Ahmedabad: રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશના હસ્તે યુવક યુવતીઓને નોકરીના નિમણૂક પત્રો સોંપાયા
જે યુવક-યુવતીઓને રોજગારી મળી તેમના પરિવારજનો પણ ખુશખુશાલ થઈ ગયા છે. દેશમાં રેલવે સહિતના સરકારી વિભાગોમાં નોકરી મળે તે હજારો યુવાનોનું સ્વપ્ન હોય છે. ત્યારે વર્ષોથી સરકારી નોકરી માટે સખત મહેનત કરનારા યુવાનો નિમણૂક પત્ર મળતા જ ખુશખુશાલ થઈ ગયા હતા.
ધન તેરસના (Dhanteras) શુભ દિવસે વડાપ્રધાને (PM narendra modi) હજારો યુવાનોને સરકારી નોકરીની યાદગાર ભેટ આપી. અમદાવાદ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશે રેલવે, બેંકમાં નોકરી મેળવનારા યુવક, યુવતીઓને નિમણૂક પત્ર એનાયત કર્યા. દર્શના જરદોશે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પારદર્શી અભિગમથી યોગ્ય મેરિટવાળા લોકોને સરકારી નોકરી મળી છે જે યુવક-યુવતીઓને રોજગારી મળી તેમના પરિવારજનો પણ ખુશખુશાલ થઈ ગયા છે. દેશમાં રેલવે સહિતના સરકારી વિભાગોમાં નોકરી મળે તે હજારો યુવાનોનું સ્વપ્ન હોય છે. ત્યારે વર્ષોથી સરકારી નોકરી માટે સખત મહેનત કરનારા યુવાનો નિમણૂક પત્ર મળતા જ ખુશખુશાલ થઈ ગયા હતા.
અમદાવાદના શુભમ બંસલ નામના યુવાને સરકારી નોકરી પારદર્શી રીતે આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર સરકારી તંત્રનો આભાર માન્યો હતો તો વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. જેમાં રેલવેમાં 64, પોસ્ટમાં 50, GST વિભાગમાં 12, ESI વિભાગમાં 8, સેન્ટ્રલ બેન્કમાં 4 અને મહારાષ્ટ્ર બેન્કમાં 2 લોકોને નિમણૂક પત્રો અપાયા છે.
વડાપ્રધાને રોજગાર મેળાનો કરાવ્યો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે 10 લાખ યુવાનોની ભરતી અભિયાન શરૂ કર્યું હતું. અભિયાનને ‘રોજગાર મેળો’ નામ આપવામાં આવ્યું છે. PM મોદી 75,000 યુવાનોને સરકારી નોકરીનો નિમણૂક પત્ર આપશે. આ દરમિયાન પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે યુવાનો માટે રોજગારીની તકો પૂરી પાડવા અને નાગરિકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે. હકીકતમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં લગભગ 10 લાખ પદો ખાલી છે. આ ખાલી જગ્યાઓને લઈને વિપક્ષ દ્વારા સરકારને સતત નિશાન બનાવવામાં આવી રહી છે.
વિપક્ષનું કહેવું છે કે દેશમાં બેરોજગારી ચરમસીમા પર છે, પરંતુ આ પછી પણ સરકાર દ્વારા રોજગારી બાબતે કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી. વિપક્ષ બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે. આ જ કારણ છે કે હવે કેન્દ્ર સરકાર આ ખાલી જગ્યાઓ પર લોકોની નિમણૂક કરવા જઈ રહી છે. આજે 75,000 લોકોને મળેલા એપોઇન્ટમેન્ટ લેટર આ કડીનો એક ભાગ છે.