અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના શિરે છે એ પોલીસકર્મીઓ જ જો દાદાગીરી પર ઉતરી આવે, વર્દીના રોફમાં પોતાની જાતને કંઈક ઔર જ સમજવા લાગે તો શું? તો આવા પોલીસકર્મીને કાયદાનું ભાન કોણ કરાવશે? આ સવાલ કરવાનું કારણ એ છે કે અમદાવાદમાં પાલડી વિસ્તારમાં ટ્રાફિક નિયમન દરમિયાન એક પોલીસકર્મીએ મહિલાને જાહેરમાં લાફા જીંકી ગેરવર્તણુક કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
લાફા મારનાર પોલીસકર્મીનું નામ જયંતીભાઈ ઝાલા હોવાનું અને તે N ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે વાસણામાં રહેતા મહિલા શુક્રવારે સાંજે 6:30 કલાકે પાલડી ચાર રસ્તા પાસે સિગ્નલ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રાફિક પોલીસના કર્મચારીએ તેમને રોકીને લાયસન્સ માંગ્યું હતું. મહિલાએ લાયસન્સ આપ્યું હતું. જો કે મહિલાનો દાવો છે કે તેણે પોલીસકર્મીને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતાં જ તે ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારે મહિલાએ સામે કહ્યું કે “પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો ? તમારું આઈડી બતાવો.”
આ દરમિયાન પોલીસકર્મીએ તેનુ આઈડી કાર્ડ મહિલાને બતાવ્યુ અને આઈડી કાર્ડ પરત કરતી વખતે ભૂલથી નીચે પડી ગયુ. બસ આટલામાં તો પોલીસકર્મીનો પારો સાતમા આસમાને ચડી ગયો અને મહિલાને સરાજાહેર ચાર થી પાંચ લાફા જીંકી દીધા. આ સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થયો છે.
એક પોલીસકર્મીના આવા વર્તનથી ડઘાયેલી અને ગભરાઈ ગયેલ મહિલાએ મદદ માટે 112 નંબર પર કોલ કર્યો હતો. જે બાદ તે ફરિયાદ માટે પાલડી પોલીસ મથકે ગયા હતા. મહિલાનો આક્ષેપ છે કે વીડિયોમાં સાબિતી છતાં PSIએ તેમને ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. જે બાદ તેમણે મહિલા PIને રજૂઆત કરી હતી. પરંતુ, તેમણે પણ ક્રોસ ફરિયાદ થશેનું કહીને બહાર મોકલી દીધાં. જે બાદ તેમણે રાત્રે 11.50 કલાકે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી.
આ સમગ્ર ઘટના પર tv9 ગુજરાતીએ સંજ્ઞાન લઈ પોલીસકર્મીની ગેરવર્તણુકને ઉજાગર કરી. પોલીસકર્મીનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે બાદ tv9 એ ટ્રાફિક વિભાગના DCP ભાવના પટેલ ને પણ પોલીસકર્મીની ગેરવર્તણુક અંગે સવાલ કર્યા હતા. જેમાં DCP એ જણાવ્યુ કે પોલીસકર્મી સામે ખાતાકીય પગલા લેવામાં આવશે. જો કે સૌથી વધુ આંચકાજનક બાબત તો એ છે કે આટલી મોટી ગેરવર્તણુક છતા અન્ય પોલીસકર્મી દ્વારા મહિલાને મામલો પતાવવા માટે દબાણ કરવામાં આવ્યુ. પોલીસકર્મી સામે FIR પણ ન લેવામાં આવી. ત્યારે પોતાનો જ સ્ટાફનો વ્યક્તિ શિસ્તનો ભંગ કરે તો તેની સામેના નિયમો અલગ કેમ થઈ જાય છે. જો આ પોલીસકર્મીના બદલે કોઈ સામાન્ય નાગરિકે આ પ્રકારની ગેરશિસ્તભર્યુ વર્તન કર્યુ હોત તો ત્યારે પણ પોલીસકર્મી મામલો પતાવવાની સલાહ આપત ખરા?
આ સમગ્ર મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું
અહીં સૌથી મોટો સવાલ એ પણ છે કે આ નજીવી બાબતે ગુસ્સામાં લાલઘુમ થઈ ગયેલ પોલીસ કર્મીને તેના અન્ય સહકર્મીએ રોક્યો ન હોત તો તે ખબર નહીં શું કરત. હાલ ગૃહવિભાગે પણ આ બાબતે સંજ્ઞાન લઈ પોલીસકર્મી સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
Input Credit- Harin Matravadia- Ahmedabad
Published On - 2:12 pm, Sat, 20 December 25