગોમતીપુર ફાયર સ્ટેશનથી લઈને ગોમતીપુર પોલીસ સ્ટેશન સુધીનો સમગ્ર રોડ પાણીમાં ગરકાવ થયો છે. દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં આ જ પ્રકારે પાણી ભરાય છે અને વરસાદ રહી ગયા બાદ પણ બે ત્રણ દિવસ સુધી પાણી ઓસરતા નથી છતા મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રોમ વોટરના નિકાલની કોઈ નક્કર કામગીરી થતી નથી. આ વિસ્તારોમાં એટલી હદે પાણી ભરાવાની સમસ્યા છે કે અહીં અવરજવર કરવી પણ મુશ્કેલ બનતી હોય છે. નાના વાહનધારકો તો અહીંથી નીકળે તો તેમના વાહનો બંધ પડી જવાની પુરી સંભાવના છે. સમગ્ર વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયો હોવાથી અહીંના સ્થાનિકો પારાવાર પરેશાની વેઠી રહ્યા છે અને બે હાથ જોડી મદદ માટે આજીજી કરતા જોઈ શકાય છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં પાણી ભરાયેલા છે પરંતુ કોર્પોરેશનના કોઈ જ અધિકારીઓ અહીં ફરક્યા શુધ્ધા નથી.
જો કે મોટો સવાલ એ છે કે એકતરફ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલના માટે ડ્રેનેજની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે, પરંતુ વરસાદ વરસ્યા બાદ એ તમામ દાવાઓ પોકળ સાબિત થાય છે. વરસાદ રહી ગયા બાદ પણ અનેક દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે જેના કારણે સ્થાનિકોને ભારે સમસ્યા ભોગવવી પડે છે. મોટી સંખ્યામાં રોગચાળો પણ ફેલાય છે. છેલ્લા અનેક વર્ષોથી અહીં પાણી ભરાવાની સમસ્યા છે અને હાલ પણ કહેવાતા સ્માર્ટ સિટીના રહીશોને આ સમસ્યામાંથી નિજાત મળી નથી.
અમ્યુકો.ના સત્તાધિશોના દાવા સામે વિપક્ષે દાવો કર્યો છે કે અમદાવાદના 70% થી વધુ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ ડ્રેનેજ લાઈનની જ વ્યવસ્થા નથી અને થોડા વરસાદમાં જ સમગ્ર અમદાવાદ જાણે ટાપુમાં ફેરવાઈ જાય છે. લોકો ગંદા પાણી વચ્ચે જીવવા મજબુર બને છે. અમદાવાદને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની ડીંગો હાંકતા નેતાઓ અને કોર્પોરેશનના અધિકારીઓની આ ડંફાસની પોલ દર વર્ષે થોડા વરસાદમાં જ ખુલ્લી પડી જાય છે. દર વર્ષે વરસાદમાં કરોડોના ખર્ચે બનાવાયેલા રોડ રસ્તા તૂટી રહ્યા છે અને ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે. છતા નઘરોળ જાડી ચામડીના આ અધિકારીઓ વિકાસકામોમાં ભ્રષ્ટાચાર કરવાનું છોડતા નથી અને તેનો ભોગ દર વર્ષે જનતા બની રહી છે. દર વર્ષે વરસાદી સીઝનમાં શહેરના માર્ગો પર 2-2 ફુ઼ટ સુધી પાણી ભરાઈ જાય છે છતા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ થતી નથી.
ગોમતીપુર ફાયર સ્ટેશનથી પોલીસ સ્ટેશન સુધીના સમગ્ર વિસ્તારમાં થોડા મહિના પહેલા જ કોર્પોરેશન દ્વારા વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે. જેમા તંત્ર ડ્રેનેજ લાઈનની કામગીરી કરવાનું જ ભૂલી જ ગયુ હોય તેવા દૃશ્યો હાલ સામે આવી રહ્યા છે અને ફરી એકવાર નવા નક્કોર બનેલા આ વ્હાઈટ ટોપિંગ રોડની કામગીરી સામે પણ સવાલ ઉદ્દભવી રહ્યા છે. આ માત્ર એક રોડની વાત નથી શહેરમાં જ્યા જ્યાં પણ આ પ્રકારના વ્હાઈટ ટોપિંગ આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે ત્યા આ જ પ્રકારની બેદરકારી સામે આવી છે અને નઘરોળ તંત્ર તમાશો જોઈ રહ્યુ છે.
Published On - 5:29 pm, Tue, 27 August 24