Ahmedabad : ભોજનનો ફીકો પડેલો સ્વાદ પરત આવ્યો, શાકભાજીના ભાવમાં થયો ઘટાડો
બે મહિનાથી શાકભાજીના ભાવે સદી વટાવેલી હતી, ટામેટાના (Tomato) ભાવે ઐતિહાસિક ડબલ સદી વટાવી હતી. જેના કારણે લોકો શાકભાજીની ઓછી કરતા હતા. પરંતુ હવે શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં લોકોએ ફરી એકવાર ખરીદી કરવાનું શરૂ કર્યું છે.
Ahmedabad : છેલ્લા બે મહિનાથી શાકભાજીના (vegetables) ભાવને લઈને ગૃહિણીઓનું બજેટ (Budget) ખોરવાયેલુ છે. જેના કારણે ભોજનનો સ્વાદ પણ ફીકો થયો હતો. બે મહિનાથી શાકભાજીના ભાવે સદી વટાવેલી હતી, ટામેટાના (Tomato) ભાવે ઐતિહાસિક ડબલ સદી વટાવી હતી. જેના કારણે લોકો શાકભાજીમાંથી ટામેટાની બાદબાકી કરી રહ્યા હતા. પરંતુ હવે શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં લોકોએ ફરી એકવાર ખરીદી કરવાનું શરૂ કર્યું છે. ભોજનનો ફિકો પડેલો સ્વાદ લોકોને પરત મળતો દેખાઈ રહ્યો છે. હજુ પણ એક સપ્તાહથી દસ દિવસ બાદ ભાવમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. જેનાથી લોકોને હજુ પણ વધુ રાહત મળશે.
અગાઉ શાકભાજીનો ભાવ આટલો હતો
- 12 માર્ચ 40 રૂપિયે કિલો
- 23 જૂન 60 થી 80 રૂપિયે કિલો
- 7 જુલાઈ 100 થી 140 રૂપિયે કિલો
- 28 જુલાઈ 140 થી 160 રૂપિયે કિલો
- 3 ઓગસ્ટ 200 રૂપિયે કિલો
- 10 ઓગસ્ટ ઘટી 140 રૂપિયે કિલો
છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. જમાલપુર APMC બહારના બજારના વેપારીઓનું માનીએ તો તેમની 30થી 40 વર્ષની કારકિર્દીમાં આટલો ભાવ વધારો તેમણે પહેલી વખત જોયો છે, અગાઉ 3 વર્ષ પહેલાં ટામેટા 80 થી 90 રૂપિયે કિલોના ભાવે પહોંચ્યા હતા, પરંતુ આટલો ભાવ વધારો તેમણે તેમની કારકિર્દીમાં ક્યારેય જોયો નથી. જો કે હવે ધીરે ધીરે ટામેટાના ભાવમાં પણ ઘટાડો નોંધાવાનું શરૂ થઈ ચૂક્યું છે.
વેપારીઓનું કહેવું છે કે બેંગ્લોરમાં પડેલા વરસાદના કારણે પાકને થયેલા નુકસાનથી બેંગ્લોરથી આવતા ટામેટાની આવક ઘટી છે. જેના કારણે ટામેટાના ભાવ સતત ઉચકાયા હતાઅને ટામેટાના ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યા હતા. જેના કારણે બજારમાં 20 ટ્રકોની જરૂરિયાત હતી તેની સામે માત્ર ચાર ટ્રકો જ આવી રહી હતી. જેથી ડિમાન્ડ સામે આવક ઓછી અને નુકસાન વધુ આ તમામ પરિબળોના કારણે ટમેટાના ભાવ ઉચકાયા હતા. જોકે હવે બેંગ્લોરમાં વરસાદી પરિસ્થિતિ સામાન્ય બનતા અને આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો નોંધાવાનું શરૂ થઈ ગયું છે. વેપારીનું માનીએ તો એક સપ્તાહ કે 10 દિવસમાં ટામેટાના ભાવ હજુ ઘટી 100 ની આસપાસ પહોંચી શકે છે.
એટલું જ નહીં પણ ટામેટા સાથે શાકભાજીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. વેપારીનું માનીએ તો શાકભાજીની આવક પણ વધી રહી છે. જેના કારણે શાકભાજીના ભાવમાં 20 થી 30 રૂપિયા ઘટાડો નોંધાયો છે. હજુ પણ શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાઇ શકે છે. એટલે કે ટામેટા સાથે શાકભાજીના ભાવમાં હવે લોકો ને રાહત મળશે. પહેલા લોકો ગણતરી કરીને ખરીદી કરતા હતા તે લોકો હવે મન મુકીને ખરીદી કરતા થશે.